- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- સામાન્ય નાગરિક જ્યારે ભારતના વડા પ્રધાનના વખાણ કરે ત્યારે પાકિસ્તાની નેતાઓ પોતાનો ચહેરો દર્પણમાં જોવા તૈયાર નથી
'ફા તિમા, અલગ પાકિસ્તાનની મારી માગણી મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી,' મરણશય્યા પર પડેલા કાઇદે આઝમ મુહમ્મદ અલી ઝીણાએ પોતાની બહેન ફાતિમાને આવું કંઇક કહ્યું હોવાનું મનાય છે. શબ્દો આઘાપાછા હોઇ શકે પરંતુ કહેવાનો ભાવાર્થ આ પ્રકારનો હતો. આજે પાકિસ્તાન આખી દુનિયા સમક્ષ હાથવાટકો લઇને ફરે છે. એક લિટર દૂધના દોઢસો રૂપિયા અને એક કિલો લોટના બસો રૂપિયા બોલાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલનો સ્ટોક ખતમ થવા આવ્યો છે. ગમે ત્યારે સિવિલ વોર (આંતરવિગ્રહ) ફાટી નીકળવાનો ભય સેવાઇ રહ્યો છે. પાકિસ્તાનના કહેવાતા રાજકીય સમીક્ષકો કહે છે કે ભારતીય લોબી (વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ વાંચો)એ દુનિયાભરમાં અમને ઊતારી પાડયા છે એટલે કોઇ આજે અમને સહાય કરવા આગળ આવતું નથી.
પાક એટલે પવિત્ર. પાકિસ્તાન એટલે પવિત્ર ધરતી. નક્કર વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનની રચના થયાના પહેલાજ દાયકે લશ્કરે અયુબ ખાનની આગેવાની હેઠળ સત્તા કબજે કરી લીધી હતી. લશ્કર સત્તા કબજે કરે એનો કશો વાંધો હોઇ શકે નહીં પરંતુ ત્યારબાદ લશ્કરી અધિકારીઓ આમ આદમીના કલ્યાણ માટે પગલાં ભરે તો લશ્કરી શાસન દીપી ઊઠે. પરંતુ પાકિસ્તાનની બાબતમાં એવું બન્યું નહીં. એક તરફ લોકશાહી શાસન માટે સક્ષમ એવા નેતાઓ કે રાજકીય પક્ષોનો અભાવ અને બીજી બાજુ સત્તાની મઘલાળ ચાખી ચૂકેલું ઘાયલ વાઘ જેવું લશ્કર. સત્તા અને સંપત્તિ લશ્કરી અધિકારીઓને સતત લલચાવતી રહી એટલે ભારતની સાથે આઝાદ થયેલા પાકિસ્તાનમાં દરેક દાયકે લશ્કરે સત્તા પચાવી પાડી.
આયેશા સિદ્દીકી નામની પાકિસ્તાની મહિલાએ લખેલા પુસ્તક 'ઇન્સાઇડ પાકિસ્તાન્સ મિલિટરી ઇકોનોમી'નો સાર એટલો જ કે પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ અબજોપતિ ઉદ્યોગપતિઓેની હરીફાઇ કરી શકે એટલી બેહિસાબી સંપત્તિ ધરાવે છે. મોટા ભાગના લશ્કરી અધિકારીઓ સ્વીસ બેંકોમાં અઢળક સંપત્તિ જમા કરાવી ચૂક્યા છે. હજુય તેમને ધરવ થતો નથી. પીવાના પાણીના ૮૦ ટકા ટેન્કર્સ લશ્કરી અધિકારીઓના છે. વિશાળ શોપિંગ મોલ્સમાં લશ્કરી અધિકારીઓની ભાગીદારી છે. લગભગ એવીજ સ્થિતિ કહેવાતા પોલિટિકલ નેતાઓની છે. નેતાઓ કે લશ્કરી અધિકારીઓ બેમાંથી કોઇને આમ જનતાની પડી નથી. એ સંજોગોમાં આતંકવાદ સહેલાઇથી ફૂલે ફાલે એમાં કોઇ નવાઇ ખરી ?
પાકિસ્તાની બૌદ્ધિકો દેશની કંગાળ પરિસ્થિતિ માટે પણ ભારતને દોષિત ઠરાવવાની વાહિયાત દલીલ કરે ત્યારે એક મુદ્દો જાણે કરીને વિસારી દે છે. હવે આખી દુનિયા પાકિસ્તાનને આતંકવાદની જનની તરીકે ઓળખી ગઇ છે. માત્ર ભારત નહીં, વિશ્વના ઘણા દેશોમાં આતંકવાદે રાડ પોકારાવી છે. એ સંજોગોમાં પાકિસ્તાનને આર્થિક સહાય કરવી એ સાપને દૂધ પાવા જેવું છે. એ વાત દુનિયાભરના દેશો સમજી ચૂક્યા છે. પોતાની પરિસ્થિતિ માટે આયનો જોવાને બદલે ભારતને દોષ આપ્યા કરવો એ પાકિસ્તાના શાસકોની નરી શાહમગી વૃત્તિ છે. પાકિસ્તાની ટેલિવિઝન ચેનલ્સ પર રોજે રોજ આમ જનતાના પ્રતિનિધિઓ આક્રોશ વ્યક્ત કરે છે. સામાન્ય નાગરિક જ્યારે ભારતના વડા પ્રધાનના વખાણ કરે ત્યારે પાકિસ્તાની નેતાઓ પોતાનો ચહેરો દર્પણમાં જોવા તૈયાર નથી. સમીક્ષકો ભલે ભારતીય લોબીનો વાંક કાઢયા કરે, વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનમાં કોઇ મોટા ગજાનો નેતા નથી જે જનતાને પોતાની સાથે લઇ જઇ શકે.
આટલું ઓછું હોય તેમ હવે પાકિસ્તાને પેદા કરેલા તાલિબાન આતંકવાદીઓ પાકિસ્તાનને જ ઘમકી આપે છે કે ચૂપચાપ બેસી રહો નહીંતર ૧૯૭૧માં ભારતે તમારી જેવી સ્થિતિ કરી હતી એવી
અમે કરી નાખીશું. એટલે કે તમારા દેશના ટુકડા કરી નાખવામાં આવશે. હકીકત એ છે કે પ્રજામાં અસંતોષ વધી રહ્યો છે એ જોતાં અફઘાન તાલિબાને કશું કરવાની જરૂર નથી. જે દિવસે પ્રજા વિફરશે તે દિવસે અલ્લાહતાલા પણ પાકિસ્તાનને બચાવી નહીં શકે. લોકોના અસંતોષની પરાકાષ્ઠા આવી રહી છે. પાકિસ્તાન જેવી જ સ્થિતિ પાક કબજા હેઠળના કશ્મીરની છે. પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી શાસકો આ વાત જેટલી જલદી સમજે એટલું એમના હિતમાં છે. ફ્રેન્ચ ક્રાન્તિ અને રશિયન ક્રાન્તિનો ઇતિહાસ આ વાતની ગવાહી પૂરે છે કે પ્રજા સડક પર ઊતરી આવે અને બળવો કરે ત્યારે દુનિયાની કોઇ લશ્કરી તાકાત એને કચડવામાં સફળ થતી નથી.


