Get The App

વિદેશયાત્રા વખતે સંયમ અનિવાર્ય છે! .

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
વિદેશયાત્રા વખતે સંયમ અનિવાર્ય છે!                                    . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- કોઇને કશું સમજાય એ પહેલાં પોલીસે  આ પાંચે ડાન્સર્સને પકડીને વાનમાં બેસાડી દીધી

વે કેશન હોય એટલે નાનામોટા સૌને પ્રવાસ પર્યટન કરવાની અદમ્ય ઇચ્છા જાગે. દરેક વ્યક્તિ પોતાના ખિસ્સાને પરવડે એવો દેશવિદેશનો પ્રવાસ ગોઠવી કાઢે. પર્યટન એટલે ફરવાનું, મોજ મજા કરવાની. વિવિધ વાનગી ઝાપટવાની. નયનરમ્ય સ્થળે ઊભા રહીને ફોટોગ્રાફ્સ લેવાના, ક્યારેક કોઇ દુર્ગમ સ્થળે હાજર હોઇએ ત્યારે સેલ્ફી લેવાની. દિવસભર મોજ કર્યા પછી રાત્રે કેમ્પફાયરનો જલસો માણવાનો. આ બધી વાતો બરાબર. આ બધી બાબતોની સાથોસાથ એક ખાસ વાત યાદ રાખવી જરૂરી બની રહે. દરેક દેશના પોતાના કાયદા હોય. જાણ્યે અજાણ્યે એે દેશના કાયદાનો ભંગ ન થઇ જાય એ ધ્યાનમાં રહેવું અનિવાર્ય છે. વિદેશમાં તમે ભૂલ કરો પછી એમ કહી શકો નહીં કે અમને અહીંના કાયદાની ખબર નહોતી. જે તે દેશના કાયદા અનુસાર જે સજા હોય એ ભોગવ્યે છૂટકો.

વાત લંડનના એક ડાન્સ ટ્રુપની છે. આ ડાન્સ ટ્રુપમાં મોટે ભાગે મહિલા ડાન્સર્સ છે. આ મહિલા ડાન્સર્સ લંડનમાં પ્રસિદ્ધ છે. એમોઝેન ગન્ટર ઝેક (ઉંમર વર્ષ ૩૦), શેરોન રેન્ડલ (૫૭), આલીશા હેડ્રેલ (૩૭), કેટી ક્લાર્ક (૧૦) અને એમની જોડે એક જર્મન મહિલા હતી. આ બધાં ગ્રીસના કોર્ફૂ નામના સ્થળે પ્રવાસમાં હતાં. આ કોર્ફૂ એક ટાપુનું નામ છે. ત્યાં એક કરતાં વધુ રમણીય સમુદ્રતટ, પ્રાચીન રાજમહેલ તેમજ બીજાં કેટલાંક સ્થળો પર્યટકો માટે સાઇટ સીઇંગ જેવા ગણાય છે. ખૂબ સરસ સ્થળ છે અને દર વરસે યૂરોપના વેકેશનમાં અહીં લાખો પ્રવાસીઓ ઊમટે છે.

યૂરોપના દેશોમાં મોટે ભાગે જૂન-જુલાઇ સમરના મહિના કહેવાય. એવા સમયે સોહામણા યુવક-યુવતીઓ ખૂબ આછાં અને મોટે ભાગે અર્ધા કહેવાય એવાં વસ્ત્રોમાં ઘૂમતાં હોય છે. પુરુષો ગરમીમાં બનિયન તરીકે ઓળખાય એવા ગંજી કે ટી શર્ટમાં અને હાફ પેન્ટમાં સજ્જ હોય.  યુવતીઓ મિનિ સ્કર્ટ અને અત્યંત ટૂંકાં ઉપવસ્ત્રોમાં હોય. લંડનની  આ ડાન્સર્સ મહિલાઓ પણ પ્રવાસ પર્યટનની મોજ માણી રહી હતી. 

એક સ્થળે કલ્ચરલ લેન્ડસ્કેપનું બોર્ડ હતું અને ગાઇડના કહેવા મુજબ અહીં બસો વર્ષ પહેલાં ગ્રીક રાજપરિવાર રહેતો હતો. એમના રહેઠાણના પુરાવા જેવો ભાંગ્યોતૂટયો એક મહેલ પણ છે જેને યુનોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો છે. આ રાજમહેલની બહાર એક ધ્વજદંડ હતો. બ્રિટિશ ડાન્સર્સને શું સૂઝયું કોને ખબર, માત્ર બ્રા અને અન્ડર  ગારમેન્ટ્સમાં સજ્જ આ મહિલાઓ પેલા ધ્વજદંડ પર પોલ ડાન્સ કરવા માંડી. બપોરનો સમય હતો અને પર્યટકો ભોજનની મોજ માણીને આમતેમ ટહેલતા હતા. આ મહિલા ડાન્સર્સે પોલ ડાન્સ કરવા માંડયો એ જોઇને કેટલાક પ્રવાસી એની વિડિયો લેવા માંડયા. 

