- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પીસાનો ટાવર સાડા પાંચ અંશ ઝુકેલો હતો જ્યારે આ મંદિર નવ અંશ (ડિગ્રી) ઝુકેલું છે. એને બાંધનારા સોમપુરા કેટલી હદે નિષ્ણાત હશે એની કલ્પના કરવા જેવી છે
ઇ ટાલીનો પીઝા કે પીસા ટાવર ટુરિસ્ટ્સ માટે એક અનેરું આકર્ષણ છે. વિશ્વની આઠ અજાયબીમાં પીસા ટાવરનો પણ સમાવેશ થાય છે. આશરે ૧૧૭૩માં ચણાયેલો આ પીસા ટાવર એના પાયામાં કોઇ ગડબડ થવાથી થોડો ઝુકી ગયો. જાણે કોઇને પ્રણામ કરી રહ્યો હોય. સફેદ આરસનો બનેલો આ ટાવર નરમ કહી શકાય એવી ભોંય પર ઊભો હોવાથી એક કરતાં વધુ વખત ધરતીકંપના આંચકા આવ્યા તો પણ ધરાશાયી થયો નથી.
છપ્પન ફૂટ ઊંચો આ ટાવર આઠ માળની ઇમારત છે અને એ પીસા શહેરમાં આવેલો છે. એક અંદાજ મુજબ વરસે પચાસ લાખથી વધુ પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે. ઇટાલીના અર્થતંત્રમાં આ પર્યટન સ્થળ દ્વારા થતી આવકનો પણ ફાળો છે. જે સમયે આ ટાવર બન્યો એ સમયે હજુ લીફ્ટ શોધાઇ નહોતી એટલે આ ટાવરની ટોચ પર જવા ઇચ્છતા પર્યટકે બસો ચોરાણું પગથિયાં ચડવાની તૈયારી રાખવી પડે. ૧૯૮૦ના દાયકામાં નિષ્ણાત એંજિનિયર્સ અને બિલ્ડર્સે એવો ભય વ્યક્ત કર્યો હતો કે આ ટાવરને તાબડતોબ મરમ્મતની જરૂર છે. એટલે ૧૯૯૦માં એના નવનિર્માણને હાથ ધરાયું હતું. મૂળ બાંધકામને યથાવત્ રાખી શકાય અને ઢળતો ટાવર અકબંધ રહે એ રીતે લગભગ દસ વર્ષ લગી કામ ચાલ્યું હતું. ત્યારબાદ નિષ્ણાતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આવતા બસો વરસ સુધી હવે પીસા ટાવરને કોઇ જોખમ નથી. આ ટાવર એક સમયે સાડા પાંચ અંશ (ડિગ્રી) ઢળેલો હતો. નવનિર્માણ પછી એનું ઢળાણ ઘટીને ૩.૯ ડિગ્રી રહી ગયું છે.
અત્યારે આ ટાવર યાદ આવવાનું બીજું કારણ છે. આપણે ભારતીયો ભવ્ય ભૂતકાળની મોટી મોટી ડંફાસો મારીએ છીએ પરંતુ આપણાં અજોડ કહી શકાય એવાં પ્રાચીન શિલ્પ-સ્થાપત્યોની ક્યારેય કાળજી કરતા નથી. પીસાના ટાવરને ટક્કર મારે એવું એક ઢળતું મંદિર વારાણસી (કાશી)માં છે. એ રત્નેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. સ્થાનિક લોકો એને માતૃઋણ મંદિર તરીકે પણ ઓળખે છે. એના ઢાળને કારણે એને કાશી કરવટ પણ કહે છે. (હિન્દીમાં કરવટ એટલે ઢાળ અથવા ઝુકાવ કે પડખું. કરવટ બદલના એટલે પડખું ફરવું) એનો ઢાળ એવો છે કે એ લગભગ વર્ષના આઠ નવ મહિના પુણ્યસલિલા ગંગામાં ડૂબેલો રહે છે એટલે એના દર્શન કરવાની શક્યતા રહેતી નથી.
આ રત્નેશ્વર મહાદેવ મંદિર આશરે સાડા ચારસો પાંચસો વરસ પહેલાં બંધાયું હતું. પીસાનો ટાવર સાડા પાંચ અંશ ઝુકેલો હતો જ્યારે આ મંદિર નવ અંશ (ડિગ્રી) ઝુકેલું છે. એને બાંધનારા સોમપુરા કેટલી હદે નિષ્ણાત હશે એની કલ્પના કરવા જેવી છે. વર્ષમાં માત્ર ત્રણ ચાર મહિના આ મંદિર ખુલે છે. મણીકર્ણિકા ઘાટ પર આ મંદિર આવેલું છે. અહીં ભગવાન શિવને વહાલો નંદી કે પાર્વતી નથી. એકલા અટુલા શિવજી અહીં બિરાજેલા છે. વાસ્તવમાં આ મંદિર મણીકર્ણિકા ઘાટ અને સિંધિયા ઘાટની વચ્ચોવચ ઊભું છે.
લોકવાયકા મુજબ શહેનશાહ અકબરના સાળા રજપૂત રાજા માનસિંઘના એક કારભારીએ પોતાની માતા રત્નાબાઇની યાદમાં આ મંદિર બંધાવ્યું હતું. પરંતુ જીવતેજીવ એણે પોતાની માતાની પૂરતી કાળજી લીધી નહોતી એટલે માએ એને શાપ આપ્યો હતો કે તું મારી યાદમાં જે બાંધકામ કરાવીશ એ અડગ નહીં રહે. પરિણામે મંદિર ઢળી ગયું. આ લોકવાયકાનો કોઇ પુરાવો મળતો નથી.અન્ય એક લોકવાયકા મુજબ મહારાષ્ટ્રના પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઇ હોલકરની એક દાસી રત્નાબાઇએ આ મંદિર બંધાવ્યું હતું.
અહલ્યાબાઇ હોલકરના શ્રાપથી આ મંદિર ઢળતું બની ગયું. આ વાતને સમર્થન આપે એવી કોઇ ઘટના પણ અહલ્યાબાઇ હોલકરના જીવન સાથે સંકળાયેલી મળી નથી. રત્નેશ્વર કયા કારણે ઝુકતું મંદિર બની ગયું એનો કોઇ સચોટ કારણ કે ઇતિહાસ મળતાં નથી. સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે બારે માસ પાણીમાં રહેવા છતાં મંદિરને જરાય ઘસારો કે નુકસાન થયું નથી. લાંબો સમય પાણીમાં ડૂબેલું રહેતું હોવાથી ન તો અહીં નિયમિત પૂજા કે જળાભિષેક થાય છે ન તો ઘંટનો રણકાર સંભળાય છે.
દર વરસે લાખો લોકો હરિદ્વાર, ઋષિકેશ અને વારાણસીની મુલાકાત લે છે. પરંતુ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારના પર્યટન વિભાગે કદી પ્રવાસીઓને આ મંદિર વિશે જાણ કરી નથી. પીસાના ટાવરની મુલાકાતે લાખો લોકો જાય છે. રત્નેશ્વર મહાદેવની મુલાકાતે બહુ ઓછા લોકો આવે છે. જો કે વરસના આઠ નવ માસ દર્શન બંધ રહેતાં હોવાથી કદાચ અહીં ઓછા પ્રવાસીઓ આવતાં હશે એમ માની શકાય.


