મોતીની બુટ્ટી બુંધિયાળ છે...? .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- મોતી એ સૌંદર્ય, સંસ્કાર અને ચોક્કસ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે
સં તાન પરીક્ષા આપવા જતું હોય ત્યારે માતા એક ચમચી દહીં ખવરાવીને એને શુકન કરે છે. કોઇ યુવાન નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જતો હોય ત્યારે એને વડીલો ચેતવે છે, બહાર નીકળતાં ધ્યાન રાખજે- માથે કચરાની ટોપલી લઇને આવતો કોઇ સફાઇ કામદાર કે ચૂડી-ચાંદલા વિનાની સ્ત્રી સામે મળે તો એક મિનિટ કશેક ઊભો રહી જજે. આજે ઇન્ટરનેટના અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ રસ્તે જતાં બિલાડી આડી ઊતરે તો ઘણા લોકો એને અપશુકન સમજે છે.
આવું માત્ર આપણે ત્યાં બને છે એવું નથી. યૂરોપ અમેરિકામાં પણ આવા કેટલાક વહેમ પ્રવર્તે છે. તાજેતરમાં સોશ્યલ મિડિયા પર ટીકટોક દ્વારા એક એવો વહેમ વહેતો કરાયો એની નોંધ અમેરિકાના આગેવાન અખબારો સુદ્ધાંએ લીધી હતી. ગયા પખવાડિયે આ વહેમને લગતી સ્ટોરી અમેરિકી અખબારોમાં પ્રગટ થઇ હતી. આ વહેમ પર્લ ઇયરીંગ થિયરી તરીકે જાણીતો છે. પર્લ એટલે મોતી અને ઇયરીંગ એટલે બુટ્ટી. આ વહેમ પાછળ એવી માન્યતા છે કે જો કોઇ યુવતી મનગમતા પુરુષને આકર્ષવા માગતી હોય તો એણે કદી મોતીની બુટ્ટી પહેરવી ન જોઇએ. મોતીની બુટ્ટી પુરુષોને, ઇવન ખૂબસુરત યુવતીથી પણ દૂર ભગાડી દે છે.
આની પાછળ એવો તર્ક અપાય છે કે મોતીની બુટ્ટી પહેરતી યુવતી બહુ પૈસા ઊડાવતી હોય, પ્રેમી કે પતિને દાબમાં રાખતી હોય, ખોટા ખર્ચા બહુ કરતી હોય. એટલે મોતીની બુટ્ટી પહેરતી યુવતીને જોઇને પુરુષ આઘો ભાગી જાય. આ વહેમનો પ્રચાર કોણે ક્યારે શરૂ કર્યો એની તો ખબર નથી. પણ આગેવાન અમેરિકી દૈનિકો એની સ્ટોરી બનાવે ત્યારે આપણને વિચાર આવે કે આ તે કેવો વહેમ છે ?
આભૂષણોના નિષ્ણાતો કહે છે કે મોતી એ સૌંદર્ય, સંસ્કાર અને ચોક્કસ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે. ગર્ભશ્રીમંત પરિવારો પોતાના સંતાનો માટે મોતીના ખાસ અલંકારો તૈયાર કરાવે છે. સુંદર યુવતી મોતીનાં આભૂષણ પહેરે ત્યારે એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ પર્લ ઇયરીંગ થિયરીના સમર્થકો કહે છે કે મોતીની બુટ્ટી પહેરી હોય એવી યુવતીને જોઇને પુરુષ એક યા બીજા બહાને ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. પાણીદાર મોતી પુરુષને દૂર કરી દે છે.
