શિક્ષણનું ધોરણ સુધરે તો સારું....
ટોપ્સીટર્વી - અજિત પોપટ
સંચાલકો પોતે અંગત રસ લઇને સખ્ખત મહેનત કરે અને શિક્ષકો પાસે કરાવે તો દેખીતી રીતેજ ઉત્તમોત્તમ પરિણામ આવે. અને એ જરુરી પણ છે.
ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં સ્કૂલ્સના નવા શૈક્ષણિક વર્ર્ષની જાહેરાત કરી. તદનુસાર સ્કૂલોનું નવું સત્ર એપ્રિલની 20મીથી શરુ થઇ જશે અને બાર-તેર દિવસના અભ્યાસ બાદ ઉનાળાની રજાઓ (મે વેકેશન ) પડશે. આવો ફેરફાર કયા કારણે અને કોના કહેવાથી કરવામાં આવ્યો એ બહુ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે શિક્ષણનું ધોરણ ગુજરાતમાં આમ કરવાથી સુધરશે કે ?
છાશવારે અખબારોમાં એવા સમાચાર પ્રગટ થાય છે કે સાતમા આઠમા ધોરણનાં બાળકોને પણ વાંચતાં આવડતું નથી અથવા બાળકો આંક કે પલાખાં બરાબર બોલી શકતા નથી. આ કઇ જાતનું શિક્ષણ છે એવો સવાલ દરેક સમજુ નાગરિકને થવો જોઇએ. શૈક્ષણિક વર્ષ બદલવાથી શિક્ષણના ધોરણને પોઝિટિવ (વિધાયક ) અસર થાય તો ઘણું સારું. દલીલ એવી થઇ કે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકંડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની સ્કૂલોના સત્ર સાથે સામંજસ્ય- (કો-ઓર્ડિનેશન) સાધવા માટે આ નિર્ણય લેવાયો.
બહુ ઓછા લોકોને જાણ હશે કે સૌથી લાંબું શૈક્ષણિક સત્ર- લગભગ 260 દિવસનું- હાલ કોરોના વાઇરસથી ત્રસ્ત એવા ચીનમાં છે. કદાચ સૌથી ટૂંકું શૈક્ષણિક સત્ર આપણું છે. આપણે રજા પ્રિય લોકો છીએ. એક માસનું ઉનાળુ વેકેશન, ગુજરાત પૂરતી વાત કરીએ તો નવ દિવસનું નવરાત્રિ વેકેશન, આશરે દસેક દિવસનું દિવાળી વેકેશન, લગભગ એટલુંજ ક્રિસમસ વેકેશન. આટલું ઓછું હોય તેમ વર્ષના બાવન રવિવાર, અર્ધો દિવસ ભણાવતા બાવન શનિવાર, અર્ધો દિવસ ભણાવતા સરેરાશ ચાર શ્રાવણિયા સોમવાર અને ત્યારપછી આવે જાહેર રજાઓ.
આ સંજોગોમાં બાળક ભણે તો કેટલું અને શું ભણે ? એવી પણ દલીલો થાય છે કે 80 ટકા શિક્ષકોને સ્કૂલ કરતાં કોચિંગ ક્લાસ-ટયુશન વર્ગોમાં વધુ રસ હોય છે. શક્ય છે, કારણ કે કેટલીક ખાનગી સ્કૂલોમાં પગાર પત્રકમાં નોંધાયેલી રકમ કરતાં અર્ધી કે પા ગણી રકમ પગાર તરીકે ચૂકવાતી હોય છે. સંચાલકો અને શિક્ષકો વચ્ચેની આ સંતાકૂકડીમાં ખો નીકળે બાળકોનો.
કેટલાક શિક્ષકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે મતદાર યાદી અપડેટ કરવા માટે કે ચૂંટણીનાં કામકાજ માટે અમને રોકી રાખવામાં આવે છે એટલે શૈક્ષણિક કાર્યને હાનિ પહોંચે છે. આ ફરિયાદનો જવાબ સરકારે અને ચૂંટણી પંચે આપવાનો છે. આપણે બાળકોના શિક્ષણ પૂરતીવાત મર્યાદિત રાખીએ. ચીન, જાપાન અને હાલ અમેરિકા સામે બાંયો ચડાવી રહેલા કોરિયામાં 250થી 260 દિવસનું શૈક્ષણિક સત્ર હોય છે અને કેળવણીનું ધોરણ ચોક્કસ ધારાધોરણ મુજબનું રહે એની આકરી તકેદારી પણ રખાય છે. આપણે ત્યાં આવાં ધારાધોરણ કેટલીક સ્કૂલ્સમાં ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલ્સમાં જોવા મળે છે ખરા.
