- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પરિવારના સભ્યોએ રાત્રે ડિનર લેતી વખતે અરસપરસ ચર્ચા કરી કે આ રકમનું શું કરવું ?
એ ક પ્રાચીન લોકકથા છે. કોઇ નગરમાં એક ખેડૂત પોતાના ખેતરને હળ વડે ખેડી રહ્યો હતો ત્યારે અચાનક ખણખણાટ સંભળાયો. ખેડૂતે હળ થંભાવ્યું અને ત્યાં ખોદ્યું. એક ઘડો નીકળ્યો. એ સોનાના સિક્કાથી ભરેલો હતો. ખેડૂત એ ઘડો લઇને રાજા પાસે ગયો અને કહ્યું કે આ ધન સ્વીકારો. રાજા પ્રજાપ્રિય હતો. એણે કહ્યું કે તમારા ખેતરમાંથી ઘડો નીકળ્યો છે એટલે એ તમારો કહેવાય. મારાથી ન લેવાય. ખેડૂત કહે કે તમે આ નગરના ધણી છો એટલે તસુએ તસુ જમીનના માલિક તમે કહેવાઓ. માટે તમારે આ ધન લેવું જોઇએ. મારે માટે ગૌમાટી બરાબર છે.
આમ રાજા અને ખેડૂત વચ્ચે ચડસાચડસી થઇ. બંનેમાંથી કોઇ આ ધન રાખવા તૈયાર નહોતા. એવામાં એક સંત નગરમાંથી પસાર થતા હતા. રાજાએ એ સંતને માનભેર તેડાવીને પૂછયું, કે અમને આ પ્રશ્નનું નિરાકરણ લાવી આપો. સંતે ઘડીભર વિચાર કર્યો. પછી કહ્યું કે તમારા નગરમાં જે સુવિધા ન હોય એ આ ધન વડે વસાવો. ચાહે એ છોકરીઓની સ્કૂલ હોય, ચાહે એ હૉસ્પિટલ હોય. બંને પક્ષોએ આ નિરાકરણ સ્વીકારી લીધું.
આ તો વાર્તા છે. વાસ્તવ જીવનમાં આવું બને ખરું ? જરૂર બને. તાજેતરમાં આવો એક સાચ્ચો કિસ્સો બની ગયો. જો કે આ સાચ્ચા કિસ્સામાં પેલી વાર્તામાંના સંત જેવું કોઇ મધ્યસ્થી મળ્યું નથી. ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નામનું નગર છે. આ કિસ્સામાં અદાલતે સંબંધિત પરિવારને ધંધાદારી માફિયાનો ભોગ બનતાં બચાવી લેવા કોઇનાં નામ જાહેર કર્યા નથી. વાત એવી છે કે ક્રાઇસ્ટચર્ચનું એક કુટુંબ પોતે ખરીદેલા મકાનમાં ઇલેક્ટ્રિસિટીનું કામ કરાવી રહ્યું હતું. એક મોટા ઓરડાની છત પર ઇન્સ્યુલેશનનું કામ શરૂ કર્યું ત્યાં છતમાં પોલાણ જણાતાં ત્યાં ઠપકાર્યું. તરત એકાદ ચોરસ ફૂટ જેટલી છત ખરી પડી. એની સાથે પ્લાસ્ટિકનું એક બોક્સ પણ પડયું.
આ બોક્સમાં બે લાખ ન્યૂઝીલેન્ડ ડૉલર હતા. આજના ભાવે જોઇએ તો એક ન્યૂઝીલેન્ડ ડાલરના લગભગ સાડા ચોપન રૂપિયા થાય. બે લાખ ડૉલરના આશરે એક કરોડ નવ લાખ રૂપિયા થાય. સામાન્ય સંજોગોમાં કોઇ પણ કુટુંબ આ રકમ રાખી લ્યે તો ખોટું ન ગણાય. એના ઘરની છત પરથી આ બોક્સ પડયું છે. ન્યૂઝીલેન્ડના પરિવારના સભ્યોએ રાત્રે ડિનર લેતી વખતે અરસપરસ ચર્ચા કરી કે આ રકમનું શું કરવું ?
બીજી સવારે આ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ આફિસરને જાણ કરી. અગાઉ કહ્યું એમ પેલી લોકકથામાંના સંત કંઇ દરેક પ્રસંગે પ્રગટ ન થાય. પોલીસની દાઢ સળકી. પોલીસ ઑફિસરે કહ્યું કે આ રકમ ડ્રગ માફિયાની કે કોઇ અપરાધીએ સંતાડેલી હોઇ શકે. તમે આ રકમ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. લક્ષ્મી દેખી મુનિવર ચળે. અહીં તો પોલીસ અધિકારી હતા. એણે દમદાટી આપવાની શરૂ કરી કે રકમ જમા કરાવી દો નહીં તો તમને કોઇ આપરાધિક કલમમાં ફસાવી દઇશ. વરદીધારી તો દુનિયાભરમાં સરખા. પોલીસે ધાર્યું કર્યું. આ પરિવાર પાસેથી કોઇ પણ રીતે બે લાખ ડાલર પડાવી લેવા ધાકધમકી આપવાનું ચાલુ રાખ્યું. વાત મિડિયા સુધી પણ પહોંચી.
આ પરિવારે રકમ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો ઇનકાર કર્યો અને ક્રાઇસ્ટચર્ચની હાઇકોર્ટમાં ધા નાખી. હાઇકોર્ટ સમક્ષ આવો કિસ્સો અગાઉ કદી આવ્યો નહોતો એટલે માનનીય જજસાહેબ પણ મૂંઝાયા. અગાઉ આવો કિસ્સો જ ન બન્યો હોય તો અદાલત નિર્ણય શી રીતે કરે ? આઠમી ફેબ્રુઆરીને સોમવારે અદાલતમાં સુનાવણી નીકળી ત્યારે આ પરિવારના વકીલ માઇક લેનાર્ડે હાઇકોર્ટને કહ્યું કે આ પરિવારનો કોઇ ગુનાહિત રેકર્ડ નથી.
એમણે આ મકાન ખરીદ્યું અને એમાં પોતાને અનુકૂળ સમારકામ કરાવી રહ્યો હતો ત્યારે આ રકમ મળી છે. જો એને ગુનાહિત રકમ ગણાવીને આંચકી લેવામાં આવશે તો શહેરની પ્રજા ભવિષ્યમાં ક્યારેય ઇમાનદારી દાખવશે નહીં. લોકો વિચારશે કે ઇમાનદારી કી ઐસી તૈસી. આપણે આ રકમની જાણ કોઇને કરવી નથી. એને બદલે આ રકમ દ્વારા મોજમજા કરીએ. રકમ આપણા ઘરમાંથી મળી છે. દોઢડાહ્યા થઇને પોલીસ પાસે જવાની જરૂર નથી. આમ ખોટો પ્રિસિડન્ટ સ્થપાઇ જશે.
જસ્ટિસ ઓસ્બોર્ને પોલીસને આ રકમ કબજે નહીં કરવાનો આદેશ તો આપ્યો પણ તો પછી આ પૈસાનું કરવું શું એ નક્કી કરી શક્યા નહીં. એમણે પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો. આગે આગે દેખના હૈ, હોતા હૈ ક્યા !


