Get The App

યહ બચ્ચા મનહૂસ હૈ...

- ટોપ્સીટર્વી- અજિત પોપટ

- પેલા સાધુએ કહ્યું, તારે ઘેર દીકરો આવ્યો છે. બહુ નસીબદાર છે. દુનિયામાં નામના મેળવશે

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
યહ બચ્ચા મનહૂસ હૈ... 1 - image

ય હ બચ્ચા કમનસીબ હૈ, દેખો ના, ઉસ કે આતે હી ઉસકે પિતાજી કી સેહત બિગડ ગયી... હમારે કહને પર સોચો જરા... પાડોશણ મહિલાઓ નવી નવી માતા બનેલી મહિલાને કહી રહી હતી. બબ્બે પુત્રીઓ પછી પુત્ર જન્મ થયો હોવા છતાં એ માતા ખૂબ વ્યગ્ર રહેતી હતી. એમ થવું સ્વાભાવિક હતું. કલાકાર પતિ દુનિયાભરમાં ઘૂમતો હતો. પોતે ઘર અને બાળકોને સાચવતી હતી. આ પુત્ર જન્મ્યો એ પછી તરત પતિની તબિયત બગડી હતી. આ યોગાનુયોગ છે કે આવનાર બાળક અપશુકનિયાળ છે એ આ માતા નક્કી કરી શકતી નહોતી. એની રાતની નીંદર વેરણ થઇ ગઇ હતી. પતિની તબિયત સતત બગડતી જતી હતી. આ માતાને એવો તો કાળ ચડયો કે નવજાત પુત્રને ધવરાવવાનું મૂકી દીધું. એની એક બહેનપણીને આ બાળકની દયા આવી. દેવ જેવો રૂપાળો છોકરો અને માતાના ધાવણથી વંચિત રહે ? પેલી બહેનપણીએ બાળકને પોતાના દૂધ પર ઊછેરવા માંડયો.

મુંબઇના માહિમ ઉપનગરમાં મખદૂમ બાબા નામના સૂફી સંતની દરગાહ આવેલી છે. ત્યાં એક ઓરડીમાં આ પરિવાર રહેતો હતો. માતો બાળકને ધવડાવવાનું બંધ કર્યું એેના બેએક દિવસ પછી આ પરિવારના આંગણે એક ભગવાધારી સાધુ આવ્યો. કોઇ પૂર્વપરિચય વિના એમણે પેલી માતાનું નામ લઇને બૂમ પાડી- 'બાવીબાઇ, બહાર આવો...' એક અજાણ્યા બાવાના મોઢે પોતાનું નામ સાંભળીને બાવીબાઇને નવાઇ લાગો. એ ઘરના દરવાજે આવ્યાં. 

પેલા સાધુએ કહ્યું, તારે ઘેર દીકરો આવ્યો છે. બહુ નસીબદાર છે. દુનિયામાં નામના મેળવશે.પરંતુ હાલ જન્મથી ચાર વર્ષ સુધી એને તકલીફ રહેવાની છે. તું એનું ધ્યાન રાખજે. ચોથે વરસે બાપ બેટો બંને સારા થઇ જશે. એ બાવાજી કાચું સીધું લઇને ગયા. જતાં પહેલાં પુત્રનું નામ રાખવા બાબત અને અન્ય એેક સૂચન કરતા ગયા. એમણે કહેલું એવું જ થયું. પુત્ર માંદો પડે ત્યારે પિતા સારા થઇ જતા અને પિતા માંદા પડે ત્યારે પુત્ર સાજો હોય. સાધુએ સૂચવેલું એમ અમુક મહિનામાં માતા પુત્રને ઘરે ઘરે માગવા મોકલતા. જે કંઇ મળેે એ બધું ગરીબોમાં વહેંચી દેતા. જો કે પોતાની સ્થિતિ પણ કંઇ બહુ સારી નહોતી. 

બરાબર ચોથે વરસે પિતા-પુત્ર બંને સારા થઇ ગયા. આર્થિક પરિસ્થિતિ પણ સુધરતી ચાલી. પિતા પાસે તાલીમ મેળવીને છ સાત વર્ષની વયે તો એ છોકરો પોતે પણ કમાતો થઇ ગયો. પાડોશણો જેને 'મનહૂસ' કે કમનસીબ કહેતી એ છોકરો આજે દુનિયાભરમાં ઉસ્તાદ ઝાકિર હુસૈનના નામે પ્રસિદ્ધ છે. માત્ર છ સાત વર્ષની વયથી એ જગવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર અને જગમશહૂર સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાન સાથે તબલાં વગાડતો થઇ ગયેલો. એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણતાં ભણતાં એ સાવ કૂમળી વયે એ ફિલ્મ સંગીતકારો સાથે રેકોર્ડિંગ વગાડતો થઇ ગયેલો.

રસપ્રદ વાત એ છે કે માહિમમાં મખદૂમ બાબાની દરગાહ પાસે મોટે ભાગે મુસ્લિમોની વસતિ છે. જો કે મખદૂમ બાબા સૂફી સંત હોવાથી અહીં હિન્દુ મુસ્લિમ શીખ પારસી એમ તમામ ધર્મ કોમના લોકો આવે છે એટલે ભગવાધારી સાધુ આવ્યા એની કોઇને નવાઇ લાગી નહોતી. એ સાધુએ ઝાકિરની માતાને કહેલું આ છોકરાનું નામ હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.)ના દોહિત્ર હુસૈન પરથી ઝાકિર હુસૈન રાખજે. વાસ્તવમાં ઉસ્તાદ અલ્લા રખ્ખાની અટક કુરૈશી છે પરંતુ પેલા સાધુએ કહેલું એેમ માતાપિતાએ ઝાકિરના નામ સાથે કુરૈશીને બદલે હુસૈન જોડયું છે.

લંડન નિવાસી પત્રકાર લેખિકા નસરીન મુન્ની કબીરે ઝાકિર હુસૈન વિશે લખેલા જીવનચરિત્રમાં આ ઘટનાથી જ પુસ્તકનો આરંભ થાય છે. વિસ્મયપ્રેરક મુદ્દા બે છે. એક, પાડોશીઓ જેને કમનસીબ કહેતા એે છોકરો આજે જગપ્રસિદ્ધ છે. નંબર બે, એ પિતાની કુરૈશી અટકને બદલે હુસૈન તરીકે મશહૂર છે. બહુ ખોટના દીકરાને આપણે ત્યાં ભીખલો, કચરો વગેરે નામ આપવાની પરંપરા છે.

એવી કોઇ પરંપરા અનુસાર રમજાન જેવા મહિનામાં ઝાકિર આસપાસના લોકો પાસે માગીને જે કંઇ મળે એ ગરીબોમાં વહેંચી દેવાનંુ. ઇન્ટરનેશનલ સ્ટાર હોવા છતાં ઝાકિર પોતાના બાળપણને યાદ રાખીને આજે પણ એકદમ નમ્ર અને મિલનસાર છે. પોતે જે સિદ્ધિ મેળવી છે એનો જરાય ઘમંડ એનામાં નથી. એ કહે છે કે સાત સ્વરોના સાત મહાસાગરમાં મેં એકાદ ટીપું ઉમેર્યું હોય તોય શું ? ભારતીય સંગીત તો અગાધ છે.