'મને ઇસામસીહનું પાત્ર ભજવવાની પ્રેરણા થયેલી !'
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- આંખ મીંચીને હું પ્રાર્થનામાં લીન હતો ત્યારે મને જાણે કોઇએ કહ્યું કે તારે અભિનય કરવાનો છે. તું અભિનય કરવા માટે જ જન્મ્યો છે.
'સા ચું કહું છું, તમે માનશો, મને ભગવાન ઇસામસીહનું પાત્ર ભજવવાની પ્રેરણા થયેલી. એ સમયે હું હજુ તો માત્ર અઢાર વર્ષનો હતો. જીવનમાં કઇ વ્યાવસાયિક કારકિર્દી લેવી એ વિશે હજુ કશું વિચાર્યું નહોતું. એકવાર રવિવારે ચર્ચમાં સાપ્તાહિક પ્રાર્થના કરવા ગયેલો. આંખ મીંચીને હું પ્રાર્થનામાં લીન હતો ત્યારે મને જાણે કોઇએ કહ્યું કે તારે અભિનય કરવાનો છે. તું અભિનય કરવા માટે જ જન્મ્યો છે,' એક ટીવી ઇન્ટરવ્યૂમાં હોલિવૂડના અભિનેતા જીમ કુવીત્સુએ તાજેતરમાં કહ્યું હતું.
કોઇ ખાસ રોલ વિશે તમારો અનુભવ યાદ છે ખરો ? એવા સવાલના જવાબમાં જીમ તરત બોલી ઊઠયો, એક અનુભવ હું કદી ભૂલી નહીં શકું. ૨૦૦૪માં રજૂ થયેલી ફિલ્મ ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ તમને યાદ છે ? એ ફિલ્મે મને તન-મનથી પૂરેપૂરો થકવી નાખેલો. ભગવાનને વધસ્તંભ પર ચડાવે છે એ પહેલાં કાંટાળો મુગટ પહેરાવે છે. આ દ્રશ્ય માટેનો મારો મેકપ જ સાતથી આઠ કલાક ચાલતો. અર્ધો તો ત્યાંજ થાકી જતો. આ ફિલ્મમાં મને ભગવાન ઇસામસીહના રોલની ઓફર થયેલી. પીઢ અભિનેતા ફિલ્મ સર્જક મેલ ગિબ્સને આ ફિલ્મ બનાવેલી. આ જ સુધી આ ફિલ્મની આવકનો રેકોર્ડ તૂટયો નથી. આજથી વીસ વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મે ૬૦ કરોડ ડોલર્સની કમાણી કરીને ટંકશાળ સર્જી હતી. આ ફિલ્મની ઓફર મને મળી ત્યારે ગિબ્સને મને ચેતવેલો, ઇસામસીહનો રોલ કરતી વેળા સાવધ રહેજે. એક માન્યતા એવી છે કે ભગવાન ઇસુનો રોલ કરનારો અભિનેતા અકાળે મૃત્યુ પામે અથવા દિવ્યાંગ થઇ જાય. બીજું, ખ્રિસ્તી સમાજ ભગવાન ઇસુ વિશે ખૂબ રિઝર્વ છે. રોલ જીવી જવામાં સહેજ પણ ગફલત થાય તો દુનિયાભરના ખ્રિસ્તીઓ તમને જીવવા ન દે.
આવી માન્યતા ક્યાંથી અને કોણે વહેતી કરી એની મને ખબર નથી, જીમે વધુમાં ઉમેર્યું. મેં પણ આ માન્યતા વિશે સાંભળેલું. પરંતુ મને એ રોલ ચેલેંજિંગ લાગેલો. મેં ગિબ્સનની વારંવારની ચેતવણી છતાં રોલ સ્વીકારી લીધેલો. કદાચ મારી આવરદા રેખા લાંબી હશે એટલે હું અકાળે મર્યો નથી તેમ મારું કોઇ અંગ દિવ્યાંગ થયું નથી.
જો કે જીમને વિજ્ઞાાનની ભાષામાં સમજાવી ન શકાય એવા અનુભવો જરૂર થયેલા. એની વાત કરવા પહેલાં આપણે આ પ્રકારના દિવ્ય રોલ કરનારા કેટલાક ભારતીય કલાકારોની વાત કરીએ. સૌથી સરસ અનુભવ મરાઠીભાષી અભિનેતા સુધીર દળવીને થયેલો. હિન્દી ફિલ્મોમાં દળવીએ પહેલીવાર શિરડીના સાંઇબાબાનો રોલ કરેલો. એ પછી એના જીવનમાં ઘણા પોઝિટિવ ફેરફારો થઇ ગયેલા. એનો સમગ્ર પરિવાર માંસાહારી હતો. દળવી શરાબ પણ પીતો હતો. એની બોલચાલની ભાષામાં ઘણા અપશબ્દો પણ આવી જતાં. શિરડીના સાંઇબાબાનો રોલ કર્યા પછી એ ચુસ્ત શાકાહારી થઇ ગયો, શરાબ આપોઆપ એનાથી છૂટી ગયો અને એની બોલચાલની ભાષા શિષ્ટ થઇ ગઇ. અલબત્ત, ટીકાકારો એમ કહી શકે કે દળવીએ સભાન પ્રયાસો દ્વારા આ ફેરફારો કર્યા હશે. દળવીની જેમ મુકુલ નાગ નામના અભિનેતાએ ટીવી સિરિયલમાં સાંઇબાબાનો રોલ કર્યો હતો.
