ભલ્લૂકકેશી સુપત્રા ! .
- ર્ટોપ્સીટર્વી-અજિત પોપટ
- સુપત્રાને એની બીમારી આર્થિક રીતે લાભદાયી નીવડવા માંડી એટલે એના પતિએ છૂટાછેડા લેવાનો વિચાર પડતો મૂક્યો
દૂરથી એક પ્રાણી જેવું આવતું દેખાયું. સડક પર હો હા થઇ ગઇ. સામાન્ય રીતે મદારીઓ જોડે બે પગે ચાલતું રીંછ જોવા મળે ખરું. પરંતુ એ તો ભારતના કોઇ શહેરમાં. યૂરોપ અમેરિકામાં મદારીઓ ક્યાં હોય છે ? અને લંડનની સડક પર તો આવું દ્રશ્ય તમે કલ્પી પણ ન શકો. થોડી હો હા થઇ. કોઇએ પોલીસને ફોન કર્યો. સાઇરન ચીખતી પોલીસવાન ધસી આવી. ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકી હતી. એ કોઇ રીંછ નહોતું પણ એક યુવતી હતી. કુદરતે એની સાથે ક્રૂર મજાક કરી હતી.
મૂળ બેંગકોકની આ થાઇ યુવતી ઇંગ્લેંડની તબીબી મુલાકાતે આવી હતી. એને ટોચના ડોક્ટરોની સલાહ લેવાની હતી. આ યુવતીને થોડે દૂરથી જુઓ તો રીંછ હોય એવું લાગે. કારણ ? એ એક એવી જેનેટિક બીમારીનો ભોગ બની છે જેમાં મસ્તક અને ગુપ્તાંગ ઉપરાંત આખા શરીરે ખૂબ વાળ ઊગે. બાકીના અવયવો પર વાળ તો છૂપાવી શકાય. આ બીમારીમાં તો ચહેરા પર પણ વાળ ઊગે. તમે તસવીર જુઓ એટલે ખ્યાલ આવશે. ચહેરા પરના વાળને કારણે એ બિહામણી લાગે.
સાવ કૂમળી વયથી એને આ બીમારી લાગુ પડી હતી. નિષ્ણાત ડોક્ટરોના કહેવા મુજબ દર પચાસ લાખ વ્યક્તિએ એકાદ વ્યક્તિને આવી તકલીફ થઇ શકે. આ થાઇ યુવતીનું નામ છે સુપત્રા સૌસુપન. ડોક્ટરો આ તકલીફને એમ્બ્રાસ સિન્ડ્રોમ કે વેરવુલ્ફ સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે. સુપત્રાને આ તકલીફના પગલે ખૂબ હેરાન થવું પડયું. એ માત્ર ચાર પાંચ વર્ષની હતી ત્યારે એનાં માતાપિતાને આ તકલીફની જાણ થઇ. શરૂમાં તો સુપત્રા આસપાસનાં બાળકો જોડે રમવા પણ જઇ શકતી નહોતી. એને જોઇને જ બાળકો ચીસાચીસ કરી મૂકતાં. સુપત્રા આ તકલીફથી મુક્ત થઇ જાય એ માટે એની માતાએ જાતજાતની બાધા આખડી રાખેલી. જતિ-સતિ-મંત્ર તંત્ર પણ અજમાવી જોયાં હતાં. પણ કશું વળ્યું નહોતું.
એને સ્કૂલમાં ભણવા મૂકવાની સમસ્યા પણ ખરા અર્થમાં આકરી હતી. કઇ સ્કૂલ આવી બાળકીને સ્વીકારે ? એ ગ્રેજ્યુએટ થઇ ત્યાં સુધીમાં ડઝનબંધ સ્કૂલ અને કોલેજ બદલવી પડી હતી. એની માતા શરૂશરૂમાં કાતર લઇને ચહેરા પરના વાળ કાપી આપતી. એ પછી એક મહિલા નાયીની મદદ લીધી. ત્યાર બાદ એક બ્યુટી સલોનની સંચાલિકાએ એને અમુક ઔષધ દ્વારા વાળ દૂર કરવાની સલાહ આપી. કોઇએ વળી પુરુષો જે ઇલેક્ટ્રીક હાથમશીનથી શેવ કરે એની મદદથી વાળ દૂર કરવાનું કહ્યું.
