Get The App

એક વિવાદે માઇકલ જેકસનનો પીછો કદી ન છોડયો...

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
એક વિવાદે માઇકલ જેકસનનો પીછો કદી ન છોડયો... 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- માર્કે પોતાના પુસ્તકમાં માઇકલ જેક્સનના એક વિચિત્ર લાગે એવા વળગણની વાત કરી છે

ટો ચના બ્રિટિશ સંગીતકાર ગાયક માર્ક રોન્સને તાજેતરમાં પ્રગટ કરેલા પોતાના સંભારણાંના પુસ્તકમાં ફરી એકવાર એ વાત તાજી કરી છે કે પોપ મ્યુઝિકનો બેતાજ બાદશાહ માઇકલ જેક્સન પેડોફાઇલ હતો. સરળ ભાષામાં પેડોફાઇલ એટલે ફૂલ જેવાં કૂમળાં બાળકોનું જાતીય શોષણ કરે એવો વિકૃત માણસ. માર્કે પોતાના પુસ્તકમાં પોતે કયા સંજોગોમાં માઇકલ જેક્સનને મળ્યો હતો એની વિગતોનું વર્ણન કર્યું છે. સાથોસાથ માઇકલ જેક્સન સાથેની પોતાની એક તસવીર પણ રજૂ કરી હતી. તાજેતરમાં માર્કને આ વર્ષનો ગ્રેમી એવોર્ડ જાહેર થયો હતો. એ પ્રસંગે એણે પોતાનાં સંભારણાંના પુસ્તકનો લોકાર્પણ સમારોહ પણ યોજ્યો હતો.

ગ્રેમી એવોર્ડ વિજેતા માર્ક ઘણો નિખાલસ છે. એ કહે છે માઇકલ જેક્સન પેડોફાઇલ હોવાના અહેવાલો પ્રગટ થયા બાદ મેં એની સાથેનો ફોટોગ્રાફ અને મારી મુલાકાતની વાત છૂપાવવા માંડી હતી. જો કે મારી સાથે એણે કશું અજુગતું વર્તન કર્યું હોવાનું મને યાદ આવતું નથી. ૧૯૫૦ના દાયકામાં જગવિખ્યાત થયેલા સંગીતકારો બીટલ્સમાં એક સંગીતકાર હતો જ્હૉન લેનન. જ્હૉનના પુત્ર શોન લેનન અને અન્ય એક દોસ્ત યોકો ઓનો સાથે માર્ક માઇકલ જેક્સનને મળવા ગયો હતો. શોન લેનન સંગીતકારનો પુત્ર હોવાથી એને માઇકલ જેક્સન જે હૉટલમાં ઊતર્યો હતો એમાં પ્રવેશ મળ્યો હતો. એની જોડે માર્ક અને યોકો પણ ગયેલા. વાતાવરણ અનેરા ઉત્સાહથી છલકતું હતું. આખોય ઓરડો ખૂશ્બોદાર ફૂલોથી મઘમઘતો હતો. અપટુડેટ પોષાકમાં સજ્જ વેઇટર્સ ઠંડાં પીણાં અને આઇસક્રીમની ટ્રે લઇને ફરતા હતા.  માર્કની ઉંમર એ સમયે તેર વર્ષની હતી. માઇકલ જેક્સનની કોન્સર્ટ શરૂ થવાના થોડા કલાકો પહેલાં માઇકલ આ ત્રણેને મળ્યો'તો. ત્રણે ટીનેજર હરખથી ઘેલા થઇ ગયા હતા. માઇકલ જેક્સનને મળવાની અને એની સાથે ફોટોગ્રાફ પડાવવાની તક મળી એને આ બાળકો જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણતા હતા. આ પ્રસંગે માઇકલના સ્યૂટમાં પચાસેક બાળકો અને કેટલાક વાજિંત્રવાદકો હાજર હતા. માઇકલે હાજર રહેલાં બાળકોના માનમાં એક પાર્ટી યોજી હતી. બાળકો ખુશખુશાલ ચહેરે પાર્ટીની મોજ માણી રહ્યા હતા. પોતાને ભાવતી વાનગીઓ અને આઇસક્રીમ પર તૂટી પડયાં હતાં.

માર્કે પોતાના પુસ્તકમાં માઇકલ જેક્સનના એક વિચિત્ર લાગે એવા વળગણની વાત કરી છે. એ લખે છે કે માઇકલને ટીશ્યુ પેપર્સ ભીનાં કરીને સ્યૂટની બારીમાંથી નીચે પાર્ક થયેલી મોટરકાર્સ પર ફેંકવાનું જાણે વળગણ હતું. એ એટલો મોટો કલાકાર થઇ ચૂક્યો હતો કે એણે ઢગલાબંધ ટીશ્યુ પેપર્સ નીચે ફેંક્યા છતાં હાટલના સંચાલકોએ એ તરફ જોયું ન જોયું કર્યું હતું. ગમે તેમ તો માઇકલ વિશ્વવિખ્યાત કલાકાર હતો. હું (માર્ક) સંગીતનો વિદ્યાર્થી હતો એટલે મને એ પાર્ટીમાં કશુંક શીખવા મળે એવી મારી અપેક્ષા હતી. જો કે આખો સ્યૂટ મારા જેવાં ટીનેજર્સથી ભરેલો હતો એમાં માઇકલ સાથે થોડીક સેકંડ પણ એકાંત મળે એવી શક્યતા લેશમાત્ર નહોતી. માર્કને માઇકલ જેક્સનનાં ગીતોની નોટેશન બુક પણ જોઇતી હતી. એ દિવસોમાં સંગીતના વિદ્યાર્થીઓ એ નોટેશન બુકની નકલ મેળવીને એના આધારે માઇકલ જેક્સનનાં અત્યંત લોકપ્રિય ગીતો પિયાનો, વાયોલિન કે અન્ય વાજિંત્ર પર વગાડતાં શીખતાં. જો કે માર્કને એ નોટેશન બુક આ પાર્ટીમાં મળી નહોતી. 

માઇકલ જેક્સન કૂમળાં બાળકોનું જાતીય શોષણ કરે છે એવા આક્ષેપો વહેતા થયા ત્યારે ખાસ્સો ઉહાપોહ થયો હતો. આવા પ્રસંગે કાયમ બને છે એમ માઇકલ જેક્સને સતત આ આક્ષેપોને રદિયો આપ્યે રાખ્યો. પરંતુ આ કલંક એવું હતું કે એકવાર માઇકલના નામ સાથે જોડાયું પછી એ કદી નષ્ટ થયું નહીં. માઇકલ જેક્સન જીવ્યો ત્યાં સુધી એ કલંક એની સાથે જોડાયેલું રહ્યું. એના ફેન્સ ત્યારબાદ પોતાનાં બાળકોને માઇકલ પાસે એકલાં જવા દેતા નહોતાં. માર્ક કહે છે કે એ વાતનું માઇકલને ખૂબ લાગી આવતું. એ કહેતો કે મારા હરીફોએ આ વાત વહેતી મૂકી છે કારણ કે સંગીતની બાબતમાં એ લોકો મને પરાજિત કરી શકતા નથી.