FOLLOW US

'વી આર બેંક્રપ્ટ, યોર ઓનર !'

Updated: Mar 14th, 2023


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- પોતે જેમને આરાધ્યદેવની જેમ પૂજ્યા હોય એમનું ગેરવર્તન જોઇને ભક્તો ભાંગી પડે છે. 

'અ મે નાદારી નોંધાવીએ છીએ યોર ઓનર...' આ શબ્દો કરોડોના દેવામાં ડૂબી ગયેલા કોઇ વેપારી કે ઉદ્યોગપતિના નથી. આ શબ્દો અમેરિકાના રોમન કેથોલિક ચર્ચના છે. જો કે હજુ ઔપચારિક રીતે નાદારી નોંધાવવામાં આવી નથી, પરંતુ ચર્ચ આ દિશામાં સક્રિય થઇ રહ્યાના અણસાર મળી ચૂક્યા હતા.

આટલું વાંચીને ચોંકી ગયા ને ? આ લખનાર પણ ચોંકી ઊઠયો હતો. વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ અનુયાયી હોવાનો દાવો ધરાવતા ઇસાઇ સંપ્રદાય રોમન કેથોલિક ચર્ચે નાદારી નોંધાવવી પડે એેવું શું બની ગયું હશે એ સૌને માટે કુતૂહલનો વિષય છે. એની માંડીને વાત કરીએ એ પહેલાં થોડી આડવાત.

૮૧ વર્ષના આશારામને ગાંધીનગરની કોર્ટે દુષ્કર્મ માટે વધુ એક વખત આજીવન કેદની સજા કરી. અગાઉ એમને આવી જ આજીવન કેદની સજા થઇ ચૂકી હતી. પોતાની અનુયાયી શિષ્યાઓ પર બળાત્કાર, બે બાળકોના રહસ્યમય  મૃત્યુ વગેરે આક્ષેપો આશારામ અને એના પુત્ર પર મૂકાયા હતા. એવું જ ઉત્તર ભારતના કહેવાતા સંત રામ રહીમ જોડે થયું હતું. એમને પણ પોતાના આશ્રમમાં દુષ્કર્મ બદલ આજીવન કેદની સજા થઇ હતી. દક્ષિણ ભારતના કહેવાતા સંત નિત્યાનંદના સેક્સ કૌભાંડો બહાર આવ્યા ત્યારે ધરપકડથી બચીને એ પરદેશ નાસી ગયા અને કૈલાસ નામે કહેવાતો નવો દેશ સ્થાપ્યો. તાજેતરમાં એમની બે ચેલીઓ યુનોની બેઠકમાં હાજર રહી હતી. 

લાખો બલ્કે કરોડો અનુયાયી ધરાવતા કહેવાતા સંતોની સેક્સ લીલા અને અપરાધી પ્રવૃત્તિઓ બહાર આવે ત્યારે એમના ઘણા અનુયાયીઓ ડિપ્રેશનમાં સરકી પડે છે. પોતે જેમને આરાધ્યદેવની જેમ પૂજ્યા હોય એમનું ગેરવર્તન જોઇને ભક્તો ભાંગી પડે છે. એનું મુખ્ય કારણ એ કે આ ભક્તો-અનુયાયીઓ ભૂલી જાય છે કે તેમના ગુરુ પણ આપણા જેવા કાળા માથાના માનવી છે. સત્તા, સંપત્તિ, ઐશ્વર્ય, અહંતુષ્ટિ દરેક મનુષ્યમાં વધતે-ઓછે અંશે હોય છે. પાપભીરુ અને સીધાસાદા લોકો પર ભુરકી છાંટીને આ ભગવાધારીઓ કરોડોની સંપત્તિ એકઠી કરે છે. પરંતુ પેલા સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે એમ 'આહાર, નિદ્રા, ભય મૈથુનમ્ ચ...' આ ચાર મૂળભૂત પ્રકૃતિ ગુણોથી મુક્ત રહી શકતા નથી. પગ લપસી જાય છે. પછી શતમુખ વિનિપાત થાય છે.

