- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- 30મી નવેમ્બર યોજાએલા લીલામમાં 'ભગવાન ઇશુ વધસ્તંભ પર' નામ ધરાવતું આ ચિત્ર 28 લાખ અમેરિકી ડોલર્સમાં વેચાયું.
ડિ સેંબર મહિનો ચાલી રહ્યો છે. ખ્રિસ્તી સમાજમાં ડિસેંબર એટલે ભગવાન ઇસામસીહના પ્રાગટયનો મહિનો. નાતાલ અને સાન્ટાક્લોઝનો મહિનો. અંગ્રેજી કેલેન્ડરનો છેલ્લો મહિનો. ઉત્સવ, ઉજવણી અને આનંદપ્રમોદનો મહિનો. આ મોજમસ્તીના મહિનામાં દુનિયાભરના ખ્રિસ્તી સમાજને અનેરો આનંદ થાય એવી એક ઘટના નવેંબરની છેલ્લી તારીખે ત્રીસમીને રવિવારે ફ્રાન્સમાં બની ગઇ. છેલ્લાં ચારસો ચારસો વર્ષથી ગૂમ થયેલું મનાતું એક અજોડ પેઇન્ટીંગ મળી આવ્યું. આ પેઇન્ટીંગમાં ભગવાન ઇસુને વધસ્તંભ પર ચડાવ્યા એ દ્રશ્યને કંડારવામાં આવ્યું છે. જે ચિત્રશૈલીમાં આ પેઇન્ટીંગ બન્યું છે એ શૈલીમાં ભગવાનને વધસ્તંભ પર ચડાવ્યાનું આ એકમાત્ર પેઇન્ટીંગ હોવાનું કહેવાય છે આ પેઇન્ટીંગનું લીલામ યોજાતાં એ લગભગ ૨૮ લાખ ડોલર્સમાં વેચાયું. એ વિશે વિગતે વાત કરવા અગાઉ આ પેઇન્ટીંગ વિશે થોડી વાતો કરવી યોગ્ય રહેશે.
૧૫૭૭ના જૂનની ૨૯મીએ જર્મનીમાં વસતા મારિયા અને જેન રુબેન્સને એક પુત્ર જન્મ્યો. એ છોકરો બાળપણથી સરસ પેઇન્ટીંગ કરતો થયો. યુવાન થતાં આ પુત્ર પીટર પોલ રુબેન્સ એક દક્ષ રાજનીતિજ્ઞા, અવ્વલ દરજ્જાના પેઇન્ટર અને કલાપ્રેમી તરીકે પંકાયો. ખૂબ વગદાર કલાકાર તરીકે એમની નામના હતી. એમણે ચીતરેલાં ફ્લેમિશ બેરોક્ શૈલીનાં ચિત્રોની બહુ મોટી માગ રહેતી. ફ્લેમિશ બેરોક્ શૈલીનાં ચિત્રોમાં જોનારને તરત આકર્ષી લે એવા બ્રાઇટ કલર્સ અને વર્ણ્યવિષયની સ્પષ્ટ આકૃતિ ઉપસાવવામાં આવતી. ચિત્રમાં પ્રકાશ આયોજનનું ખાસ મહત્ત્વ રહેતું. પૌરાણિક અને ધાર્મિક કથાવસ્તુ આધારિત પેઇન્ટિંગ્સ આ શૈલીના ચિત્રકારો ખાસ બનાવતા. જગપ્રસિદ્ધ ઇટાલિયન બેરોક્ પેઇન્ટર સેરાવેગીઓની અસર સર પીટર પોલ રુબેન્સ પર હતી. એ સમયના ફ્લેમિશ બેરોક્ શૈલીના ટોચના કલાકારોમાં પીટર પોલ રુબેન્સ ઉપરાંત એન્થની વાન ડાઇક અને જોસેફ જોર્ડીયેન્સ મુખ્ય હતા.
