- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- લાગણી કે પ્રેમ દર્શાવવા ચુંબન કરવાની વણલખી પરંપરા દુનિયાભરમાં છે.
ચુંબન, બચી, કીસના રીતરિવાજ બહુ જૂની વાત નથી. એક સમયે હિન્દી ફિલ્મોમાં હીરો હીરોઇન કીસ કરતાં હોય એવું સૂચવવા માટે બે પક્ષીઓ ચાંચમાં ચાંચ ભરાવીને બેઠાં હોય એવું કે પછી બે છોડ એકમેકને વળગતાં હોય એવું દ્રશ્ય રજૂ કરાતું. હોલિવૂડની ફિલ્મોમાં તો કીસના ઢગલાબંધ દ્રશ્યો આવતા. બોલિવૂડમાં આજે સમય ઘણો બદલાઇ ગયો. પરદા પર કીસ કરવામાં હવે કોઇ કલાકારને છોછ સંકોચ રહ્યો નથી તેમ ઓડિયન્સને પણ હવે કીસનાં દ્રશ્યો કોઠે પડી ગયાં છે. ઇમરાન હાશમી જેવો અભિનેતા તો સિરિયલ કીસર જેવું તખલ્લુસ પણ ધરાવે છે.
લાગણી કે પ્રેમ દર્શાવવા ચુંબન કરવાની વણલખી પરંપરા દુનિયાભરમાં છે. મા બાળકને કે બાળક માતાને કીસ કરે એ બહુ સ્વાભાવિક ગણાય છે. ઘણા ટીનેજર્સ ફ્લાઇંગ કીસથી સંતોષ માને છે. કીસ પુરાણ અત્યારે ઓચિંતું કેમ યાદ આવ્યું એવો વિચાર આવે તો વાંચો આગળ.
યૂરોપના દેશોમાં એકબીજાને મળે ત્યારે હાય હલ્લો કરતી વેળા ગાલ પર કે હડપચી પર ચુંબન કરવાનો રિવાજ સેંકડો વરસોથી છે. સ્ત્રી-પુરુષ એકમેકને કીસ કરે, સ્ત્રી બીજી સ્ત્રીને કીસ કરે કે કેટલેક સ્થળે પુરુષો એકબીજાને કીસ કરે એવા વ્યવહારની યૂરોપના દેશોમાં કોઇને નવાઇ નહોતી. તમે અખબારોમાં આંતરરાષ્ટ્રીય સમાચારો નિયમિત વાંચતાં હો તો રશિયન નેતા લીયોનીદ બ્રેઝનેવે પૂર્વ જર્મનીના નેતા એરિક હોનેકર જોડે લીપ્સ લોક કર્યું એવી તસવીરો જોઇ હશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલને જી સેવન પરિષદમાં કીસ કરી એ તસવીર દુનિયાભરનાં અખબારોએ પ્રગટ કરી ટૂંકમાં કહેવાનું એ છે કે યૂરોપ અમેરિકા જેવા દેશોમાં કીસ સાવ સામાન્ય ગણાય છે. ખરું પૂછો તો એ એક પ્રકારની રીતભાત (એટીકેટ) ગણાય છે.
પરંતુ ૨૦૧૯થી કોરોનાનો વાયરો શરૂ થયો ત્યારે યૂરોપના મોટા ભાગના દેશોએ કોઇ પણ પ્રકારની કીસ કરવા પર કાયદેસર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યાં કાયદેસર પ્રતિબંધ નહોતો ત્યાં લોકોએ સ્વૈચ્છિક રીતે એવો પ્રતિબંધ સ્વીકારી લીધો હતો. ત્રણેક વર્ષ આવો પ્રતિબંધ અમલમાં રહ્યો હતો. હવે ફરી ધીરે ધીરે કીસ પાછી ફરી રહી છે. થોડાક દેશોએ કીસની એટીકેટ માટેના નિયમો પણ પ્રગટ કર્યા. એ નિયમો પણ રસપ્રદ છે. એક નિયમ કહે છે કે જો તમે પુરુષ હો તો મહિલાને કીસની પહેલ કરવા દો. તમારો હાથ આગળ કરો અથવા એ કઇ રીતે કીસ કરવા ઇચ્છે છે એ સમજી લઇને પછી મસ્તક થોડું નમાવો.
સામાન્ય રીતે સ્ત્રી પુરુષને કે પુરુષ સ્ત્રીને કીસ કરે એ સ્વાભાવિક ગણાય. મહિલા બીજી મહિલાને કીસ કરે એ સામે પણ યૂરોપમાં બહુ વાંધા વિરોધ નથી. પરંતુ પુરુષ બીજા પુરુષને ચોક્કસ સંજોગો સિવાય કીસ કરે તો બંને વચ્ચે સજાતીય સંબંધ હોવાની ગેરસમજ થવાની પૂરી શક્યતા રહે છે. જો કે સાઉથ ઇટાલી, સધર્ન ફ્રાન્સ અને સ્પેનમાં પુરુષો વચ્ચેની કીસ પણ સામાન્ય ગણાય છે. અન્યથા પુરુષો એકમેકની સાથે હસ્તધૂનન (હેન્ડ શેક) કરે છે.
હવે એક રસપ્રદ વાત. નેધરલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને લક્ઝમબર્ગ ઉપરાંત જૂનવાણી ડચ પ્રજા અને બેલ્જિયમમાં ત્રણ કીસની પરંપરા છે. થ્રી કીસ રુલ તરીકે આ રિવાજ જાણીતો છે. બંને ગાલ ઉપર અને મોટે ભાગે કપાળ પર એમ ત્રણ કીસ ખાસ કરીને બર્થ ડે પાર્ટીઓમાં આજે પણ જોવા મળે. આ થ્રી કીસમાં બુચકારો બોલવો જોઇએ એવું કેટલાક વિસ્તારોમાં આજે પણ જરૂરી ગણાય છે. જો કે આ થ્રી કીસની પરંપરા ઑફિસ કે કારખાનામાં અમલમાં મૂકાતી નથી.
પશ્ચિમ યૂરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા, અમેરિકા અને સાઉથ અમેરિકામાં પીડીએ તરીકે જાણીતંે અભિવાદન કરાય છે. પીડીએ એટલે પબ્લિક ડિસપ્લે ઑફ એફેક્શન (જાહેર સ્થળે પ્રેમ કે આદર દાખવવાનો રિવાજ). એમાં હેન્ડશેક, એકબીજાને ભેટવું અને કીસ કરવી એ ત્રણેનો સમાવેશ થાય છે. કોઇ પૂજ્ય વ્યક્તિના હાથમાં હળવેથી કીસ કરવાનાં દ્રશ્યોની નવાઇ રહી નથી. ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ચર્ચના પાદરી કે નામદાર પોપ સાહેબને હાથ પર કીસ કરતાં હોય એવા ફોટોગ્રાફ ઘણાં સામયિકોએ પ્રગટ કર્યા છે. કીસ વિશે આજે આટલું બસ.


