- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- એ વડા પ્રધાન બની ત્યારે માત્ર સીધીસાદી રાજનેતા ગણાઇ હતી. વાસ્તવમાં એ મોજશોખની બંધાણી હતી
આ પણે ભારતીય લોકો હીરો વર્શીપના અનુયાયી છીએ. હીરો વર્શીપ એટલે આપણે જેમને મહાનુભાવ (સેલેબ્રિટી) માનતા હોઇએ એવા લોકોની આરતી ઊતારતા રહીએ. આવા મહાનુભાવ ક્યારેક કોઇ અઘટિત કાર્ય કરે તો થોડો સમય ઉહાપોહ થાય છે પરંતુ પછી આપણે ઉદારતાથી એમને માફ કરી દઇએ. આ વાત માનવામાં ન આવતી હોય તો વાંચો આગળ. દેશના છેલ્લા વહીવટકર્તા લોર્ડ માઉન્ટબેટનની પુત્રીએ તાજેતરમાં પ્રગટ કરેલા એક પુસ્તકમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે મારી માતા એડવિનાને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે અફેર હતો. મારા પિતા એ હકીકત જાણતા હતા પરંતુ ભારતના ભાગલા પાડવાની પોતાની વ્યૂહરચના સફળ થાય એ હેતુથી મારા પિતા આ અનૈતિક સંબંધ સામે આંખ આડા કાન કરતા હતા.
પંડિત નહેરુએ તો કશ્મીર પ્રશ્ને પણ મામલો એવો ગૂંચવી નાખ્યો કે આજ સુધી એનો નિવેડો આવ્યો નથી. આપણે સતત પંડિત નહેરુને બિરદાવતા રહ્યા. એમના અવગુણો કે મર્યાદાને કદી ગણકાર્યાં નહીં. હીરો વર્શીપનો આ એક જબરદસ્ત નમૂનો છે. જો કે એકલા નહેરુ આવા નહોતા. અમેરિકાના હેન્ડસમ પ્રમુખ જ્હોન ફિટ્ઝરાલ્ડ કેનેડીને હોલિવૂડની સેક્સ સિમ્બોલ ગણાયેલી જગમશહૂર અભિનેત્રી મેરેલીન મનરો સાથે સંબંધ હતા એ જગજાહેર હકીકત છે. એના વિશે ઘણું લખાયું પણ છે.
આ બંને વડા પ્રધાનો કરતાં વેંત એક ઊંચી મહિલાની કથા તાજેતરમાં જગચૌટામાં ગવાઇ ગઇ. માત્ર ૩૪ વર્ષની વયે એ યૂરોપના ફિનલેન્ડ નામના દેશમાં કોઇ પુરુષ રાજનેતાને અદેખાઇ આવે એવી બહુમતીથી વડા પ્રધાન બની. ૨૦૨૦ની ચૂ્ંટણીમાં એ વડા પ્રધાન બની ત્યારે માત્ર સીધીસાદી રાજનેતા ગણાઇ હતી. વાસ્તવમાં એ મોજશોખની બંધાણી હતી. લેટેસ્ટ ફેશનનાં કપડાં પહેરવાં, ક્લબોમાં જવું, નાઇટ પાર્ટીમાં ડાન્સ કરવા જવું, શરાબ પીવો વગેરે બાબતો એના નેગેટિવ ગુણો હતા. ચૂંટણી ટાણે એ સીધીસાદી મહિલા અને ગૃહિણી તરીકે રજૂ થઇ હતી અને મતદારો એના પર ઓવારી ગયા હતા. વડા પ્રધાન બન્યા પછી થોડો સમય એ સખણાં રહ્યાં. પછી ફરી પાછાં પોતાની જૂની ટેવ પર આવી ગયાં.
