વફાદાર મિત્ર હિંસક કેમ બની રહ્યા છે?
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- છેલ્લા થોડા સમયથી રખડતા કૂતરા દેશના ખૂણે ખૂણે સમસ્યારૂપ બની ગયા છે. વિના કારણે આવતા જતા લોકો પર હુમલો કરીને એમને ઇજા પહોંચાડે છે
હિ ન્દી ભાષામાં એક દોહો છે- સંગત કીજે શ્વાન કી, દો પાંતિ કા દુ:ખ, ખીજૈ કાટે પાંવકો. રીઝૈ ચાટે મુખ.... શ્વાન અર્થાત્ કૂતરાની દોસ્તી બે રીતે દુ:ખદાયક છે એમ આ દોહામાં કહ્યું છે. તમારા પર ખુશ હોય તો તમારું મોં ચાટવા માંડે અને ખીજાય તો પગમાં બચકું ભરી લે. આમ જુઓ તો માણસ અને કૂતરાનો સંબંધ છેક મહાભારત કાળથી છે. પાંડવો હિમાલય ગમન કરી રહ્યા હતા ત્યારે છેક છેલ્લે સુધી એટલે કે બીજા બધા ભાઇઓ અને દ્રૌપદી અર્ધે રસ્તે ડૂકી ગયા અને યુધિષ્ઠિર એકલા રહ્યા ત્યાં સુધી એક શ્વાન એમની સાથે રહ્યો હતો. ભગવાન દત્તાત્રય, શિરડીના સાંઇબાબા કે કચ્છના મેકરણદાદાની છબીઓ જુઓ તો એમની નિકટ કૂતરા દેખાશે. દુનિયાભરના એરપોર્ટ પર તાલીમબદ્ધ કૂતરા દાણચોરીનો માલ કે ડ્રગ પકડવામાં સિક્યોરિટીને સહાય કરે છે. પોલીસ, લશ્કર અને સીબીઆઇ જેવી અન્ય સંસ્થાઓ પણ તાલીમબદ્ધ કૂતરા વાપરે છે. આમ માણસ અને કૂતરાનો સંબંધ હજારો વરસ જૂનો છે. કૂતરા માનવમિત્ર ગણાય છે.
પરંતુ છેલ્લા થોડા સમયથી રખડતા કૂતરા દેશના ખૂણે ખૂણે સમસ્યારૂપ બની ગયા છે. વિના કારણે આવતા જતા લોકો પર હુમલો કરીને એમને ઇજા પહોંચાડે છે અને બાળકોને તો પીંખી નાખે છે. એકલા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ૨૦૨૨માં એકલા ગુજરાતમાં કૂતરાઓએ નાગરિકોને ઇજા પહોંચાડયાના કે બાળકોને મારી નાખ્યાના એક લાખ ૬૯ હજાર બનાવો નોંધાયા હતા. ત્યાર પછીના આંકડા ઉપલબ્ધ નથી. અમદાવાદ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો સત્તાવાર આંકડા મુજબ એકલા અમદાવાદમાં પંચાવન હજાર પેટ ડોગ્સ અર્થાત્ પાળેલા કૂતરા છે. પાળેલા કૂતરા પણ બચકાં તો ભરે. તમને યાદ હોય તો હાથીજણ વિસ્તારની રાધે રેસિડેન્સીમાં રહેતા એક શ્વાનપ્રેમીના રોટ વાઇલર જાતિના કૂતરાએ પાડોશીની બાળકીને મારી નાખી હતી. રોટ વાઇલર કૂતરા વિશ્વમાં સૌથી વધુ ગુસ્સાવાળા અને હિંસક ગણાય છે. એ પાળવા માટે ખાસ પરવાનગી લેવી પડે.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના જૂના આંકડા મુજબ શહેરમાં બે લાખથી વધુ રઝળતા કૂતરા છે. જે તે વિસ્તારના દયાળુ લોકો આવા રઝળતા કૂતરાને દૂધ અને રોટલી ખવરાવતા હોય છે. જો કે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કૂતરા કરડવાના કેસમાં કોર્ટે એવો અભિપ્રાય રજૂ કર્યો હતો કે જેમને કૂતરા માટે પ્રેમ હોય એ પોતાના ઘરે લઇ જઇને ખવડાવી શકે છે.
હકીકત એ છે કે માણસની તુલનાએ કૂતરાની વસતિ વધુ ઝડપે વધે છે. સરેરાશ એક કૂતરી દરેક સિઝનમાં છથી સાત કુરકુરિયાંને જન્મ આપે છે. અમદાવાદના બે લાખ કૂતરામાં અડધોઅડધ કૂતરી હોય અને દરેક કૂતરી છથી સાત બચ્ચાંને જન્મ આપે તો કૂતરાની વસતિ કેટલી બધી વધી જાય એની કલ્પના કરો. મ્યુનિસિપાલિટી ગમે તેટલા મોટા દાવા કરે દુનિયાની કોઇ મ્યુનિસિપાલિટી સોએ સો ટકા કૂતરાનું વંધ્યીકરણ કરી શકે નહીં. પરિણામે કૂતરાની વસતિ તો સતત વધ્યા જ કરે.
પશુપંખીના ડોક્ટર વેટરનરી ફિઝિશ્યન તરીકે ઓળખાય છે. કોઇ અનુભવી વેટરનરી ફિઝિશ્યનને પૂછો તો એ કહેશે, કોઇ કહેતાં કોઇ પશુપંખી સામેથી કદી હુમલો કરે નહીં. ગીરમાં સિંહોની સાથે માનવ વસતિ છે. એ લોકો પણ આ વાત સાથે સંમત થશે. કોઇ પણ પ્રાણી ફક્ત બે જ કારણે એકપક્ષી હુમલો કરે છે- એક, ખૂબ ભૂખ્યું હોય અથવા બે, એને પજવવામાં આવે. ઘણાં તોફાની ટાબરિયા કૂતરાની પૂંછડી પકડવાના કે એનો કાન પકડવાના અટકચાળા કરતાં હોય છે. તરત કૂતરા ઉશ્કેરાઇ જાય છે. એમાંય કાન પકડો એટલે એને ભયંકર ગુસ્સો આવે. ખુદ વેટરનરી ફિઝિશ્યનને પણ કૂતરાનો કાન સાફ કરવાનો હોય ત્યારે ખૂબ સાવધ રહેવું પડે છે. કાન બાબતે કૂતરા ખૂબ સંવેદનશીલ હોય છે.
વેટરનરી ડોક્ટરો ગમે તે કહે, છેલ્લે છેલ્લે જે કૂતરા કરડવાના બનાવો બન્યા છે અને સોશ્યલ મિડિયા પર જે વિડિયો ક્લીપ્સ રજૂ થઇ છે એ જોતાં તો એવી છાપ પડે છે કે કોઇ ઉશ્કેરણી કે કારણ વિના કૂતરાએ હુમલો કર્યો હતો. આવા બનાવો વધે ત્યારે લોકો કોર્ટમાં ધા નાખે છે. આવા કિસ્સામાં કોર્ટ કરે તો શું કરે ? કૂતરાને ખવડાવતા નહીં એવી જાહેર અપીલ કરે. આવી અપીલનો બીજો અર્થ એ કે ભૂખ્યા કૂતરા વધુ ઉશ્કેરાય. કરડવાના બનાવો વધે. આ એક અનંત વિષચક્ર છે.