Get The App

સરોગેટ શિક્ષિકાને સજાનો વિરોધ .

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
સરોગેટ શિક્ષિકાને સજાનો વિરોધ                             . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બે ભાગ પડી ગયા. એક જૂથ કહે છે કે સ્કૂલના સંચાલકો સામે લડી લેવું જોઇએ. બીજું જૂથ કહે છે કે શિસ્તભંગના પગલાં લેવાયાં એ વાજબી છે. 

એ જ્યુકેશન અધિકારીએ પ્રાથમિક સ્કૂલના આચાર્યને આદેશ આપ્યો- રીટાની હાજરી પૂરો. (નામ કાલ્પનિક છે.) એ સ્કૂલમાં આવતી નથી એટલે એની હાજરી હું પૂરી શકું નહીં. તમે મને સ્કૂલમાં નહીં આવતી અને ઘેર બેસીને મફત પગાર લેતી શિક્ષિકાની હાજરી પૂરવાની ફરજ પાડી શકો નહીં, નિર્ભય આચાર્યે જવાબ આપ્યો. બંને વચ્ચે બોલાચાલી વધી ગઇ. આચાર્યે કમરપટો કાઢીને એજ્યુકેશન ઓફિસરને ફટકારવા માંડયો. કોઇએ આ ઘટનાનો વિડિયો ઊતારી લીધો અને સોશ્યલ મિડિયામાં વહેતો કર્યો. પેલી શિક્ષિકાને પોતાની ફરજ બજાવ્યા વિના  મફત પગાર જોઇતો હતો એટલે આ એજ્યુકેશન ઓફિસર મારફત આચાર્યને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

શિક્ષણ ખાતામાં ચકચાર મચી ગઇ. ઉપરથી (યોગી આદિત્યનાથની ઓફિસમાંથી એમ વાંચો) આદેશ આવ્યો કે આ ઘટનાની વિગત આપો. વિગત મોકલવામાં આવી. એજ્યુકેશન ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એને સરકારી કચેરીમાં કમરપટાથી ફટકારનારા આચાર્યની ધરપકડ થઇ. આચાર્યને જેલમાં પૂરવામાં આવ્યાની જાણ થતાં સ્કૂલના તમામ બાળકો ધરણાં પર બેઠાં. ગામના લોકોએ પણ વિરોધ આદર્યો. ધરણાં બે ત્રણ દિવસ ચાલ્યા ત્યાં કેટલાંક બાળકોની તબિયત બગડી. એમને હોસ્પિટલમાં લઇ જવા પડયા. યોગીએ એક અધિકારીને આ બાળકોને સમજાવવા મોકલ્યા. બાળકોએ એક જ વાત પકડી રાખી- અમારા આચાર્યને છોડી મૂકો. એ ઇમાનદાર માણસ છે. સારું ભણાવે છે. સારી રીતે સ્કૂલ ચલાવે છે...

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની એક પ્રાથમિક સ્કૂલમાં બનેલી આ ઘટના ૨૭ સપ્ટેંબરના શનિવારે દેશનાં મોટા ભાગનાં દૈનિકોમાં ચમકી ગઇ. તમે પણ કદાચ ગુજરાત સમાચાર કે અન્ય કોઇ અખબારમાં વાંચી હશે. હવે બાળકો સારાં શિક્ષકોની તરફેણમાં અવાજ ઊઠાવતાં થયાં છે એ બહુ સારી વાત છે. આવું જ અત્યારે અમેરિકાની એક સ્કૂલમાં બની રહ્યું છે એમ કહી શકાય.

સૌથી વધુ ગુજરાતી લોકો વસે છે એ અમેરિકી સ્ટેટ ન્યૂ જર્સીના સધર્ન ન્યૂ જર્સી નામના વિસ્તારમાં બનેલી આ વાત છે. અહીં એક કેથોલિક સ્કૂલ છે. આ સ્કૂલની વિદ્યાર્થીનીઓમાં માનીતી એક શિક્ષિકાને ચાલુ પગારે સસ્પેન્ડ કરવામાં આવી. સમગ્ર સ્કૂલમાં સન્નાટો મચી ગયો. આ ટીચરને સસ્પેન્ડ શા માટે કરવામાં આવી છે ? જો કે આપણા ઉત્તર પ્રદેશની સ્કૂલનાં બાળકોની જેમ આ સ્કૂલનાં બાળકો આંદોલન પર ઊતરી પડયા નથી. પરંતુ નિર્ભયપણે પ્રશ્ન તો કરવામાં આવ્યો છે કે આ ટીચરને કયા કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે ? સામાન્ય રીતે કોઇ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે કાં તો એને અર્ધો પગાર મળે અથવા ત્રીજા ભાગનો (વન થર્ડ) પગાર મળે. અહીં તો ટીચરને ચાલુ પગારે સસ્પેન્ડ કરવામાં આવી હતી એટલે સ્ટુડન્ટ્સમાં ગણગણાટ વધી ગયો હતો.

