Get The App

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ .

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ                                      . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

-  ગમે તેવી મોંઘવારી હોય, ગમે તેવા વિપરીત સંજોગો હોય, બજાર ગમે તેટલું ઠંડું હોય, પર્વની ઉજવણી ફિક્કી ન પડવી જોઇએ એવો ગરવા ગુજરાતીનો સદૈવ આગ્રહ રહ્યો છે

આ જે બાવીસમી ઓક્ટોબર. વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષનું પ્રથમ પ્રભાત. દેશના ખૂણે ખૂણે આતશબાજી થઇ રહી છે, કોરાં નવાં વસ્ત્રો પહેરીને એકબીજાને સાલ મુબારક કહેવા આપણે સૌ થનગની રહ્યાં છીએ. દુનિયાના કોઇ પણ ખૂણે વસતો ગુજરાતી ઉત્સવોની ઉજવણી બાબતમાં સદાય મૂઠ્ઠી ઊંચેરો રહ્યો છે. ગમે તેવી મોંઘવારી હોય, ગમે તેવા વિપરીત સંજોગો હોય, બજાર ગમે તેટલું ઠંડું હોય, પર્વની ઉજવણી ફિક્કી ન પડવી જોઇએ એવો ગરવા ગુજરાતીનો સદૈવ આગ્રહ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થઇ ચૂક્યો છે. 

અસંખ્ય ગુજરાતી પરિવારો એક યા બીજા પ્રવાસે પણ ઊપડી ગયાં હશે. વિમાની ભાડાં ગમે તેટલા આસમાની થઇ જાય, લક્ઝરી બસો ગમે તેટલી મોંઘી બની રહે, ટ્રેનોમાં ગમે તેટલાં વેઇટિંગ લિસ્ટ હોય, ઉજવણી શોખીન  ગુજરાતી પરિવારો આવી તકલીફોથી ક્યારના ટેવાઇ ગયા છે. મોટા ભાગનાં પર્યટન સ્થળો ગુજરાતી પ્રવાસીઓથી છલકાઇ ગયાં હશે. હૉટલો ગુજરાતી કુટુંબોના કલબલાટથી ગૂંજતી હશે. ગુજરાતી પ્રજા માત્ર કમાઇ જાણતી નથી, આનંદ પ્રમોદ માટે સારો ખર્ચ પણ કરી જાણે છે. પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ હકીકત બરાબર સમજે છે એટલે મહિનાઓ અગાઉથી પૂર્વતૈયારી આદરી દેતાં હોય છે.

આજનું નવું વર્ષ ઘણી રીતે અનોખું છે. દેશની બહાર નજર કરીએ તો બબ્બે સ્થળે યુ્દ્ધ ચાલી રહ્યાં છે. યુદ્ધ વિરામની પોકળ વાતો હવામાં છે. હજુ એકાદ બે સ્થળે ગમે તે ઘડીએ લડાઇ ફાટી નીકળવાની શક્યતા છે. વીતેલાં વર્ષમાં મેઘરાજ અનરાધાર વરસ્યા. અસંખ્ય સ્થળોએ વિનાશક પૂર આવ્યાં. માત્ર ભારતમાં નહીં, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, સ્પેન, અમેરિકાનાં કેટલાંક રાજ્યો અરે, કદી જ્યાં પૂર આવતાં નહોતાં એવા દૂબઇ અને અન્ય આરબ દેશમાં પણ પૂર આવ્યાં, યૂરોપનાં કેટલાક દેશોનાં જંગલોમાં ભીષણ આગ લાગી જે મહિનાઓ સુધી બુઝાઇ નહીં. 

સૌથી મહત્ત્વની વાત તો એ કે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત કેટલાક દેશોનું અર્થતંત્ર ખોરવાઇ ગયું. નેપાળમાં લોકોએ ભ્રષ્ટાચાર સામે બળવો કર્યો. વ્યાપક પ્રમાણમાં હિંસાચાર થયો. ભૂતપૂર્વ પ્રધાનો અને થોડાક પ્રધાનની પત્ની પર લોકોએ ગુસ્સો ઊતાર્યો. બેફામ મારપીટ કરીને એકાદ બે મહિલાનો જીવ લીધો. નેપાળની આ ઘટનાની અસર યૂરોપના કેટલાક દેશોમાં પણ દેખાઇ. ઠેર ઠેર પ્રજાનો આક્રોશ સડકો પર આવી ગયો. શાસકો ધૂ્રજી ઊઠયા. યૂરોપના એકાદ બે દેશ પર પણ થઇ. ત્યાં પણ પ્રજાએ દેખાવો કર્યા.

ભારતીય હિન્દુ નવું વર્ષ નવી આશા લઇને આવ્યું છે. એક પૂજ્ય જૈન મહારાજ સાહેબે સનાતન સત્ય કહેવાય એવી સચોટ વાત કરી. આ જૈન મહારાજ સાહેબે તમામ ધર્મગ્રંથોના સાર સમી વાત કરતાં કહ્યું, 'આ દિવસો પણ રહેશે નહીં, શ્રદ્ધા ગુમાવતા નહીં...' સંજોગો સતત પરિવર્તનશીલ હોય છે. રાત પછી દિવસ પાછો આવે છે. રોજ નવો સૂર્ય ઊગે છે. સુખ પછી દુ:ખની સાયકલ સતત ફરતી રહે છે. કોઇ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. 

સ્વસ્થપણે વિચારીએ તો ભારતીય અર્થતંત્ર અનેક પડકારો વચ્ચે પણ સુદ્રઢ રહ્યું છે. સતત મોંઘવારી વચ્ચે પીસાતા મધ્યમવર્ગે હજુ આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. એ જોતાં શરૂ થઇ રહેલું નવું વર્ષ ઘણી રીતે શુભદાયી નીવડવાની શક્યતા ઊજળી છે. એક વાત યાદ રાખવાની છે- સંજોગો અનુકૂળ હોય ત્યારે તો સૌ આરામદાયક રીતે જીવી શકે, સંજોગો વિપરીત હોય ત્યારે સામા પૂરે તરવામાં આપણા મનોબળનો પુરાવો મળી જાય છે. સંજોગો સાથે લડીને વિજયી નીવડે એનો આનંદ શબ્દોથી પર હોય છે. એ આનંદ દિવ્ય બની રહે છે. આપણે હિંમત રાખીને સતત  પુરુષાર્થ કરતાં રહીને પ્રાર્થના પણ ચાલુ રાખવાની છે કે હે પરમાત્મા શરૂ થયેલું નવું વર્ષ સમગ્ર વિશ્વને ફળદાયી નીવડે એવી અમીનજર રાખજો ! આપણી પુરાણોક્ત પ્રાર્થના અદ્ભુત છે- સર્વે ભવન્તિ સુખીન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુ:ખભાગ ભવેત્ !