વડોદરામાં એક આર્કિટેક્ટ દ્વારા ચલાવાતી પાંચેક સ્કૂલ્સના પરિણામો રાજ્યકક્ષાએ 100 ટકા આવે છે. એના વહીવટી મંડળમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિવૃત્ત જજો તથા ટોચના કેળવણીકારો છે. કેટલીક સ્કૂલ્સમાં આ પ્રકારના સંચાલકો છે. સંચાલકો પોતે અંગત રસ લઇને સખ્ખત મહેનત કરે અને શિક્ષકો પાસે કરાવે તો દેખીતી રીતેજ ઉત્તમોત્તમ પરિણામ આવે. અને એ જરુરી પણ છે.
મ્યુનિસિપાલિટી સંચાલિત અને સરકારી સ્કૂલ્સમાં રામભરોસે કામકાજ થતું હોય છે એવા આક્ષેપ થતા રહ્યા છે. આવી ફરિયાદોમાં સત્યનો અંશ હોય છે. કેટલીક સરકારી સ્કૂલ્સમાં એક કરતાં વધુ શિક્ષકો ગેરહાજર હોય અથવા એક વર્ગમાં બે ધોરણના વર્ગ લેવાઇ રહ્યા હોય એવા પણ અખબારી અહેવાલો તસવીર સહિત પ્રગટ થતા રહ્યા છે. માત્ર શૈક્ષણિક વર્ષ બદલવાથી શિક્ષણનું ધોરણ સુધરી જશે એવુંં તો કેાઇ માનતું નથી. બાળક થોડું સમજણું થાય ત્યારે વાંચતાં લખતાં આવડે એટલું તો અનિવાર્ય ગણાવું જોઇએ. એવું કેમ નથી બનતું એનો જવાબ સંબંધિત નિશાળના આચાર્ય અને શિક્ષકો પાસે માગી શકાય. બધાં બાળકો ઠોઠ જન્મ્યાં હોય એવું ક્રૂર સર્જન કુદરત કદી કરતી નથી.
સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણની બાબતમાં સમાનતા (યુનિફોર્મિટીના અર્થમાં ) કેમ નથી ? દાખલા તરીકે ભારતમાં વિવિધ રાજ્યોમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ્સમાં ટીચીંગ ડેઝમાં ખાસ્સો ફરક છે. કેરળમાં પ્રાથમિક સ્કૂલ્સ વર્ષમાં સરેરાશ 192 દિવસ ભણાવે છે જ્યારે ઝારખંડ જેવા આદિવાસી રાજ્યમાં 249 દિવસ, પંજાબમાં 243 દિવસ, બિહારમાં 241 દિવસ, હરિયાણામાં 236 દિવસ અને મેઘાલયમાં 196 દિવસ ભણાવાય છે. આમ છતાં વૈશ્વિક દ્રષ્ટિએ ભારતની સ્કૂલ્સ કે કૉલેજ દુનિયાની પહેલી પચાસ શિક્ષણ સંસ્થામાં પણ નથી આવતી. આ તે કેવી શિક્ષણ નીતિ ?
એક અહેવાલ મુજબ ગુજરાત સરકાર એવો પણ નિયમ લાવી રહી છે કે પાઠય પુસ્તકો રાજ્યના શિક્ષણ મંડળે પ્રગટ કર્યા હોય એવાંજ માન્ય ગણાશે. સરકારી પાઠય પુસ્તકોમાં કેવા છબરડા હોય છે એના દાખલા આપવાની જરુર નથી. લોલે લોલ અને પોલે પોલ ચાલતી હોય છે. સરકારી પાઠય પુસ્તકો સ્કૂલ્સ શરુ થઇ ગયા બાદ બે ત્રણ મહિના સુધી મળતાં હોતાં નથી એ પણ આપણા સૌનો અનુભવ છે. આવી સમસ્યાનો કાયમી ઉકેલ કેમ શોધાય નહીં ? આવા અનેક સવાલો છે જેના જવાબ સત્તાધારી પક્ષે અને નેતાઓએ આપવાના છે. માત્ર જૂનને બદલે એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરુ કરી દેવાથી આવી સમસ્યાઓનો અંત આવવાનો નથી.