સધર્ન ન્યૂ જર્સીના વાઇનલેન્ડ નામના વિસ્તારમાં સેંટ મેરી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં જેડીરા બોનીલા નામની ટીચર છે. ૩૫ વર્ષની આ ટીચર વિદ્યાર્થી પ્રિય છે. એ થોડા સમયથી પ્રેગનન્ટ છે. તમને કદાચ એવો પ્રશ્ન થશે કે કોઇ પણ મહિલા પ્રેગનન્ટ હોય એ સ્વાભાવિક ઘટના છે. એમાં વાંધો ક્યાં આવ્યો ? એનો જવાબ સ્કૂલના સંચાલકોએ આપેલા ખુલાસામાં મળે છે. સ્કૂલના સંચાલકોએ એવો ખુલાસો કર્યો છે કે આ ટીચરે અમારી સાથે કરેલા સર્વિસ કોન્ટ્રેક્ટનો ભંગ કર્યો છે. 

વાત એવી છે પ્રિય વાચક કે આ મહિલા પોતાના  પતિથી કુદરતી રીતે ગર્ભવતી થઇ નથી. એવું નહીં માની લેતા કે એણે કોઇ વ્યભિચાર કર્યો છે. ઉતાવળે કોઇ અભિપ્રાય બાંધી લેવો યોગ્ય નથી. વાત એવી છે કે જેડીરાના પિતરાઇ ભાઇ નિ:સંતાન છે. આ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે મદદ કરતા આઇવીએફ સેન્ટરનો સંપર્ક કરેલો. નિષ્ણાત ડોક્ટરે એવું નિદાન કર્યું કે સંબંધિત દંપતીમાં પુરુષ બધી રીતે સક્ષમ છે. સ્ત્રી માતા બની શકે એમ નથી. જેડીરાને આ પિતરાઇ ભાઇ સાથે સગા ભાઇબહેન જેવો સંબંધ છે. એને ડોક્ટરના નિદાનની જાણ થઇ ત્યારે એણે સામે ચાલીને પોતાની કૂખ વાપરવા દેવાની તૈયારી દાખવી. 

બીજા શબ્દોમાં એમ કહીએ કે એ પોતાના કઝિન માટે સરોગેટ મધર થવા તૈયાર થઇ.

સ્કૂલના સંચાલકોને વાંધો અહીં આવ્યો. સ્કૂલના સંચાલકો કહે છે કે સરોગેટ મધર થતાં પહેલાં જેડીરાએ સ્કૂલને પોતાના આ નિર્ણયની જાણ કરવી જોઇએ. કારણ ? એને થનારું સંતાન એનું પોતાનું (બાયોલોજિકલ ચાઇલ્ડ) હોય કે એના કઝિનનું સંતાન હોય, જેડીરાએ મેટર્નીટી લીવ લેવી પડશે. સ્કૂલે એના સ્થાને અન્ય કોઇ ટીચરને જેડીરાના કામની જવાબદારી સોંપવી પડશે. જેડીરાએ પોતે સરોગેટ મધર બની રહી છે એ બાબતની સ્કૂલને આગોતરી જાણ કરવી જરૂરી હતી. એ જવાબદારી જેડીરા ચૂકી ગઇ માટે એની સામે શિસ્તભંગનાં પગલાં લેવાની સ્કૂલને ફરજ પડી છે. આ વિગત જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બે ભાગ પડી ગયા. એક જૂથ કહે છે કે સ્કૂલના સંચાલકો સામે લડી લેવું જોઇએ. બીજું જૂથ કહે છે કે શિસ્તભંગના પગલાં લેવાયાં એ વાજબી છે. આજે એક ટીચરે આવું કર્યું. આવતી કાલે બીજા કોઇ ટીચર આવું કરે તો એ શી રીતે ચલાવી લઇ શકાય ? આ લખાતું હતું ત્યારે જેડીરાના મુદ્દે કોઇ નિરાકરણ આવ્યું નથી. જેડીરા અત્યારે ઘેર બેસીને પગાર લઇ રહી છે. આવતી કાલે એની તરફેણ કે વિરોધમાં આંદોલન થવાની શક્યતા કેટલી એ આપણે જાણતા નથી.

જેડીરા કહે છે કે હું તો માનવતાવાદી કામ કરી રહી છું. આમ છતાં મને સજા કરવામાં આવી રહી છે એથી હું ખૂબ વ્યથિત છું.