અહીં એક વાત સમજવાની છે. પોલ ડાન્સ એવો નૃત્ય પ્રકાર છે જેમાં નૃત્ય કરનાર વ્યક્તિ એક પાતળા થાંભલા પર લટકીને સૂરતાલ સાથે વિવિધ મુદ્રાઓ કરે છે. આપણે ત્યાં મલખંભ પર જે પ્રકારે વ્યાયામ વીરો જુદા જુદા આસનો કરે છે એમ પોલ ડાન્સમાં થાંભલા પર લટકીને નૃત્ય કરાય છે. અન્ય પ્રવાસીઓ તાળી પાડીને આ સંગીત નૃત્યમાં  સૂર પુરાવવા માંડયા. ભીડ ભેગી થઇ ગઇ. એક પ્રકારની મહેફિલ જામી ગઇ. સૌ આ મહેફિલની મોજ લઇ રહ્યા હતા ત્યાં અચાનક  ગ્રીસ પોલીસની વાન આવી. કોઇને કશું સમજાય એ પહેલાં પોલીસે  આ પાંચે ડાન્સર્સને પકડીને વાનમાં બેસાડી દીધી. દેશવિદેશના પર્યટકો કંઇ પૂછે કરે એ પહેલાં પોલીસ વાન સાઇરન વગાડતી વગાડતી રવાના થઇ ગઇ.

સ્થાનિક મિડિયાએ આ પ્રકરણને ચગાવ્યું કે અર્ધનગ્ન અવસ્થામાં બ્રિટિશ ડાન્સર્સે આવીને ગ્રીસ પરંપરાનું ઘોર અપમાન કર્યું. વાત એવી હતી કે જે ધ્વજદંડ પર ડાન્સર્સે પોલ ડાન્સ કર્યો એ ધ્વજદંડ ગ્રીસનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો દંડ હતો. પ્રવાસની સિઝન હતી એટલે કે બીજા કોઇ કારણે સેંકડો પ્રવાસીઓ પ્રાચીન રાજમહેલ પાસે આવ્યા ત્યારે દંડમાં ગ્રીસનો રાષ્ટ્રધ્વજ નહોતો. દંડ એકલોઅટુલો ઊભો હતો. સહપ્રવાસીઓના પ્રોત્સાહન અને ઉત્તેજનના પગલે બ્રિટિશ ડાન્સર્સે ડાન્સ જમાવ્યો હતો. પરંતુ સ્થાનિક કાયદા મુજબ આ ડાન્સર્સે ધ્વજદંડનું અપમાન કર્યું હતું.

પાંચે ડાન્સર્સને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવી. દરમિયાન, સ્થાનિક મિડિયાએ કોઇ પ્રવાસી પાસેથી ફિલ્મ મેળવીને એવા ફોટા પ્રગટ કર્યા હતા જેમાં ધ્વજદંડ પર માત્ર લાલ રંગની બ્રા અને એજ રંગના અન્ડર ગારમેન્ટમાં સજ્જ ડાન્સર્સ લટકી રહ્યાં હોય એવું સ્પષ્ટપણે દેખાતું હતું. પોલીસે એ અખબાર તથા ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કર્યા. સ્વાભાવિક રીતેજ કોર્ટે બે વાતની નોંધ લીધી. એક, સાવ ઓછાં વસ્ત્રોમાં આ યુવતીઓ સજ્જ હતી અને બીજું, ગ્રીસના ધ્વજદંડ પર ડાન્સ કરી રહી હતી.

આ યુવતીઓ તેમજ અન્ય બ્રિટિશ પ્રવાસીઓએ પોતાના બચાવમાં ઘણી કાકલૂદી કરી. આ ધ્વજદંડ દેશના રાષ્ટ્રધ્વજ માટે હતો એની અમને જાણ નહોતી એવી રજૂઆત પણ કરી. પરંતુ એમનું કશું સાંભળવા કોર્ટ તૈયાર નહોતી. દરેકને છ માસની સાદી જેલની સજા અને બસો બસો પાઉન્ડના દંડની સજા કરવામાં આવી. બ્રિટિશ રાજદૂતાવાસે દરમિયાનગીરી કરી એટલે જેલની સજા મોકૂફ રાખવામાં આવી પરંતુ દંડ તો ભરવો જ પડયો. વાતનો સાર એટલો જ કે વિદેશયાત્રા દરમિયાન, નાચવા કૂદવાની ઇચ્છા જાગે ત્યારે સ્થાનિક કાયદાની જોગવાઇ પહેલેથી જાણી લેવી સારી.

Tags :