અતાગને તાગનારી વીરાંગનાઓ....
- ઓટિસે આઠથી ઇંચ ફૂટ લાંબા અને પાણીદાર તલવાર જેવા દાંત ધરાવતી વાઇપરફિશ નાનકડી માછલીઓનો શિકાર કરતી નજરે જોઇ હતી
- ટોપ્સીટર્વી- અજિત પોપટ
અ મેરિકી મહિલા અવકાશ યાત્રી ડોક્ટર કેથી સુલીવાને ૬૮ વર્ષની ઉંમરે પહેલાં અવકાશ યાત્રા કરી અને પછી પ્રશાંત (પેસિફિક) મહાસાગરના તળિયે આંટો મારી આવી એવા સમાચાર ગયા સપ્તાહે પ્રગટ થયા હતા. આ પહેલી મહિલા અવકાશ યાત્રી હતી જેણે પાંત્રીસ હજાર આઠસો દસ ફૂટ ઊંડે આવેલા ચેલેન્જર ડીપની મુલાકાત પણ લીધી. આ સમાચારનો સાર માત્ર આપણને વાંચવા મળ્યો. વાસ્તવમાં મહાસાગરોની ભીતરની દુનિયા અનેક અજાયબીઓથી ભરેલી છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશોના ચોમાસાનો આધાર મહાસાગરોનાં ખારાં નીર છે. ઉનાળામાં આ નીરનું બાષ્પીભવન થાય છે અને આકાશમાં વાદળાં બંધાય છે. ચોમાસામાં એ ખારાં પાણી મીઠા પાણી તરીકે વરસાદ સ્વરૂપે આપણને પાછાં મળે છે.
ચેલેન્જર ડીપ તરીકે ઓળખાતો આ સૌથી ઊંડો વિસ્તાર પેસિફિક મહાસાગરમાં આવેલો છે. છેક ૧૮૭૨ અને ૧૮૭૬ વચ્ચે બ્રિટિશ રોયલ નૌકાદળના સર્વે જહાજ એચએમએસ ચેલેંજરે આ સમુદ્રના ઊંડાણને તાગવાનો પ્રયાસ કરેલો એટલે એને ચેલેંજર ડીપ નામ અપાયું. જાપાન નજીક મારિયાના ટાપુ સમૂહ નજીક વેસ્ટર્ન પ્રશાંત મહાસાગરમાં આ વિસ્તાર આવેલો છે. આજે તો એટલી બધી ટેકનોલોજિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે કે દરિયામાં ૩૫ હજાર ફૂટ ઊંડે જવાનું કામ વૈજ્ઞાાનિકો માટે એકદમ સહેલું થઇ પડયું છે.
પરંતુ જાણીને નવાઇ લાગશે કે ડોક્ટર કેથી સુલીવાનની પહેલાં પણ કેટલીક સાહસિક મહિલાઓએ મહાસાગરના અતાગ લાગતા તળિયાને ખુંદવાના અધકચરા પ્રયાસો કર્યા છે. સાવ પાંખાં સાધનો વડે અને જીવલેણ જોખમ કહેવાય એવું સાહસ આજથી ૯૦ વર્ષ પહેલાં ખેડાયું હતું.
નેશનલ જ્યોગ્રાફિક જેવા જગપ્રસિદ્ધ સામયિકના સહયોગથી ઓટિસ બાર્ટન નામની મહિલાએ વિલિયમ બીબી નામના ડૂબકીમાર સાથે આ સાહસ ખેડયું હતું. ઓટિસ ઉપરાંત અન્ય મહિલા વિજ્ઞાાનીઓ પણ આ સાહસમાં સહભાગી હતી. જો કે ડોક્ટર કેથીની સિદ્ધિ પાસે આ સાહસ બચ્ચા જેવું લાગે.
એની વાત કરવા અગાઉ થોડી આડવાત. વિશ્વના સૌથી ઊંડાં મહાસાગરમાં ૩૫,૮૨૦ ફૂટ સાથે પ્રશાંત મહાસાગરનો પહેલો નંબર છે. બીજા ક્રમે આપણો હિંદી મહાસાગર આવે છે જે ૨૪,૪૬૦ ફૂટ ઊંડો છે. ઓટિસ અને વિલિયમે જે સાહસ ખેડયું એ એટલાંટિક મહાસાગરમાં હતું.
