- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- સામાન્ય માણસ પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને દયા જેવા કુદરતી ગુણો વિસરી રહ્યો છે
'એ ટમ બમોં કે જોર પે, એંઠી હૈ યે દુનિયા, બારુદ કે ઇક ઢેર, પે બૈઠી હૈ યે દુનિયા...' વીઝનરી (દીર્ઘદ્રષ્ટા) કવિ પ્રદીપજીએ છેક ૧૯૫૦ના દાયકામાં બાળકો માટેની એક ફિલ્મ માટે લખેલા ગીતના અંતરાના આ શબ્દો છે. આપણા પ્રજાસત્તાક દિનની ઊજવણીને રોકડા પાંચ દિવસ બાકી છે ત્યારે એક નજર દુનિયા પર કરતાં થથરી જવાય એવો સિનારિયો છે. અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનના ખામેનેઇને જેર કરવા ઊધામા મચાવી રહ્યા છે. હજુ તો ટ્રમ્પ મેક્સિકો અને ક્યૂબાને દબાવવા થનગની રહ્યા છે. તિબેટ, નેપાળ અને તાઇવાન પર ચીન ત્રાટક કરી રહ્યું છે. ઇંગ્લેંડ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં નિરાશ્રિત તરીકે જઇને પોતાની વસતિ વધાર્યા બાદ લઘુમતિ લોકો હવે શાસન કરવા ષડયંત્રો ઘડી રહ્યા છે. રશિયા અને યુક્રેન સતત છેલ્લાં અઢી ત્રણ વર્ષથી લડી રહ્યાં છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચેનો જંગ પણ એટલા જ સમયથી ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત ખાંડાં ખખડાવી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતમાં ગઝવા-એ-હિંદ સ્થાપવા સતત પીઠ પાછળથી હુમલા કરી રહ્યા છે. ભારતમાં વિપક્ષો મોદી સરકારને ઊથલાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.
લગભગ દુનિયાના દરેક દેશનો શાસક પોતાને ચાણક્ય અને બીજાઓને બુદ્ધુ સમજે છે. એકબીજા સામે ઘૂરકિયાં કરી રહ્યા છે. પીવાના પાણીની તંગી પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધી રહી છે. એક સમયે વિવિધ પાકથી સોનેરી જણાતી ખેતીની જમીનને રસાયણોએ વાંઝણી કરી નાખી છે. યુવા પેઢી સર્વત્ર ડ્રગ, ફાસ્ટ ફૂડ અને સોશ્યલ મિડિયાની બંધાણી થઇ ગઇ છે. આધુનિક ટેક્નોલોજી અપરાધીઓ માટે હાથવગું હથિયાર થઇ પડી છે. પાછળ ગાંડો હાથી પડયો હોય એમ માણસ સતત દોડયા કરે છે. ક્યાં જવું છે, મંજિલ ક્યાં છે ? શું મેળવવું છે એની કોઇને કશી ખબર નથી.
દુનિયા અત્યારે જાણે સામૂહિક આત્મહત્યા તરફ આગળ વધી રહી હોય એવું જણાય છે. યૂરોપ અમેરિકાનાં જંગલો ભડકે બળી રહ્યાં છે. ઉત્તર ધ્રુવ પરની રાક્ષસી કદની હિમશીલાઓ ઓગળી રહી છે. વાતાવરણમાં રહેલું ઓઝોનનું પડ ધીમે ધીમે ખતમ થઇ રહ્યું છે એટલે સૂરજ આગ વરસાવે તો નવાઇ નહીં. સાતેસાત મહાસાગરોની જળસપાટી વધી રહી છે. હવામાન અનપ્રેડિક્ટેબલ બની ગયું છે. ઋતુઓ જીવ સૃષ્ટિ સાથે સંતાકૂકડી રમી રહી છે. ઋતુઓ અનિયમિત થઇ જવાથી પશુ-પક્ષીની કેટલીક જાત સદાને માટે નષ્ટ થઇ રહી છે. એક તરફ ધર્મના નામે આતંકવાદ માઝા મૂકી રહ્યો છે તો બીજી બાજુ રાજકારણ લપસણું-સરકણું થઇ ચૂક્યું છે. સામાન્ય માણસ પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને દયા જેવા કુદરતી ગુણો વિસરી રહ્યો છે. સદાચાર કે નીતિ જેવા શબ્દો આઉટ ઓફ ડેટ થઇ ગયા છે.
એટમિક સાયન્સ સાથે સંકળાયેલા એક વિજ્ઞાનીએ છેક ૧૯૬૦ના દાયકાની આખરે કહેલું કે અણુશક્તિનો રચનાત્મક ઉપયોગ થાય ત્યાં સુધી ઠીક છે, પરંતુ અણુશક્તિનો ઉપયોગ વિનાશકારી હથિયારો બનાવવાની દિશામાં અતિરેક થશે તો આપણે સામૂહિક આત્મઘાતનો શિકાર બની જઇશું. સમગ્ર જીવસૃષ્ટિ નષ્ટ થઇ જશે. કોઇની અંતિમક્રિયા કરવાની જરૂર જ નહીં રહે. સમયસર જાગીએ તો સારું.... કવિ ગીતકાર પ્રદીપજીના ગીતની જેમ આ શબ્દો પણ પ્રોફેટિક ભવિષ્યવાણી જેવા છે. વિશ્વના તમામ દેશોના શાસકો ભાન ભૂલી રહ્યા હોય ત્યારે કોણ કોને સમજાવે ? કેટલું સમજાવે ? પેલી લોકોક્તિ છે ને, ઊંઘતો માણસ જાગે, જાગતો માણસ ન જાગે... દરેક દેશનો નેતા જાગતો હોવા છતાં ઊંઘવાનો ડોળ કરે છે. તો કોણ કોને જગાડે ? કેવી રીતે જગાડે ? આ સંજોગોમાં આપણે તો પેલી પ્રાર્થના યાદ કરવાની- સર્વેત્ર સુખિન: સન્તુ, સર્વે સન્તુ નિરામયા:, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુ:ખભાગ ભવેત્....