અમેરિકાના જુદાં જુદાં રાજ્યોનાં જુદાં જુદાં શહેરોમાં રોમન કેથોલિક ચર્ચના પાદરીઓ પર અત્યાર સુધીમાં ચારસોથી વધુ ક્રીમીનલ કેસ થયા છે. કૂમળી વયના છોકરાઓ સાથે પ્રકૃતિ વિરુદ્ધના દુષ્કર્મ કરવા માટેના આ આરોપો છે. પાદરીઓએ પોતાની ભૂલ (ખરેખર તો ગેરરીતિ કે અનીતિ) કોર્ટમાં કબૂલી લીધી હતી. કેલિફોનયામાં બિશપ રોબર્ટ મેક્કેલરોયે એકરારનામા જેવો એક પત્ર પ્રગટ કરીને મિડિયાને જણાવ્યું કે આ બધા કેસનું સમાધાન કરવું હોય તો ઓછામાં ઓછા ૫૫૦ મિલિયન ડોલર જોઇશે. વકીલોની ફી અને અન્ય કાનૂની ખર્ચ અલગ. ચારસો ક્રીમીનલ કેસની સજા રૃપે રોમન કેથોલિક ચર્ચે એક અંદાજ મુજબ બસો બિલિયન (અબજ) ડોલરનો દંડ ભરવાનો થઇ શકે.

કૂમળી વયના છોકરાઓ સાથે પ્રકૃતિ વિરુદ્ધના સંબંધના આક્ષેપ આજના નથી. અમેરિકામાં છેક ૨૦૦૨માં જ્હોન જે કમિટિનો રિપોર્ટ પ્રગટ થયો હતો. એ સમયે રિપોર્ટમાં જણાવાયા મુજબ ૧૯૫૦થી ૨૦૦૨ વચ્ચે ચાર હજાર ત્રણસો બાણું ધર્મગુરુઓએ કુલ ૧૧ હજાર દુષ્કર્મ કર્યા હતા. આ બધા અપરાધોની સજા અને દંડની રકમ રોમન કેથોલિક ચર્ચને નાદારી નોંધાવવી પડે એટલી થવા જાય. કોર્ટની બહાર સમાધાન કરવું હોય તો ધર્મગુરુઓની વાસનાનો ભોગ બનેલા પરિવારોને માતબર વળતર ચૂકવવું પડે. કાનૂની ખર્ચ અને વકીલોની ફી વધારામાં.

આ લખાઇ રહ્યું હતું ત્યારે હજુ તો અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી. રોમન કેથોલિક ચર્ચે નાદારી નોંધાવવાનો વિચાર કર્યો છે જેથી કોર્ટ દ્વારા થોડી રાહત મળે. ક્રીમીનલ કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી ચાલતા હોય. ચર્ચને કેટલી રાહત મળે છે એે જોવાનું રસપર્દ થઇ પડે. 

કહેવાનું તાત્પર્ય એ છે કે કુદરતી આવેગોથી બચવાનું માનવ માત્ર માટે ખરેખર મુશ્કેલ છે. કોઇ પણ ધર્મ હોય, માણસનું શરીર પોતાના કુદરતી ગુણધર્મો બજાવે જ છે. કોઇક જ વીરલો લપસતો બચે છે. મનોરંજન ક્ષેત્ર કરતાં ધાર્મિક ક્ષેત્ર વધુ લપસણું છે. મનોરંજન ક્ષેત્રમાં મર્યાદિત સંખ્યામાં લોકો શિકાર બને. ખાસ કરીને અભિનેત્રી બનવા આવેલી યુવતીઓ સહેલાઇથી ભ્રષ્ટ થઇ જાય. બીજી બાજું ઘાર્મિક ક્ષેત્રમાં હજારો સીધાસાદા લોકો ભેરવાઇ જતા હોય છે. કહેવાતા સાધુ-સંતો ખોટું કરતાં ઝડપાય ત્યારે આ ભગત લોકોનો ભ્રમ ભાંગી જાય છે. માટે ચેતતો નર સદા સુખી.

Gujarat
Magazines