જેલ નહિ, પણ જહન્નમ .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- કાચોપોચો કેદી તો જેલમાં આવ્યાના થોડા દિવસમાં જ રામશરણ થઇ જાય
૨૦ ૦૯માં દરિયામાર્ગે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાનો સૂત્રધાર તહવ્વુર રાણા હાલ આપણા કબજામાં છે અને જેલમાં છે. એનો કબજો આપણને સોંપવા માટે બ્રિટિશ સરકાર સાથે વાતચીત ચાલતી હતી ત્યારે રાણાએ બ્રિટિશ કોર્ટમાં એવી દલીલ કરેલી કે મને ભારતને નહીં સોંપતા. ભારતની જેલો બહુ ગંદી અને બિનઆરોગ્યપ્રદ હોય છે. બ્રિટિશ કોર્ટે એની દલીલ સાંભળી નહીં એ જુદી વાત છે. કેટલાક લોકો માને છે કે રાણાને વિશ્વની સૌથી ભયાનક ગણાયેલી જેલમાં રાખવો જોઇએ. એવી ઘણી જેલ દુનિયામાં છે જેના નામ માત્રથી ભલભલા રીઢા અપરાધીઓ ભયભીત થઇ જાય છે.
હજુ ગયા મહિનાની વાત છે. ૨૦૨૨માં ચાર હત્યા કરનારા એક સિરિયલ કીલરને ઇડાહો મેક્સિમમ સિક્યોરિટી જેલમાં આજીવન કેદની સજા ભોગવવા મોકલવામાં આવ્યો ત્યારે હાજર રહેલા સૌ આ જેલના નામમાત્રથી ધ્રૂજી ઊઠયા હતા. અમેરિકાના ઇડાહો વિસ્તારમાં કૂના નામના સ્થળે આ જેલ આવેલી છે. ખરેખર તો સાત જેલનું આખુંય સર્કલ છે. દરેક જેલ પોતપોતાની રીતે બદનામ છે. વર્લ્ડ રેસ્ટલીંગ ફાઉન્ડેશન (ડબલ્યુ. ડબલ્યુ્ં. એફ.)ના કદાવર કુસ્તીબાજોને શરમાવે એવા રાક્ષસી કદના રીઢા કેદીઓ અહીં વોર્ડન તરીકે સેવા આપે છે. જેલની ચારેબાજુ ડબલ વાયર જાળી હોવા ઉપરાંત આ જાળીમાં ચોવીસે કલાક વીજપ્રવાહ વહેતો હોય છે. નાસવાનો પ્રયાસ કરનાર કેદી કાં તો વીજપ્રવાહના આંચકાથી દસ સેકંડમાં કોલસો થઇ જાય છે અથવા અત્યંત ઘાતકી જંગલી શિકારી કુતરાનો કોળિયો થઇ જાય છે.
આ જેલમાં ગયેલો કેદી ભાગ્યે જ ક્યારેક જીવતો બહાર આવે છે. અહીં દરેક કોટડીમાં કંસારી-વાંદા, કીડી મંકોડા, મચ્છર અને ક્યારેક ઝેરી વીંછી પણ હોય. અહીં દરેક કેદી સાથે જાનવર જેવો ક્રૂર વર્તાવ કરવામાં આવે છે. કેદીને એવી પાશવી સજા કરવામાં આવે છે કે કાચોપોચો કેદી તો જેલમાં આવ્યાના થોડા દિવસમાં જ રામશરણ થઇ જાય. હ્યુમન રાઇટ્સની વાતો કરનારા ભારતીય સામ્યવાદી અને સેક્યુલર નેતાઓને આ જેલની મુલાકાત કરાવવામાં આવે તો બીજીવાર હ્યુમન રાઇટ્સની વાત કરવાની હિંમત ન કરે. દુનિયાના કોઇ મિડિયામેનને આ જેલ સર્કલની મુલાકાત લેવા દેવામાં આવતી નથી. રશિયા અને ચીનમાં જે ટોર્ચર કેમ્પ તરીકે ઓળખાતી જેલ છે એવીજ આ જેલ ઇડાહોની છે. આ જેલનાં વર્ણનો પરથી હોલિવૂડમાં ફિલ્મો પણ બની છે. ફિલ્મોમાં જો કે હીરોને જેલમાંથી નાસી જતો દેખાડે છે પરંતુ હજુ સુધી કોઇ આ જેલમાંથી નાસી શક્યું નથી એમ કહેવાય છે.
આપણા દેશમાં મુંબઇની આર્થર રોડ જેલ કે તિહાર જેલ વિશે ઘણીવાર મિડિયામાં અતિશયોક્તિ ભરેલા અહેવાલો પ્રગટ થાય છે. એવું ઇડાહોની આ જેલ માટે લખી શકાતું નથી. અમેરિકાના કાયદા એટલા કડક છે કે એલફેલ લખનારા પત્રકારનું આવી બને. આવી ઔર એક ભયાનક જેલ ઇજિપ્તના કાહિરામાં છે. ઇડાહોની જેલમાં કેદીઓના ગુપ્તાંગો પર ડામ દેવાથી માંડીને હાથ-પગના જીવતા નખ ઊખાડી લેવા જેવી ભયંકર સજા કરવાનું લગભગ રોજનું છે. કેદીને છત પર અદ્ધર લટકાવીને એના પગના તળિયામાં દંડા ફટકારવાની સજા પણ અહીં કોમન છે.
આવી જેલના કેદીઓ પરસ્પર વાત કરતાં હોય ત્યારે એવો અભિપ્રાય વ્યક્ત કરતાં હોય છે કે આના કરતાં તો મને મોતની સજા કરી દીધી હોત તો સારું હતું. આ તો નરકયાતના છે. આપણી સાથે માણસ જેવો વર્તાવ કરવામાં આવતો નથી. કીડામંકોડાની જેમ આપણને કચડવામાં આવે છે.
દુનિયા આખીને ઉપદેશ આપતા અને માનવતાની વાતો કરતા અમેરિકામાં આવી રાક્ષસી જેલ આવેલી છે એ પણ વિધિની વક્રતા કહેવાય ને !