પલટાતા હવામાનથી સમગ્ર જીવસૃષ્ટિને ખતરો .

Updated: Jan 24th, 2023


ટોપ્સીટર્વી - અજિત પોપટ

વાતાવરણમાં પ્રાણવાયુ ઘટી ચૂક્યો છે અને કાર્બન ડાયોક્સાઇડ ભયજનક રીતે વધી રહ્યો છે

છેલ્લાં પાંચસો સાતસો વર્ષમાં કદી ન અનુભવી હોય એવી પ્રચંડ ગરમી, સાંબેલાધાર વરસાદ, ચચ્ચાર ફૂટ હિમવર્ષા, ભયાનક વિનાશકારી પૂર, હવામાન ખાતાઓએ ન કલ્પ્યું હોય એવું રાક્ષસી વાવાઝોડું...  છેલ્લા થોડા સમયથી દુનિયાભરના દેશોમાં એક કરતાં વધુ કુદરતી આપત્તિ જોવા મળી રહી છે. એક તરફ એમેઝોનનાં જંગલોમાં ધગી ઊઠેલો બેફામ દાવાનળ, બીજી બાજુ અમેરિકામાં કેલિફોર્નિયા સહિત કેટલાક વિસ્તારોમાં ભીષણ પૂર, ઓસ્ટ્રેલિયામાં પણ એક તરફ જંગલની આગ અને બીજી તરફ અનરાધાર વરસાદથી આવેલાં પૂર. યૂરોપના દેશો તો ઠીક, અફાટ રણથી ઘેરાયેલા સાઉદી અરેબિયામાં તાજેતરમાં આવેલાં પૂરે સૈકાઓથી ત્યાં વસતા લોકોને સ્તબ્ધ કરી દીધા.

ગયા વર્ષના જુલાઇમાં ફ્રાન્સના ગાયરોન્દ વિસ્તારના હજારો લોકોએ સ્થળાંતર કરવું પડયું. અમેરિકામાં કેન્ટુકી અને કેલિફોર્નિયા વિસ્તારોમાં એજ સમયે હજારો પરિવારોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડયું. અમેરિકા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા શ્રીમત ગણાતા દેશોમાં આ સ્થિતિ હોય તો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા વિકાસશીલ કે આફ્રિકા જેવા ગરીબ દેશોની સ્થિતિ કેવી કરુણ હોય એની કલ્પના કરવા જેવી છે.

વીતેલા ૨૦૨૨ના વર્ષમાં કુદરતી આપત્તિથી કંટાળેલા લાખો લોકો સુરક્ષિત વિસ્તારોમાં રહેઠાણ શોધવા હવાતિયાં મારી રહ્યા હતા. પરંતુ જઇ જઇને ક્યાં જાય. દરેક સ્થળે કુદરત વિફરી હોય એવા બનાવો બની રહ્યા હતા. પલટાઇ રહેલા હવામાનમાં રહેવાની ક્ષમતા કેળવવાની જીવસૃષ્ટિને ફરજ પડી રહી હતી. એક  અંદાજ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ઓછામાં ઓછા દસ કરોડ લોકોએ પોતપોતાના ઘરબાર છોડીને અન્યત્ર વસવા જવાની ફરજ પડી હતી.

પ્રદૂષણ વધ્યું છે કે જંગલો કપાયાં છે, કારણ ગમે તે હોય, દુનિયાભરના હવામાનમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું હોવાનું નોંધવાની સૌને ફરજ પડી. વિરાટ હિમશીલાઓ ઓગળવાથી ઠેર ઠેર પૂર આવ્યાં.  પર્યાવરણના નિષ્ણાતો કહે છે કે જે રીતે તાપમાન વધી રહ્યું છે એ જોતાં નજીકના ભવિષ્યમાં એક અબજથી વધુ લોકોએ કાં તો સ્થળાંતર કરવું પડશે અથવા પલટાયેલા વાતાવરણમાં જીવવાની ક્ષમતા કેળવી લેવી પડશે. 

