Get The App

સિંગલ મધરને આવકારવા ચીન તૈયાર

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
સિંગલ મધરને આવકારવા ચીન તૈયાર 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ચીનની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવા સાથે સિંગલ મધરની સંખ્યા વધતી ચાલી છે,ભારતમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવા સાથે ડાઇવોર્સની સંખ્યા વધતી ચાલી છે.

ત મે નિયમિત અખબારો અને સામયિકો વાંચતાં હો તો એક નવીનતા  જરૂર તમારા ધ્યાનમાં આવી હશે. કેટલાક  લેખક-લેખિકાઓ હવે પોતાનાં નામ સાથે પોતાની માતાનું નામ લખતાં થયાં છે. અહીં કોઇનું નામ લેવાની આવશ્યકતા નથી. એક નામ બસ છે. બોલિવૂડના ધુરંધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી. અગાઉ આવું નહોતું. વણલખી એક પરંપરા હતી કે વ્યક્તિના નામ સાથે એના પિતાનું નામ જોડાય. હવે એ પરંપરા લગભગ નષ્ટ થવા આવી છે. પિતાનું નામ નહીં લેવા પાછળ ગમે તે કારણ હોય, વ્યક્તિ પોતાની માતાનું નામ પોતાના નામ સાથે જોડે ત્યારે માતાનો મહિમા વધે છે. સમાજ ભલે એને સિંગલ મધર તરીકે ઓળખે, સંતાન માટે માતા ભગવાન બરાબર હોય છે.

આ વાત અત્યારે યાદ આવવા પાછળ એક મહત્ત્વના સમાચાર છે. હાલ ભારતની વસતિ ૨૦૨૩ની વસતિ ગણતરી પ્રમાણે એક અબજ ૪૩ કરોડ છે. એજ વર્ષની વસતિ ગણતરી મુજબ ચીનની વસતિ એક અબજ ૪૧ કરોડની હતી. પુરુષોની પ્રજનન શક્તિ વિશે થયેલા એક સર્વે મુજબ હાલ સૌથી વધુ ફળદ્રુપ પુરુષો મોંગોલિયાના છે. બીજા ક્રમે ઇન્ડોનેશિયા અને ત્રીજા ક્રમે ભારતનું નામ છે. ચીનનો ક્રમ છેક આઠમો છે. ચીનને વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા બનવાના હેવા છે. પરંતુ ચીનની સરકાર દ્રઢપણે માને છે કે એની વસતિ ઘટી રહી છે. એટલે ચીન વસતિ વધારવા જાતજાતનાં પગલાં લઇ રહ્યું છે.

એમ તો ભારતમાં પણ હિન્દુઓની વસતિ વધારવાની હાકલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતજીથી માંડીને વિવિધ સાધુસંતો સતત કરી રહ્યા છે. એમને એમ લાગે છે કે હિન્દુઓની વસતિ ભયજનક રીતે ઘટી રહી છે. ખેર, આપણે હાલ ચીનની વાત કરી રહ્યા છીએ. ચીને જે કેટલાંક મહત્ત્વનાં પગલાં લીધાં છે એમાંનું એક પગલું સિંગલમધરના સ્વીકારનું છે. જો કે ચીનની સરકારે સત્તાવાર રીતે હજુ સિંગલ મધરને માન્યતા આપી નથી. હજારો વરસથી ચીનમાં સિંગલ મધર તરફ એક પ્રકારના તિરસ્કારથી જોવાની પરંપરા હતી. 

હવે સિંગલ મધર તરફ થોડીક, હા થોડીક જ સહાનુભૂતિની નજરે જોવાની શરૂઆત થઇ છે. સમાજમાં એક વર્ગ એવું સ્વીકારતો થયો છે કે સિંગલ મધરના પ્રકારો ઘણા હોય છે. બધી સિંગલ મધર કુલટા કે લગ્ન બાહ્ય સંબંધવાળી હોતી નથી. વિધવા, ડાઇવોર્સી કે ત્યક્તા મહિલા પણ સિંગલ મધર હોઇ શકે છે. એક સર્વે મુજબ હાલ ચીનમાં દર એકસો બાળકોએ એક બાળક સિંગલ મધરનું હોય છે. ધીમે ધીમે સિંગલ મધરના સામાજિક સ્થાનમાં સુધારો થઇ રહ્યો છે. 