સમર્થનવિહોણા અહેવાલ મુજબ પીટર રુબેન્સે ઇશુના વધસ્તંભને નિરુપતું આ એકમાત્ર પેઇન્ટીંગ બનાવ્યું હતું. આ ચિત્ર ખરીદવા એ સમયના અમીર-ઉમરાવોમાં અંદર અંદર સ્પર્ધા જાગી હતી. વાત વધી પડી અને સામંતો તલવારબાજી પર આવી જાય એવી પરિસ્થિતિ સર્જાઇ. ત્યાં અચાનક એવી વાતો વહેતી થઇ કે પીટર રુબેન્સના સ્ટુડિયોમાંથી આ ચિત્ર ગૂમ થયું છે. એ ચોરાયું છે કે ઇરાદાપૂર્વક ગૂમ કરી દેવામાં આવ્યું છે કે કોઇ મેલી રમત રમાઇ ગઇ છે ? આ બધા સવાલોના જવાબ કોઇને ક્યારેય મળ્યા નહીં. આ વાતને ચારસો વર્ષ વીતી ગયા.
ફ્રાન્સના એક જગપ્રસિદ્ધ લીલામ ઘર ઓશનેટના માલિક જ્યોં પીયરેએ આ ચિત્ર ૨૦૨૪ના સપ્ટેંબરમાં એક ખાનગી કલાપ્રેમીને ત્યાં જોયું. એની અનુભવી આંખોએ તરત ચિત્રનો મહિમા પારખી લીધો. એણે પાછળથી મિડિયાને કહ્યું, મારા દિલમાં એક અવાજ ઊઠયો, આ ચિત્ર મહામૂલું છે, તું એને ખરીદી લે. થોડું મનોમંથન કર્યા પછી ઓશનેટે એ ચિત્ર ખરીદી લીધું. પહેલાં એને પ્રાચીન પેઇન્ટીંગ્સ સાફ કરનારા અનુભવી પાસે સાફ કરાવ્યું. પછી રુબેન્સનાં પેઇન્ટીંગ્સના અભ્યાસી સમીક્ષકોને દેખાડયું. આ પ્રકારના પેઇન્ટીંગ્સની અસલિયત પારખવાની જે જે કસોટીઓ આજના યુગમાં ઉપલબ્ધ છે એ બધી કસોટીઓ અજમાવી. એ બધાંમાં આ પેઇન્ટીંગ એકસો ટકા પાર ઊતર્યું. આ તો ૨૪ કેરેટની શુદ્ધ સોનાની લગડી !
લીલામ યોજવા અગાઉ સેંટ રોશ ચર્ચમાં થોડા સમય માટે આ પેઇન્ટીંગ લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાંઆવ્યું. એ પછી ઓશનેટ ઓક્શનરે યૂરોપના માતબર અખબારોમાં આ પેઇન્ટીંગના લીલામની જાહેર ખબર આપી. તારીખ અને સ્થળ જણાવ્યું. લઘુતમ પ્રાઇઝ કેટલી રહેશે એની વિગતો આપી. પેઇન્ટીંગ કઇ કઇ કસોટીમાંથી પાર ઊતર્યું છે અને રુબેન્સની ચિત્રકલાના કયા કયા અભ્યાસીએ એના પર અસલ હોવાની ખાતરી આપી છે એ બધી વિગતો જાહેર ખબરમાં પ્રગટ કરી. સાથોસાથ એક ખાસ બ્રોશર પણ પ્રગટ કર્યું. એની મહેનત રંગ લાવી. ૩૦મી સપ્ટેંબરે ફ્રાન્સના વર્સેલ્સમાં લીલામ યોજાયું. એમાં યૂરોપના માલેતુજાર લોકો હાજર હતા. સાથોસાથ કેટલાય આસ્થાળુઓએ પણ હાજરી આપી. એમની દલીલ એવી હતી કે અમે ભલે આ ચિત્ર ખરીદી ન શકીએ પણ ભગવાનના વધસ્તંભના ચારસો વર્ષ પુરાણા ચિત્રના દર્શન તો કરી શકીએ ને ! દુનિયાભરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયામેન પણ મોટી સંખ્યામાં હાજર હતા.
૩૦મી નવેમ્બર યોજાએલા લીલામમાં 'ભગવાન ઇશુ વધસ્તંભ પર' નામ ધરાવતું આ ચિત્ર ૨૮ લાખ અમેરિકી ડોલર્સમાં વેચાયું. કેટલાક ચર્ચ તરફથી એવી ઇચ્છા વ્યક્ત કરાઇ હતી કે આ પેઇન્ટીંગ અમને (ચર્ચને ) દાનમાં આપો. જો કે ખરીદનારે શો નિર્ણય લીધો એ આ લેખ લખાતો હતો ત્યાં સુધી તો જાહેર થયું નહોતું.