એથી ઊલટું જય સંતોષી મા ફિલ્મમાં સંતોષી માતાનો રોલ કરનારી અભિનેત્રી અનિતા ગૂહા જીવનના અંતિમ તબક્કા સુધી શરાબ છોડી શકી નહોતી. ફિલ્મી પાર્ટીઓમાં એ કોકાકોલામાં શરાબ ભેળવીને પીતી. છેલ્લે છેલ્લે એને ત્વચારોગ (એક અભિપ્રાય મુજબ કોઢ) થયો હતો. એના ટીકાકારો કહેતા કે માતાજીનો રોલ કર્યા પછી પણ એ શરાબ અને માંસાહાર કરતી રહી એટલે એને ત્વચારોગ થયો હતો. માનવું ન માનવું દરેકની ઇચ્છા.
જીમ કુવીત્સુ અત્યારે ૫૬ વર્ષના છે. એ બધી રીતે તંદુરસ્ત છે. ૨૦૨૬માં રજૂ થનારી ફિલ્મ ધ રિસરેક્શન ઑફ ક્રાઇસ્ટ નામની ફિલ્મમાં એ ફરીવાર ભગવાન ઇસામસીહનો રોલ કરી રહ્યા છે. ઇસાઇ ધર્મના અનુયાયીઓ માને છે કે ભગવાનને વધસ્તંભ પર ચડાવી દીધા પછી અને તેમના અંતિમ
સંસ્કાર પછી ચોથે દિવસે ભગવાન ઇસુ ફરી પ્રગટ થયા હતા. એ માન્યતા પર આ ફિલ્મ બની રહી છે. જીમ ફરીથી ઇસુનો રોલ કરી રહ્યા છે. આ વખતે એમના મનમાં એક કાલ્પનિક ભય હતો. કદાચ ઉંમર વધવાને કારણે અથવા પહેલીવાર આ રોલ કર્યો ત્યારે ગિબ્સને જે કાલ્પનિક વાતો કરેલી એ જીમને ફરી યાદ આવી ગઇ.
જો કે જીમે પોતાના ઇન્ટરવ્યૂમાં બે વાત કહી. ભગવાનને વધસ્તંભ પર ચડાવ્યા પહેલાં ક્રોસ પકડીને નગરમાં ફેરવ્યા હતા એ દ્રશ્યમાં એમના ખભાનું એક હાડકું ખડી પડયું હતું. શૂટિંગ કરતી વખતે એ પોતાના કામમાં એટલી હદે લીન હતા કે તેમને ખભામાં થઇ રહેલી પીડાનો અહેસાસ થયો નહોતો. જો કે સેટ પર એક નિષ્ણાત ડોક્ટર હાજર હતા. એમણે તરત સારવાર ચાલુ કરી દીધી હતી. મેલ ગિબ્સને શૂટિંગ અટકાવવાની તૈયારી દાખવી હતી પરંતુ જીમે ના પાડી હતી અને પેઇન કીલર્સ લઇને શૂટિંગ ચાલુ રાખવાનો આગ્રહ સેવ્યો હતો. એની દલીલ એવી હતી કે શૂટિંગ મોકૂફ રાખવાથી ઘણુ્ં આર્થિક નુકસાન થાય એમ હતું અને ફરી શૂટિંગ કરીએ ત્યારે બીજા કલાકારોની તારીખો તરત મળવાની ખાતરી નહોતી.
એવો જ એક વિચિત્ર અનુભવ વધસ્તંભ પર પણ થયો. એ સ્તંભ પર અભિનય કરી રહ્યા હતા ત્યારે એટલા બધા થાકી ગયેલા હતા કે શૂટિંગ માટે બનાવેલા ક્રોસ પર જ ઊંઘી ગયેલા. શૂટિંગ પૂરું થયા પછી પણ દિવસો સુધી જીમ એ પાત્રમાંથી બહાર આવી શક્યા નહોતા. ખભાની પીડા પણ દિવસો સુધી ચાલુ રહેલી. જો કે ઇજા અને જખમ તો સમયસરની પૂરતી સારવારથી દૂર થયા હતા. આ ફિલ્મ ૨૦૨૬માં રજૂ કરવાની મેલ ગિબ્સનની યોજના છે.