Get The App

અમેરિકામાં બન્ટી બબલીની રમુજી ઘટના! .

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં બન્ટી બબલીની રમુજી ઘટના!                            . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- આ બંનેની ભોજનલીલા, તફડંચીલીલા અને સેક્સ લીલા આ ક્લોઝ્ડ સર્કિટ ટીવીમાં ઝીલાઇ ગઇ

૨૦ ૦૫માં એક સરસ કોમેડી ક્મ ક્રાઇમ હિન્દી ફિલ્મ આવેલી. આદિત્ય ચોપરાએ એની સ્ટોરી લખી હતી. એ ફિલ્મ હતી બન્ટી ઔર બબલી. જો કે આ ફિલ્મની કથા મૌલિક નહોતી. એની પ્રેરણા આદિત્યને ૧૯૬૭માં બનેલી અમેરિકન ફિલ્મ બોની એન્ડ ક્લાઇડ પરથી મળી હતી. મૂળ અમેરિકી ફિલ્મ પણ હિટ નીવડી હતી. ફિલ્મમાં કેટલાંક દ્રશ્યો એવાં હતાં જે આપણને સહેલાઇથી ગળે ન ઊતરે. નાટક કે ફિલ્મમાં એવાં દ્રશ્યો મનોરંજન માટે મૂકવામાં આવતાં હોય છે. વાસ્તવ જીવનમાં પણ ક્યારેક એવી ઘટના બને છે જે આપણને નિર્દોષ મનોરંજન પૂરું પાડે. જો કે આવી ઘટના ક્યારેક જ બનતી હોય છે.

અમેરિકામાં બનેલી અને હિટ નીવડેલી ફિલ્મ બોની એન્ડ ક્લાઇડ જેવી એક રસપ્રદ ઘટના તાજેતરમાં ફરી બની ગઇ. આ ઘટના એટલી રસપ્રદ બની કે દુનિયાભરનાં અખબારો-સામયિકોએ એની સહર્ષ નોંધ લીધી. સહર્ષ એટલા માટે કે આવી ઘટના રોજ બનતી નથી. અમેરિકાના એરિઝોના સ્ટેટમાં સ્કોટ્સડેલ નામે એક નગર છે. આપણા અમદાવાદની જેમ અહીં પણ જૂનું નગર અને નવું નગર એવા બે હિસ્સા છે. નવા વિસ્તારોમાં અસંખ્ય સ્કાયક્રેપર્સ છે. જૂના નગરમાં બેઠા ઘાટનાં બંગલા જેવા રૂપકડાં મકાનો છે. નગરના જૂના વિસ્તારોમાં મોં ચેરી નામે એક ખૂબ લોકપ્રિય રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાં ગુલાબના ફૂલના આકારમાં બનાવવામાં આવી છે અને ગુલાબી રંગે રંગાયેલી છે એટલે એને પિન્ક રેસ્ટોરાં પણ કહે છે. રોજ તાજાં ગુલાબોથી અહીં સજાવટ કરવામાં આવે છે એટલે આ રેસ્ટોરાં નવયુવાન પ્રેમીઓ માટે જાણીતી છે. અહીં બર્થ ડે પાર્ટી અને કીટ્ટી પાર્ટી પણ લગભગ બારે માસ યોજાય છે. અહીં મોંમાં પાણી છૂટે એવી ટેસ્ટી વાનગીઓ પીરસાય છે. સ્થાનિક સ્વાદશોખીનોમાં આ રેસ્ટોરાં ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને વીક એન્ડમાં અહીં ખાવા માટે રીતસર ધસારો થાય છે. વિદેશી પર્યટકો આવે એમને પણ આ રેસ્ટોરાં ખાસ દેખાડવામાં આવે છે.