૨૦૨૨માં એક નાઇટ પાર્ટીમાં એ શરાબ પીધાં પછી ઘોંઘાટિયા મ્યુઝિક સાથે ડાન્સ કરવા માંડયાં. કાં તો એ નશામાં હતાં અને પોતાની આજુબાજુ શું બની રહ્યું છે એનો એમને ખ્યાલ નહોતો અને કાં તો એ ઓવરકોન્ફિડન્સ (વધુ પડતા આત્મવિશ્વાસમાં) હતાં. ડાન્સમાં હાજર કેટલાક પુરુષોએ એમની સાથે છૂટ લીધી અને એમને ધગધગતી કીસ કરી. એક પુરુષ વડા પ્રધાન તેની ગરદન પર કીસ કરી રહ્યો હતો ત્યારે ન બનવાનું બની રહ્યું હતું. આ ડાન્સ પાર્ટીમાં કાં તો વિરોધ પક્ષોનો કોઇ ગુપ્તચર હાજર હતો કે પછી કોઇ પત્રકાર હાજર હતો. એણે આ આખીય ઘટનાની વિડિયો ફિલ્મ ઊતારી લીધી અને બીજે દિવસે સોશ્યલ મિડિયા પર મૂકી દીધી.
આ વાત ફિનલેન્ડના મહિલા વડા પ્રધાન સાન્ના મરીનની છે. જેવી તેમના અભદ્ર વર્તનની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર ફરતી થઇ કે તરત હોબાળો મચી ગયો. મિડિયાએ સાન્ના પર માછલાં ધોવામાં કશું બાકી ન રાખ્યું. ફિનલેન્ડની સંસદમાં વિરોધ પક્ષો તો ઠીક, ખુદ શાસક પક્ષના સાંસદોએ સાન્ના વિરુદ્ધ મતદાન કર્યું અને સાન્નાએ વડા પ્રધાનપદેથી કમને રાજીનામું આપવું પડયું. એ પછી મિડિયા જોડે વાત કરતાં સાન્નાએ કહ્યું કે હવે પછી હું સક્રિય રાજકારણમાં પાછી ફરવાની નથી. ૨૦૨૭ની સંસદીય ચૂંટણી હંપ લડવાની નથી. રાજકારણ અને વડા પ્રધાનપદે મને નીચોવી નાખી છે. મારે એટલું બધું કામ કરવું પડતું કે હું મારા પરિવારને કે મારા અંગત શોખને સમય આપી શકતી નહોતી. મિત્રોને મળવું. નાટક-સિનેમા માણવા, સંગીતની મોજ માણવી વગેરે પ્રવૃત્તિ હું કરી શકતી નહોતી.
સાન્ના આવું બોલી રહી હતી ત્યારે એના આછકલા વર્તનથી પરિચિત મિડિયામેન મૂછમાં મલકી રહ્યા હતા.
તમે સક્રિય રાજકારણમાં પાછાં ફરવાનાં નથી તો પછી તમે શું કરવાના છો એવા મિડિયાના સવાલનો જવાબ આપતાં સાન્નાએે કહ્યુ કે હું સમાજસેવા કરતી કોઇ એનજીઓ (સ્વૈચ્છિક સંસ્થા) સાથે કામ કરવાની છું. મિડિયામેન આ વાત પણ માની શકતા નહોતા. લંડન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ સાન્ના ટોની બ્લેર ઇન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ ચેન્જ સાથે જોડાયાં છે.
વાત આટલેથી અટકતી નથી. સાન્ના છેક ૨૦૧૫થી સાંસદ હતાં. એ સમયે તેમણે પોતાના મતવિસ્તારમાં થોડાંક સારાં કામ પણ કર્યાં હતાં. વડા પ્રધાન બન્યા પછી એની ડાગળી ચસકી. સત્તાનો નશો એના દિલોદિમાગ પર છવાઇ ગયો અને એ ઉછાંછળી બની ગઇ. વડા પ્રધાનપદ છોડયા પછી એણે પોતાના પતિ માર્ક્સને છૂટાછેડાની નોટિસ મોકલી. એમને એક પુત્ર પણ છે. ત્યારબાદ સાન્નાએ એક પુસ્તક લખ્યું. તાજેતરમાં આત્મકથનાત્મક સંભારણાંના એ પુસ્તક હોપ ઇન એક્શનનું લોકાર્પણ થયું. એમાં સાન્નાએ પોતાના પરાક્રમને નિખાલસતાથી વર્ણવ્યું છે. આપણા રાજનેતાઓ ભાગ્યેજ કદી પોતાના છબરડાઓને આ રીતે જાહેરમાં કબૂલે છે. સાન્નાએ પોતાને શા માટે વડા પ્રધાનપદ છોડવું પડયું એની વિગતો રસપ્રદ ભાષામાં અને પૂરેપૂરી પ્રમાણિકતાથી લખી છે.