આ સમુદ્ર ૩૦,૨૪૬ ફૂટ ઊંડો છે. મકાન બંધાતું હોય ત્યારે સિમેન્ટ મિક્સીંગ માટે જે મશીન આવે છે એની સાથે જોડાયેલી ટાંકી જેવા એક સાધન બેધીસ્ફીયરમાં પૂરાઇને ઓટિસ અને વિલિયમે એટલાંટિક મહાસાગરમાં લગભગ બારસો ફૂટ ઊંડે જવાનું સાહસ ખેડયું હતું. એક જાડ્ડા કેબલ સાથે બેધીસ્ફીયર બાંધેલું રહે છે. એની અંદર અત્યંત મજબૂત કાચની બારીઓ હોય છે. અંદર રહેલી વ્યક્તિઓએ કાચની બારીમાંથી અવલોકન કરે છે.
આ સાધન એક બોટ સાથે જોડાયેલું હતું. બોટમાં અન્ય મહિલાઓ ઓટિસ સાથે સંદેશ વ્યવહાર કરતી હતી. બોટમાં જોસેલિન ક્રેન ગ્રીફીન નામની લેબોરેટરી આસિસ્ટન્ટ હતી જે ઓટિસને દરિયાઇ સૃષ્ટિ વિશે માહિતીની આપ-લે કરતી હતી. ગ્લોરિયા હોલિસ્ટર આનાબેલ ડૂબકીમારો સાથે ફોનથી સંપર્ક રાખતી હતી. આ મહિલા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રોપિકલ રિસર્ચમાં મુખ્ય ટેકનિકલ એસોસિયેટ તરીકે કામ કરતી હતી. આજે આ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ
કન્ઝર્વેશન સોસાયટીના નામે ઓળખાય છે. વિલિયમ અને ઓટિસ પોતે જે કંઇ જુએ એની માહિતી ફોન દ્વારા ગ્લોરિયાને આપતાં હતાં.
આજે જેને ફેન્ટસી ફિલ્મો કહેવાય છે એવાં ઘણાં દ્રશ્યો આ બંને ડૂબકીમારોએ જોયાં હતાં. હોલિવૂડે જોઝ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે જેમાં રાક્ષસી દાંત ધરાવતી શાર્ક માછલીની કથા હતી. ઓટિસે આઠથી ઇંચ ફૂટ લાંબા અને પાણીદાર તલવાર જેવા દાંત ધરાવતી વાઇપરફિશ નાનકડી માછલીઓનો શિકાર કરતી નજરે જોઇ હતી. સાવ પ્રાથમિક અને અણઘડ કહેવાય એવું આ સાહસ તસવીરો સહિત નેશનલ જ્યોગ્રાફિક સામયિકે વિગતવાર પ્રગટ કર્યું હતું. એ પછી હોલિવૂડે દરિયાઇ સૃષ્ટિ વિશે હૈરતમંદ ફિલ્મો બનાવીને અબજો રૂપિયાની કમાણી કરી હતી.
આજે અલ્ટ્રામોડર્ન ટેકનોલોજીની સહાયથી ડોક્ટર કેથીએ ચેલેન્જર ડીપનો પ્રવાસ કર્યો એની તુલનાએ વિલિયમ બીબ અને એની મહિલા સાથીઓએ કરેલું સાહસ ખરા અર્થમાં ઐતિહાસિક હતું. ૧૯૩૦ના જૂનની ૧૯મીએ આ સાહસ ખેડાયું હતું. નેશનલ જ્યોગ્રાફિક ઉપરાંત ન્યૂયોર્ક ઝુઓલોજિકલ સોસાયટી બુલેટિન અને અન્ય પ્રકાશનોએ પણ આ સાહસની નોંધ લીધી હતી. ઓટિસ અચ્છી ચિત્રકાર પણ હતી એટલે એણે પોતે જે દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળી હતી એનાં ચિત્રો પણ કેટલાક લેખ સાથે આપ્યા હતા.