બન્યું એવું કે એક બન્ટી અને બબલી જ્યાં તક મળે ત્યાં હાથ મારવા માટે પંકાયેલાં છે. સ્કોટ્સડેલ પોલીસના ચોપડે પણ એમનો રેકોર્ડ છે એટલે કે આ બંને તફડંચીકાર તરીકે પંકાયેલાં છે. હવે રસપ્રદ વળાંક આવે છે. ગયા મહિને આપણા દિવાળીના દિવસોમાં આ બન્ટી અને બબલી બે હેતુથી આ રેસ્ટોરાંમાં ઘુસ્યા. એક તો ભૂખ્યાડાંસ હતાં. અને બીજું દિવસ દરમિયાન ક્યાંય હાથ મારવાની તક મળી નહોતી. રાતનો સમય હતો. સડકો સૂમસામ હતી. ચોમેર નીરવ શાંતિ હતી. રેસ્ટોરાં બંધ હતું. પરંતુ ચોરી કરવા નીકળેલા ઉસ્તાદો માટે આવા દરવાજા ખોલવા એ તો ચપટી વગાડવા જેવું કહેવાય. આ બંને પોતાની રીતે દરવાજો ખોલીને રેસ્ટોરાંમાં ઘુસી ગયાં. દિવસનું વધેલું ખાવાનું અહીંતહીંથી શોધીને નિરાંતે ખાધું. પેટ ભરાઇ ગયું એટલે ઓડકાર ખાઇને પછી ચોરી કરવાનું નક્કી કર્યું. રેસ્ટોરાંના ગલ્લાનું લોક પણ પોતાની રીતે ખોલી નાખ્યું અને અંદર જેટલા પૈસા હતા એ બંનેએ લઇ લીધાં. આટલું પતી ગયાં પછી ખરેખર તો બંનેએ ત્યાંથી નીકળી જવું જોઇતું હતું. પણ ના. પેટની આગ બુઝાઇ ગયા પછી બીજી આગ ફાટી નીકળી. રાતનો સમય હતો એટલે અને રેસ્ટોરાંમાં પૂરતો અંધકાર હતો એટલે બંનેના તનમનમાં કામાગ્નિ ભડકી ઊઠયો. ચૂપચાપ બહાર નીકળી જવાને બદલે બંને સેક્સ માણવા થનગની ઊઠયાં. એક ખૂણો શોધીને ત્યાં બંનેએ નિરાંતે સહશયન કર્યું. પછી બહાર નીકળી ગયાં. આવી સરસ રેસ્ટોરાં હોય ત્યારે દેખીતી રીતે જ એમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી તો હોય જ. વિડિયો કેમેરા પણ હોય. આ બંનેની ભોજનલીલા, તફડંચીલીલા અને સેક્સ લીલા આ ક્લોઝ્ડ સર્કિટ ટીવીમાં ઝીલાઇ ગઇ. 

સવારે રેસ્ટોરાંનો માલિક આવ્યો એણે દરવાજાનો લોક તૂટેલો જોઇને તરત પોલીસને જાણ કરી. પોલીસ આવી. ક્લોઝ્ડ સર્કિટ ટીવી ચાલુ કરીને આગલી રાતની બધીય લીલા જોઇ.

 પહેલાં તો પોલીસે અને રેસ્ટોરાં માલિકે રમૂજ અનુભવી કે જોઇ લો, આ ચોર દંપતીને. ભોજન કર્યું, તફડંચી કરી અને પછી પોતાના પૂજ્ય પપ્પાના બંગલાના બેડરૂમમાં હોય એ રીતે સહશયન કર્યું.

પોલીસ ચોપડે તો બંને નામચીન હતાં. એટલે પોલીસે તરત બંનેને ઝડપી લીધાં. એ ક્ષણે બંનેએ એકબીજાની સામે ધારદાર નજરે જોયું જાણે એકમેકને કહેતાં હોય કે સીસીટીવી બંધ કરવાનું કેમ રહી ગયું ? પોતે બનાવેલી કોડ ભાષામાં એકબીજાને ઠપકાર્યાં પણ ખરાં. હું તો ભૂલી ગયો પણ તારે તો યાદ કરાવવું જોઇએ ને કે સીસીટીવી ચાલુ છે. જો કે પોલીસના હાથે ઝડપાઇ ગયાં પછી આવી દલીલોનો કશો અર્થ નહોતો. આ સ્ટોરીના બંને કલાકારોનાં નામ સ્કોટ્સડેલ પોલીસે જાહેર કર્યાં નહોતાં પણ આપણે તો એમને બન્ટી ઔર બબલી કહીએ તો ચાલે. શું ક્હો છો ?