Get The App

પેઇન કીલર્સ કીલર નીવડી શકે! .

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
પેઇન કીલર્સ કીલર નીવડી શકે!                                              . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- પેઇન કીલર્સના બંધાણીનો મુદ્દો દુનિયાભરના દેશો માટે માથાનો દુ:ખાવો થઇ પડયો છે

ગ યા મહિને જૂનની ૧૨મીએ અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થયાની એકાદ મિનિટમાં ક્રેશ થયું એ ઘટના કરોડો લોકોને ધ્રૂજાવી ગઇ. વિમાન ક્રેશ થયું એની આસપાસ રહેતા ઘણા લોકો હજુય ડરને કારણે નિરાંતે ઊંઘી શકતા નથી. ઘણા લોકો સ્થાનિક કેમિસ્ટ પાસે જઇને ઊંઘની ગોળી માગે છે. જો કે આવાં ઔષધો ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના મળતાં નથી. એ સિવાય અન્ય પ્રકારના અકસ્માતમાં ઇજા પામનારા ઘણા લોકોની પીડા નિવારવા ડોક્ટર સામેથી પેઇન કીલર તરીકે ઓળખાતાં ઔષધો આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઘણા સમય અગાઉ એક ચેતવણી ઉચ્ચારી હતી. એનો સાર એવો હતો કે ઓપીઓઇડ તરીકે જાણીતી પેઇન કીલર્સ ક્યારેક કીલર અર્થાત્ જીવલેણ નીવડી શકે છે.

બહુ ઓછા લોકોના ધ્યાનમાં હશે પરંતુ દિવસે દિવસે દુનિયાભરમાં ઓપીઓઇડ ઔષધોની માગણી વધતી ચાલી છે. ખાસ કરીને અત્યારે જે જે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યાં છે એની આસપાસના વિસ્તારોમાં વસતા લોકો સતત ભયભીત રહેતાં હોય છે. એવા લોકો પોતાના ફેમિલિ ડોક્ટર પાસેથી પ્રિસ્ક્રીપ્શન મેળવીને ઓપીઓઇડ ઔષધો મેળવે છે અને નિયમિત લેતાં થઇ જાય છે.  

ઓપીઓઇડ શબ્દના મૂળમાં ઓપિયમ એટલે કે અફીણ છે. બહુ લાંબે ન જઇએ તો ઘણી માતાઓ બાળકને ઊંઘાડી દેવા માટે બાળાગોળી આપે છે. આ બાળાગોળીમાં ખૂબજ ઓછું પણ અફીણ હોય છે. ડોક્ટરો જેને ઓપીઓઇડ કહે છે એ દવાઓમાં અફીણ જેવાં કુદરતી ઔષધો ઉપરાંત સિન્થેટિક ઔષધોનો પણ સમાવેશ થાય છે. યૂરોપ અમેરિકાના ટીનેજર્સ હાલતાં ચાલતાં જે હેરોઇન કે કોકેઇન લે છે એ સિન્થેટિક ઔષધ ગણી શકાય. ઉપરાંત મોર્ફીન, કામપોઝ, કોડીન, ફેન્ટાનીલ, ઓક્સિકોુડોન, હાઇડ્રોકોડોન વગેરે દવાઓ વાસ્તવમાં પીડાના શમન  માટે આપવામાં આવે છે. આપણે એને બોલચાલની ભાષામાં પેઇન કીલર કહીએ છીએ.

છેલ્લાં થોડાં વરસથી દુનિયાભરના દેશોમાં પેઇન કીલરના ઓવરડોઝથી થતાં મરણમાં વધારો થતો ચાલ્યો છે. લગભગ દરેક દેશની સરકાર આ મુદ્દે ચિંતિત રહે છે. ભારતની વાત કરીએ તો હવે તો ભારત જાણે ડ્રગનું આંતરરાષ્ટ્રીય વેચાણ કેન્દ્ર બની રહ્યું હોય એવું લાગે છે. લગભગ રોજ એક યા બીજા સ્થળેથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે ડ્રગ માફિયા જાણે કરીને કેટલુંક ડ્રગ પકડાઇ જવા દે છે. જેટલું ડ્રગ પકડાય એના કરતાં અનેકગણું ડ્રગ બીજે માર્ગે દેશમાં ઘુસી જાય છે.

ડ્રગનો ઓવરડોઝ લેનારને ખબર પડે એ પહેલાં એનો શ્વાસ રુંધાવાની શરૂઆત થાય છે. એ પછી હૃદયના ધબકારા અનિયમિત થવા માંડે છે અને તત્કાળ તબીબી સહાય ન મળે તો એ મરી જાય છે. ડ્રગનો મર્યાદિત એટલે કે ડોક્ટરે સૂચવ્યા પ્રમાણેનો ડોઝ ઇજાની પીડામાં રાહત આપવા ઉપરાંત ડિપ્રેશન જેવા કેસમાં વ્યક્તિને એક પ્રકારની રાહત આપે છે. કેટલાક કિસ્સામાં મર્યાદિત ડોઝ વ્યક્તિને આનંદનો અનુભવ પણ કરાવે છે. સૌથી મોટી તકલીફ ક્યાં છે કે ધીમે ધીમે વ્યક્તિને પેઇન કીલરનું વ્યસન થઇ જાય છે. જેમ અફીણના બંધાણીને ચોક્કસ સમયે અફીણ ન મળતાં નસો તૂટતી હોય એવો જે અનુભવ થાય છે એવું પેઇન કીલરના બંધાણીને થવા માંડે છે. 

પેઇન કીલર્સના બંધાણીનો મુદ્દો દુનિયાભરના દેશો માટે માથાનો દુ:ખાવો થઇ પડયો છે. એમાંથી ઊગરવાનો હાલ તો કોઇ ઉપાય દેખાતો નથી. 

અમદાવાદના મેઘાણી નગર કે એની આસપાસ વસતા લોકો બોઇંગ ડ્રીમલાઇનરના અકસ્માત પછી ઓપીઓઇડ લેતાં થયા હોય તો જે તે વ્યક્તિના કુટુંબીજનોએ સાવધ રહેવું જોઇએ કે પોતાના પરિવારના નબીરાને એ ઔષધનું વ્યસન થઇ પડયું નથી ને ?

Tags :