આવા પ્રયોગો કરી કરીને સુપત્રા અને એના કુટુંબીજનો થાકી ગયાં. આખરે કોઇ સામાજિક સંસ્થાની મદદથી એ ઇંગ્લેંડ ગઇ. અહીં મિડિયાને જાણ થતાં ગિનેસ બુક ઓફ રેકોર્ડઝના સંચાલકોએ એની વિડિયો ઊતારી અને એને હેર્રેસ્ટ વૂમન ઓફ ધ વર્લ્ડ તરીકે રજૂ કરી. લગભગ ૨૦૧૮માં એક યુવક સાથે એનો પરિચય થયો. એ બંને વચ્ચે સતત મુલાકાતો થતી રહી. આ મુલાકાતો પ્રેમમાં પરિણમી. બંને પુખ્ત વયનાં હતાં એટલે લગ્ન કરવામાં કોઇ તકલીફ પડે એવી શક્યતા નહોતી. સુપત્રાએ એ યુવકથી પોતાની બીમારીની વાત છૂપાવી નહોતી. બે ચાર વખત એ ચહેરા પર વાળ સાથે પણ પેલા યુવકને મળી હતી.
જો કે એક કરતાં વધુ કારણોથી આ લગ્નજીવન સુખી નીવડયું નહીં. એના પતિનું નામ એણે જાહેર થવા દીધું નહોતું. એના પતિના દોસ્તો-સંબંધીઓએ સુપત્રાની બીમારીની વાત જાણી ત્યારે પેલાને ઉશ્કેર્યો કે આવી જાનવર જેવી યુવતીને પત્ની તરીકે શા માટે સ્વીકારી છે ? વારંવાર આવી વાતો થાય ત્યારે કોઇ પણ વ્યક્તિમાં નારાજી પ્રવર્તી જાય. બ્રેેઇનવોશ થઇ જાય. દરમિયાન, એક સંસ્થાએ સુપત્રાની આ સ્થિતિનો લાભ લેવાનું વિચાર્યું. એણે સુપત્રાને પોતાના હેર ઓઇલની જાહેર ખબર માટે મોડેલિંગ કરવાની ઓફર આપી. આમ સુપત્રાને એની બીમારી આર્થિક રીતે લાભદાયી નીવડવા માંડી એટલે એના પતિએ છૂટાછેડા લેવાનો વિચાર પડતો મૂક્યો.
અત્યારે સુપત્રા પચીસ વર્ષની છે. લગ્નજીવન સ્થિર થતું નથી. પણ અવારનવાર સુપત્રાને જાહેરખબર દ્વારા આવક થતી હોવાથી એનો પતિ એને જતી કરવા તૈયાર નથી. દરમિયાન, હવે સુપત્રાને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો છે. આ એક પ્રકારનો સજાતીય પ્રેમ છે. એને લેસ્બિયન લવ કહેવાય. બે મહિલાઓ વચ્ચે આકર્ષણ જાગે અને એકમેકની સાથે પ્રેમમાં પડે એ લેસ્બિયન લવ છે. સુપત્રા સતત એ યુવતી સાથે દેખાય છે. એ યુવતી સુપત્રાને પોતાનો પતિ ગણાવે છે. હવે મૂંઝવણ સુપત્રાના અસલી પતિને છે કે પત્નીને પેલી યુવતી સાથેના સંબંધમાંથી કેવી રીતે છોડાવવી ? ન કરે નારાયણ અને સુપત્રા એને છોડે દે તો ઘરમાં આવતી આવક અટકી પડે. એ સ્થિતિ સુપત્રાના પતિને સ્વીકાર્ય નથી. પરંતુ કરે તો શું કરે ?