- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- એક વિદેશી ફોટો જર્નલિસ્ટે એ શોધી કાઢયું અને એના વિશે એક દસ્તાવેજી ફિલ્મ બનાવી
બં કર્સ કોઇ દેશ માટે નવાઇની નથી. લગભગ દરેક દેશની સરહદે આવા બંકર્સ બનાવવામાં આવે છે જે યુદ્ધકાળમાં સૈનિકોને મદદરૂપ થાય છે. પરંતુ અહીં એક એવા નગરની વાત કરવી છે જે હાઇવે પર મોટર્સવેની હેઠળ બનાવવામાં આવ્યું છે. વિશ્વના દરેક મહાનગરની જેમ ફિલિપાઇન્સના મનીલા શહેરમાં પણ વસતિ એટલી બધી વધી ગઇ છે કે હવે નવાં રહેઠાણ બનાવવા માટે જમીન નથી. બીજી બાજુ મકાનો એટલાં બધાં મોંઘાં થતાં જાય છે કે ગરીબ પરિવારને લેવાનું પરવડે નહીં. ભાડાનાં મકાનો પણ એટલાંજ મોંઘાં છે. તો રહેવા ક્યાં જવું ? મનીલાના સાન એન્ડ્રેસ બકીડ હાઇવે પર રોજ લાખો વાહનોની અવરજવર રહે છે. આ હાઇવેની હેઠળ ઓછામાં ઓછા સો પરિવારોએ એક નાનકડું નગર બનાવ્યું છે. એક વિદેશી ફોટો જર્નલિસ્ટે એ શોધી કાઢયું અને એના વિશે એક દસ્તાવેજી ફિલ્મ બનાવીને ફેસબુક પર પણ મૂકી.
કેવી છે આ ટાઉનશીપ ? તદ્દન નાનકડી ઘોલકી જેવી ઓરડીઓ ધરાવતી આ ટાઉનશીપમાં ત્રણસોથી વધુ લોકો ઉંદરડા અને કંસારી-વાંદાની હારોહાર રહે છે. ઓરડીઓ એટલી તો સાંકડી છે કે પાંચ ફૂટની ઊંચાઇ ધરાવતી વ્યક્તિ પણ ઓરડીમાં ટટાર ઊભી રહી શકે નહીં. અહીં રહેનારે કેડેથી વાંકા વળીને ઓરડીમાં દાખલ થવું પડે. ઓરડીનું ક્ષેત્રફળ પણ એટલું સાંકડું છે કે છ બાય છ ફૂટની ઓરડીમાં પાંચથી સાત વ્યક્તિ ટૂંટિયું વાળીને માંડ માંડ સુઇ શકે છે. મહાનગર મુંબઇની ઝૂંપડપટ્ટીની જેમ અહીં પણ વીજળી અને પાણી ગેરકાયદે મેળવી લેવામાં આવે છે.
માનવતાના નામે કેટલીક એનજીઓ આવી ગેરકાયદે ઝૂંપડાંનગરીને સાથ-સહકાર આપે છે. આવાં સાંકડાં ઘરોમાં જાજરૂ તો ક્યાંથી હોય ? ગંદા પાણીના નિકાલની ગટર વ્યવસ્થાનો તો સવાલ જ નથી. એટલે તમે બે ચાર સેકંડથી વધુ ઊભા પણ ન રહી શકો એવી ભયાનક દુર્ગંધ મારે છે. સ્વચ્છતાનો સવાલ રહેતો નથી. પરિણામે લોકો એક યા બીજી બીમારીથી પીડાતા રહે છે.
સ્થાનિક વહીવટી તંત્રે આ લોકોને એક કરતાં વધુ વખત નોટિસ આપી છે કે તમારી ટાઉનશીપ ખાલી કરો નહીંતર અમારે બુલડોઝર ચલાવવું પડશે. આમ પણ આ ટાઉનશીપ ઉપલી સપાટી પરથી રોજ સવાર સાંજ પસાર થતાં વાહનો માટે પણ ભયજનક છે. ક્યારેક જમીન ધસી પડે તો ટાઉનશીપનાં ઘરો ઉપરાંત ડઝનબંધ વાહનો પણ આગનો કોળિયો થઇ જાય. ગેરકાયદે હોવાથી આ ટાઉનશીપમાં વીજળી નથી. લોકો મીણબત્તી કે નાનકડી બેટરીથી રોડવે છે. જો કે મીણબત્તી પણ ગમે ત્યારે આગ લગાડી શકે. પ્રશ્ન એ છે કે આ ભૂગર્ભ ટાઉનશીપ ખાલી કરે તો હાલ રહેતા ગરીબ પરિવારો જાય ક્યાં ? કેટલીક માનવ અધિકારવાદી સંસ્થાઓ આ લોકોને વૈકલ્પિક ઘર આપવાનું આંદોલન ચલાવે છે. મનીલાનું વહીવટી તંત્ર કહે છે કે એકવાર આ લોકોને વૈકલ્પિક ઘર આપીએ તો ખોટો દાખલો બેસી જાય.
આવતી કાલે બીજા લોકો આવી ટાઉનશીપ બનાવીને બેસી જાય. આ તો હાઇવે અને મોટરવે છે. એની નીચે આ રીતે ટાઉનશીપ ઊભી જ ન કરી શકાય. આ ટાઉનશીપ આખા શહેર માટે ભયજનક છે. એક માનવ અધિકારવાદી સંસ્થા સ્થાનિક વહીવટી તંત્રે આપેલી ટાઉનશીપ ખાલી કરવાની નોટિસને કોર્ટમાં પડકારવાની છે.