કેટલાક દેશોમાં કદી જોવા ન મળ્યો હોય એવો દુકાળ જોવા મળશે. અન્ન પુરવઠો અને શાકભાજીની ખેંચ પડશે એેવી આગાહી પણ પર્યાવરણના સમર્થકો કરે છે. એક તરફ કુદરત વિફરી હોય એવાં ચિહ્નો જોવા મળ્યાં તો બીજી બાજુ નોસ્ટ્રેડેમસ અને વેંગાબાબાની ભવિષ્યવાણીની વાતોએ માનવજાતમાં ભયની લાગણી પ્રગટાવી.

નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે વાતાવરણમાં પ્રાણવાયુ ઘટી ચૂક્યો છે અને કાર્બન ડાયોક્સાઇડ ભયજનક રીતે વધી રહ્યો છે. પ્રદૂષણ અને ગીચતાના કારણે મહાનગરોમાં ચોખ્ખો  ઓક્સિજન મળતો નથી. પરિણામે શ્વાસના રોગો, જાતજાતના કેન્સર ઉપરાંત નીત નવા  રોગો વધી રહ્યા છે. બીજી બાજુ વસતિ વધારાના પગલે વૃક્ષો કાપીને ગગનચુંબી ટાવરો ઊભાં થવાથી ગંદા પાણીના નિકાલની સમસ્યા બેફામ થઇ રહી છે. મહાસાગરોની જળસપાટી વધી રહી છે. એક જ દાખલો બસ છે. એશિયાના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટસમાંના એક હાફિઝ કોન્ટ્રેક્ટરે થોડા સમય પહેલાં એવી આગાહી કરી હતી કે ભારતની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇની ચારેકોર મહાસાગર છે. મહાસાગર વિફરે તો ગિરગામ ચોપાટીથી મસ્જિદ બંદર સુધી સાગરનાં તોફાની મોજાંને પહોંચતાં માત્ર બે મિનિટ લાગે. આંખના પલકારામાં કદી કલ્પ્યો ન હોય એવો વિનાશ સર્જાઇ શકે.

આ વાત માત્ર મુંબઇ પૂરતી નથી. નિષ્ણાતોના મતે સાગર કાંઠે વસેલા દુનિયાના મોટા ભાગનાં નગરો પર દરિયો ફરી વળે એવી દહેશત છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા થોડાં વરસથી દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી વગેરે વિસ્તારોમાં ચોમાસામાં દરિયાનાં પાણી  ભોંયતળિયાના ઘરો-ફ્લેટોમાં ધસી આવે છે. આવા વિસ્તારોમાં ખેતીવાડી કરવાનું પણ મુશ્કેલ બની રહે.

યૂરોપ, નોર્થ અમેરિકા અને એશિયાના કેટલાક દેશોએ વસતિ વધારાને પહોંચી વળવા નવાં નગરો વસાવવા પડે એવી અરાજકતા કુદરત નજીકના ભવિષ્યમાં સર્જી શકે. માણસ જાતે વિકાસના નામે કરેલી ભૂલોનાં માઠાં પરિણામો પશુ-પંખીઓ પર અને ખાસ તો જળચરોએ ભોગવવાં પડી રહ્યાં છે. કેટલાંય પશુ-પંખીની જાત નષ્ટ થઇ રહી છે અને હજુ પણ નષ્ટ થતી રહેશે.

આ સમસ્યાનો નિવેડો માણસ જાતે ધીરજ અને સમજદારીપૂર્વક લાવવો પડશે. વધુ મોડું થઇ જાય એ પહેલાં માણસ જાગે તો સારું. માત્ર સત્તાલોલુપતામાં રાચતા પોલિટિશ્યનોને આ વાત સહેલાઇથી સમજાય એવી આશા રાખવી નકામી છે.


    Sports

    RECENT NEWS