- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- નવાં જંગલો માટે તો જમીન રહી નથી એટલે જેટલાં જંગલ છે એટલાંનું રક્ષણ કરવું દરેક દેશ માટે અનિવાર્ય બની રહ્યું હતું
મ ગજતરંગી ભેજાવાળા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નીત નવા ગતકડાં કરે છે ત્યારે સમગ્ર યૂરોપના દેશોની રાતની નીંદર વેરણ થઇ ચૂકી છે. મોટાભાગના દેશોના શાસકો અત્યારે લમણાની નસો ફાટી જાય એટલું પ્રચંડ ટેન્શન અનુભવી રહ્યા છે. એનું કારણ પણ સમજવા જેવું છે. આ વર્ષના છેલ્લા સાત આઠ મહિનામાં લગભગ દરેક યૂરોપીય દેશનાં જંગલોમાં લાગેલા દાવાનળે રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને ગણ્યા ગણાય નહીં એટલા ડોલર્સનું નુકસાન કર્યું છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ)એ કરેલા સર્વેક્ષણ મુજબ આ દાવાનળે દસ લાખ હેક્ટર જમીનમાંની હરિયાળીને બાળીને રાખ કરી દીધી.
આ ભીષણ ખુવારીને સરળ ભાષામાં સમજીએ તો હાયકારો નીકળી જાય. એક હેક્ટર એટલે આશરે ૨ પોઇન્ટ ૪૭૧ એકર જમીન. એક એકર એટલે ૪,૮૪૦ (ચાર હજાર આઠસો ચાલીસ) ચોરસ વાર. હવે કેલક્યુલેટર લઇને ગણતરી કરો. દસ લાખ હેક્ટર એટલે કેટલા ચોરસવાર હરિયાળી બળીને રાખ થઇ ગઇ. આ લખાતું હતું ત્યારે પણ કેટલાક દેશોમાં જંગલની આગ હજુ ભભૂકી રહી છે અને લાયબંબા તથા અર્ધલશ્કરી દળો એને બુઝાવવા દિવસરાત પરસેવો પાડી રહ્યા છે. આ આગનું બીજું વિનાશક પાસું એ છે કે વૃક્ષોનાં લાકડાં બળવાથી કરોડો ટન કાર્બન ડાયોક્સાઇડ નામનો ઝેરી ગેસ હવામાં ભળી રહ્યો છે. માણસ અને પશુપક્ષીનાં જીવન પર પણ ગંભીર ખતરો પેદા થઇ રહ્યો છે. એનજીઓ દ્વારા રજૂ કરાયેલા આંકડા સાચા માનીએ તો ત્રણ કરોડ એંસી લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા થયો. ફરી ગણતરી માંડો. એક મેટ્રિક ટન એટલે એક હજાર કિલોગ્રામ. ત્રણ કરોડ એંસી લાખ ટન એટલે કેટલો ઝેરી ગેસ પેદા થયો.
યૂરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ કહે છે કે ૨૦૨૪ કરતાં ચાર ગણી વધુ જમીન આ દાવાનળમાં રાખ થઇ ગઇ. કુલ અઢારસો જંગલોમાં લાકડાં વાવાઝોડા જેવા તોફાની પવનના કારણે લાકડાં પરસ્પર ઘસાવાથી આગ લાગી હતી. પવનના કારણે આગને વધુ ફેલાઇ જતાં જરાય વાર લાગી નહોતી. આંખના પલકારામાં આગનો ફેલાવો બેફામ થઇ ગયો હતો. દાવાનળથી થતા નુકસાનનો અંદાજ કાઢીને જાહેર કરવાની પરંપરા યૂરોપિયન યુનિયને ૨૦૦૬માં શરૂ કરી હતી. છેલ્લા બે દાયકામાં દાવાનળની સંખ્યા અને સ્વરૂપ અનેકગણા વધી ગયાં હતાં. હવામાંથી ઝેરી વાયુ અને પ્રદૂષણ શોષી લેવા વૃક્ષો અનિવાર્ય છે. સાથોસાથ વાઇલ્ડ લાઇફ એટલે કે વનચર જીવો માટે પણ વિશ્વનાં બધા દેશો ગાઢ જંગલોને બચાવતાં રહ્યા હતા. લગભગ દરેક દેશમાં વસતિ વધતાં અને ઔદ્યોગીકરણ વધતાં નવાં જંગલો માટે તો જમીન રહી નથી એટલે જેટલાં જંગલ છે એટલાંનું રક્ષણ કરવું દરેક દેશ માટે અનિવાર્ય બની રહ્યું હતું.
આ સંજોગોમાં કુદરતી રીતે લાગેલી આગ આપણે કલ્પી પણ ન શકીએ એટલું બધું નુકસાન કરે છે. જંગલમાં આગ લાગે ત્યારે પશુપક્ષીઓની ચીસો અને ચિત્કાર વાતાવરણને બિહામણું બનાવી દે. કેટલાક જાનવરો હિંમત કરીને જંગલ છોડીને માનવ વસતિ તરફ આવી જાય ત્યારે બીજી ગંભીર સમસ્યા સર્જાઇ જાય. સૌથી મોટી વાત તો એ કે પર્યાવરણના રક્ષણ માટે જંગલો અનિવાર્ય હોય છે. જંગલ નષ્ટ થાય ત્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસાની આખું રૂતુચક્ર જોખમાઇ જાય. અત્યાર અગાઉ ૨૦૧૭માં જંગલોની આગે નવ લાખ નવાણું હજાર હેક્ટર જમીન પરની હરિયાળીને નષ્ટ કરી નાખી હતી.
આ વરસે સૌથી વધુ નુકસાન સ્પેન અને પોર્ટુગલને થયું. ઓગસ્ટની પાંચમીથી ૧૯મી વચ્ચે એટલી ભયંકર આગ લાગી કે આઇબિરિયામાં પંદર દિવસ પ્રચંડ ગરમી અને બફારાનું મોજું ફરી વળ્યું હતું. આ બંને દેશોને જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને માર્ગ વાહન વ્યવહાર થોડા દિવસ માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સ્પેનના કેટલાક વિસ્તારમાં તો હજુય આગ બુઝાઇ નથી. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા હતા. પોર્ટુગલના પીઓડાવ વિસ્તારનાં ૬૦ હજાર હેક્ટર જંગલ બળીને રાખ થઇ ગયા હતા. જો કે સ્પેન કરતાં પોર્ટુગલમાં હવામાન થોડું ઠંડું હોવાથી લોકોને થોડીક રાહત મળી હતી.
હજુ તો યૂરોપિયન યુનિયનના બે દેશોની નુકસાનીના આંકડા જાહેર થયા છે. અન્ય દેશોના દાવાનળની વાત તો હજુ પૂરેપૂરી જાહેર થઇ નથી. બીજી બાજુ ટ્રમ્પ જેવા મિથ્યાભિમાની નેતાઓ ગાંડી ઘેલી જાહેરાતો કરીને ટેન્શન વધારી રહ્યા છે. આવનારો સમય કહેશે કે ટ્રમ્પના નિર્ણયો કેટલા સંકુચિત અને વાહિયાત હતા.


