- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- જેન જે કારણથી સમાચારોમાં ચમકી રહી છે એ જાણવાનું રસપ્રદ છે
રો જબરોજની રહેણીકરણીમાં તમે ક્યારેક નોંધ્યું હશે. કેટલાક પુરુષોને મોટી ઉંમરની સ્ત્રીઓ તરફ અને કેટલીક મહિલાઓને મોટી ઉંમરના પુરુષો તરફ જબરદસ્ત આકર્ષણ હોય છે. કેટલીકવાર આવું આકર્ષણ લગ્નમાં પણ પરિણમે છે.
આવું થવા પાછળ કેટલાંક મનોવૈજ્ઞાનિક (સાઇકોલોજિકલ) કારણ હોય છે એવું મનોચિકિત્સકો કહે છે. આપણે એ ચર્ચામાં પડવું નથી. બોલિવૂડ જેવા કિસ્સા લગભગ આખી દુનિયામાં જોવા મળે. હોલિવૂડની વાત કરીએ તો કેટલાક રસપ્રદ દાખલા આપણી સામે આવી જાય. આમ પણ યૂરોપ-અમેરિકામાં આજે પરણ્યા, આવતી કાલે છૂટ્ટા એવી અસંખ્ય ઘટનાઓ રોજ બનતી હોય છે. એમાંય કેટલાક કિસ્સા ખરેખર રસપ્રદ બની રહે છે. તમે જેમ્સ બોન્ડની ફિલ્મોના ચાહક હો તો તમને આ કિસ્સામાં ખાસ્સો રસ પડશે.
૧૯૭૩માં જેમ્સ બોન્ડ સિરિઝની એક ફિલ્મ આવેલી- લીવ એન્ડ લેટ ડાય... હેન્ડસમ અભિનેતા રોજર મૂર પહેલીવાર આ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે ચમક્યો હતો. એની જોડે બે હીરોઇન હતી. એમાંની એક જેન સિમોર વિલનની જોડીદાર તરીકે ચમકી હતી. એ સમયે જેનની ઉંમર ૨૧ વર્ષની હતી. આજે ૭૪ વર્ષની છે. આ ફિલ્મમાં જેન સાવ શીખાઉ અભિનેત્રી જેવી બની રહી હતી. જો કે કેટલાક મિડિયામેને એને એ સમયની સેક્સ સિમ્બોલ ગણાવી હતી.
આ જેન સિમોર હાલ સમાચારોમાં છે. છેલ્લાં પચાસ સાઠ વરસોમાં એણે ચાર વખત લગ્ન કર્યાં અને ચારે વખત છૂટાછેડા પણ લીધા. અગાઉ કહ્યું એમ વિદેશોમાં આવા બનાવોની કોઇ નવાઇ હોતી નથી. હાલ જેન જે કારણથી સમાચારોમાં ચમકી રહી છે એ જાણવાનું રસપ્રદ છે. ચાર ચાર નિષ્ફળ લગ્નો અને ૭૪ વર્ષની ઉંમર એવી આ અભિનેત્રીએ તાજેતરમાં એવો ઘટસ્ફોટ કર્યો કે હું નવેસર પ્રેમમાં પડી છું. આ વખતે એને એક ઇમરજન્સી રૂમ ડોક્ટર કમ સંગીતકાર મને પ્રેમી તરીકે સાંપડયો છે. બે વર્ષ પહેલાં આ બંને એક પાર્ટીમાં મળ્યાં અને એકમેક તરફ આકર્ષાયાં. બંનેની ઉંમર વચ્ચે વીસ વર્ષનો તફાવત છે. જેમ ૭૪ વર્ષની છે અને એનો કહેવાતો પ્રિયતમ ૫૦ વર્ષનો છે. ડોક્ટર જ્હોન ઝમ્બેટ્ટી ૭૪ વર્ષની આ વૃદ્ધામાં શું ભાળી ગયા હશે એવો સવાલ નહીં પૂછવાનો. અભિનેત્રી જેને હેલ્લો નામના સામયિકને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ધડાકો કર્યો. એણે હરખભેર મુલાકાત લેનારને કહ્યું કે જ્હોન ખૂબ બ્રિલિયન્ટ છે અને એ મને સેક્સમાં અુત આનંદ આપે છે. લો, કરો વાત. જેનને આ ઉંમરે પણ સેક્સમાં રસ છે. એણે વધુમાં કહ્યું કે જ્હોન ઇન્ટેલિજન્ટ છે અને ખૂબ પ્રેમાળ છે. મને એક સરસ પાર્ટનર મળી ગયાનો આનંદ છે. આયમ સો લકી.
અહીં ડોક્ટર જ્હોનનો પણ પરિચય કરી લઇએ. ડોક્ટર હોવા ઉપરાંત જ્હોન એક સફળ ગીતકાર, સંગીતકાર, રેકોર્ડ અને ફિલ્મ પ્રોડયુસર છે. એ મેલિબૂ નામે એક બેન્ડના સંચાલક છે. એમનાં ગીતોની સીડી પચીસથી વધુ દેશોમાં વેચાય છે. એ એક મેડિકલ સ્કૂલ (ખાનગી કોલેજ) પણ ચલાવે છે. પોતાના દાંપત્ય જીવનની વિગતો એણે જાહેર કરી નથી. જેમ સિમોરે આપેલા ઇન્ટરવ્યૂ વિશે કંઇ કહેવાનો પણ એણે ઇનકાર કર્યો હતો. જો કે એ કંઇ કહે કે ન કહે, જેન સાથેની એની સંખ્યાબંધ તસવીરો મિડિયામાં ચમકી ચૂકી છે. બંને જાહેરમાં લીપ લોક કરી રહ્યાં છે એવી તસવીરો સોશ્યલ મિડિયા પર પણ એક કરતાં વધુ વાર ચમકી છે. એટલે બંનેના સંબંધો જગજાહેર છે એમ કહીએ તો ચાલે.
હોલિવૂડમાં અગાઉ પણ આવી ઘાટનાઓ બની છે. ક્લીઓપેટ્રાના અને અન્ય પાત્રોથી જગપ્રસિદ્ધ થયેલી અભિનેત્રી ડેમ એલિઝાબેથ ટેલરે સાત સાત લગ્ન કર્યાં હતાં. સાતેસાત લગ્ન ભાંગી પડયાં હતાં. સિત્તેરથી વધુ વયની હતી ત્યારે એણે પોતાનાથી ૪૫-૫૦ વર્ષ નાનકડા એક યુવાન સાથે અફેર હોવાની જાહેરાત કરી હતી. મિડિયાએ આ વાતને ખૂબ ચગાવી હતી. કેવી રીતે આવી ઘટનાઓની વાત કરીશું ? કદાચ એમ કહીને કે જીના ઇસી કા નામ હૈ...