અહીં ઔર એક રસપ્રદ વાત જાણવા જેવી છે. જગવિખ્યાત ચિત્રકાર લીયોનાર્દો દ વિન્ચીનું મોનાલીસા પેઇન્ટીંગ દુનિયાભરમાં પંકાયું છે. આ ચિત્ર કઇ મહિલાનું છે અને એના ચહેરા પર કેવા ભાવ અંકાયેલા છે વગેરે બાબતોની ચર્ચા સેંકડો વરસથી ચાલતી આવી છે. કંઇક એવુંજ તૂત પર્લ ઇયરીંગ થિયરી સાથે સંકળાયેલું છે. ૧૬૬૬માં ડચ પેઇન્ટર વર્મીરે એક ચિત્ર બનાવેલું. એ ચિત્રનું ટાઇટલ છે અ ગર્લ વીથ પર્લ ઇયરીંગ. આ યુવતી કોણ છે અને ચિત્ર જગવિખ્યાત થયા પછી એ ક્યાં અદ્રશ્ય થઇ ગઇ એની પણ ચર્ચા ચાલે છે.
વિદ્વાનોનો એક વર્ગ માને છે કે આ યુવતી એક ધંધાદારી મોડેલ હતી. બીજો વર્ગ માને છે કે આ યુવતી ચિત્રકાર વર્મીરની પોતાની મોટી પુત્રી મારિયા છે. ચિત્ર ખૂબ લોકપ્રિય થયું ત્યારબાદ મારિયા ક્યાં અદ્રશ્ય થઇ ગઇ એની પૃચ્છા સતત થતી રહી છે. ગઇ સદીમાં આ ચિત્રની આધુનિક રીતે સાફસફાઇ કરવામાં આવી ત્યારબાદ કલાજગતમાં એની કિંમતમાં જબરદસ્ત વધારો થયો હતો.
સોશ્યલ મિડિયા પર પર્લ ઇયરીંગ થિયરી વિશે બેફામ પ્રચાર થવા માંડયો ત્યારે મોર્ગન મેક્ગ્વાયર નામની કલાપ્રેમી મહિલાએ આ આખી વાતને વાહિયાત અને કપોળકલ્પિત ગણાવી હતી. જો કે આ તો ગાડરિયો પ્રવાહ છે. સોશ્યલ મિડિયા પર એક વાત રજૂ થાય એટલે એની તરફેણ અને વિરોધમાં ધોધમાર ખરીખોટી વાતો વહેતી થઇ જાય. આ આખી વાત વાહિયાત છે એટલું લખીને મોર્ગન મેક્ગ્વાયર અટકી નહીં. એણે લખ્યું કે હું હજુ અપરિણિત છું. જુઓ, મેં મોતીના દાગિના પહેર્યા છે. મારા કોઇ પુરુષ મિત્રને હું ડરાવનારી કે દાબમાં રાખનારી લાગી નથી. આવી વાતો બેવકૂફ લોકો કરે છે. મોર્ગને પોતાની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી અને બે લાખ લોકોએ નિહાળી અને લાઇક કરી.
મોર્ગન વિરોધી ઝુંબેશમાં અનેક યુવતીઓએ મોતીની બુટ્ટીને બુંધિયાળ ગણાવતી પોસ્ટ મૂકી. તો એક યુવતીએ પોતે પહેરેલા મોતીના દાગિના સાથેની વિડિયો મૂકીને લખ્યું કે હું સિંગલ છું. પણ એનું કારણ મેં પહેરેલી મોતીની બુટ્ટી નથીજ. હું મારી પસંદગીથી સિંગલ છું. મને મોતીના અલંકારો ગમે છે એટલે પહેરું છું.
અન્ય એક યુવતીએ લખ્યું, મારી માતાની નાની, મારી નાની, મારી માતા અને હું પોત્તે પણ ચાર વર્ષની હતી ત્યારથી મોતીના દાગિના પહેરું છું. અમને ગમે છે માટે પહેરીએ છીએ. આજે હું ૨૭ વર્ષની છું. હજુ સુધી તો મને જોઇને કોઇ પુરુષ મિત્ર નાસી ગયો નથી...
આ લખાતું હતું ત્યારે સોશ્યલ મિડિયા પર આ મુદ્દે તરફેણ અને વિરુદ્ધ ખડાજંગી ચાલુ હતી. આ વહેમ હાસ્યાસ્પદ છે કે અમેરિકા યુરોપના દેશોમાં હોબાળો સર્જે છે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.