સિંહુઆ ન્યૂઝ એજન્સીએ કેટલીક સિંગલ મધર્સના ઇન્ટરવ્યૂ કર્યા હતા. એમાં કેટલીક માતાઓ એવી  હતી જેમને કોઇની સાથે પ્રેમ હતો.

પાછળથી પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી પ્રિય પાત્રને દગો આપ્યો હતો. પ્રેમમાં પડયા પછી કોઇ નબળી પળે બંને પાત્રોએ પરસ્પરની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હશે એટલે પુરુષે દગો આપ્યો ત્યારે યુવતી ગર્ભવતી હશે. એવી કેટલીક યુવતીઓએ કહ્યું કે માતા બન્યાનું અમને ગૌરવ છે. પ્રિય પાત્ર બાયલો નીકળ્યો અથવા કૌટુંબિક જવાબદારી લેવા તૈયાર નહોતો. એવા પુરુષ સાથે જીવન જોડવા કરતાં એકલા રહેવું સારું છે. સ્વતંત્રતા ઉપરાંત મારા લોહીમાંસમાંથી જે સંતાન પ્રગટયું છે એની સાથે હું મોજથી રહું છું. નોકરી કરું છું અને મારા બાળકને ઊછેરું છું. હું પરાવલંબી નથી. મારે કોઇની ગુલામી કરવાની નથી. કોઇની જોહુકમી સહન કરવાની નથી. કેટલાક કિસ્સા એવા પણ હોય છે જેમાં પતિ હિંસક સ્વભાવનો હોય, શરાબી કે જુગારી હોય અને પત્ની બાળક સાથે ઘર ત્યજી ગઇ હોય.

રસપ્રદ વિગત એ છે કે સૌથી વધુ સિંગલ મધર્સ આજે પણ યૂરોપના દેશોમાં છે. ડેન્માર્ક, જર્મની, આયર્લેન્ડ, નોર્વે, બેલ્જિયમ અને ઇંગ્લેંડમાં કુલ વસતિના લગભગ નવ ટકા જેટલી માતાઓ સિંગલ મધર છે. જો કે યૂરોપના દેશોમાં લગ્ન પ્રથા એશિયાઇ દેશો જેટલી સુદ્રઢ રહી નથી. હવે તો ભારતમાં પણ ડાઇવોર્સની સંખ્યા વધતી ચાલી છે. ફરક માત્ર એટલો છે કે ચીનની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવા સાથે સિંગલ મધરની સંખ્યા વધતી ચાલી છે, બીજી બાજુ ભારતની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવા સાથે ડાઇવોર્સની સંખ્યા વધતી ચાલી છે.

જો કે ચીનની સિંગલ મધર્સને કેટલીક સરકારી સુવિધાઓ મળતી નથી કારણ કે હજુ ચીનની સરકારે સિંગલ મધર્સને કાયદેસર માન્યતા આપી નથી. આપણે ત્યાં પણ સિંગલ મધર્સને કાયદેસર માન્યતા નથી. આમ છતાં ચીની સિંગલ માતાઓ ભરપુર આત્મવિશ્વાસથી અને હિંમતથી સંજોગોનો સામનો કરે છે. વસતિ વધારવાની ચીનની ઇચ્છા હોવા છતાં હાલ સિંગલ માતાઓને કાનૂની પીઠબળ નથી. વહેલામોડા ચીને સિંગલ માતાઓને માન્યતા આપવી પડશે એમ ચીની સમાજવિદો માને છે. 

Tags :