કસાયેલા કસરતબાજ પણ કડડભૂસ... .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- આ લોકો ચૂપચાપ પેલા વિસ્તારમાં જવાને બદલે પોલીસવાનની સાઇરન વગાડતા વગાડતા ગયા એટલે અપહરણ કરનારી ટોળી ચેતી ગઇ.
દ ર અઠવાડિયાની જેમ ચર્ચમાં સાપ્તાહિક પ્રાર્થના થઇ ગઇ. એ પછી અત્યંત પ્રભાવશાળી કંઠ ધરાવતા અને ઉત્તમ વક્તા એવા પાદરીએ પ્રવચન શરૂ કર્યું. આ પાદરીની કથનશૈલી એટલી બધી સરસ હતી કે ચર્ચમાં હાજર રહેલા સૌ પાદરીના વાણીપ્રવાહમાં વહેતા હતા. અચાનક એક ધડાકો થયો. કેટલાક હથિયારધારી લોકો ચર્ચમાં ધસી આવ્યા. કોઇને કશું સમજાય એ પહેલાં પાદરીનું અપહરણ કરીને બહાર ઊભેલા વાહનમાં નાસી ગયા. ચર્ચમાં સન્નાટો છવાઇ ગયો. થોડી ક્ષણો સુધી નીરવ શાંતિ છવાયેલી રહી. એ પછી કોઇએ પોલીસને જાણ કરી.
વાત દક્ષિણ આફ્રિકાના એક શહેરની છે. એ શહેરનું નામ એવું વિચિત્ર છે કે બોલતાં બોલતાં આપણી જીભના લોચા વળી જાય. ઇસ્ટર્ન કેપના ક્વામેક્ષાકી વિસ્તારમાં આ ઘટના બની ત્યારે આખા ઇસ્ટર્ન કેપમાં ખળભળાટ મચી ગયો. એનું કારણ સ્પષ્ટ હતું. આ પાદરી અમેરિકાના ટીનેસી પ્રાંતમાંથી મહેમાન તરીકે આવ્યા હતા. માત્ર ૩૪ વર્ષના આ પાદરીનું નામ જોશ સુલીવાન. એ ખૂબ લોકપ્રિય વક્તા હતા. ખ્રિસ્તી ધર્મની વિશેષતાઓ એવી સરસ રીતે સમજાવતા કે સાંભળનાર મુગ્ધ થઇને સાંભળ્યા કરે.
વિદેશી પાદરીનું અપહરણ થાય અને એ પણ અમેરિકી પાદરીનું તો સાઉથ આફ્રિકા ટેન્શનમાં આવી જાય એ સમજી શકાય એવી ઘટના હતી. ડરતાં ડરતાં લોકલ પોલીસ કમિશનરે સંબંધિત ગૃહપ્રધાનને જાણ કરી. અમેરિકાને પણ વિધિસર જાણ કરવામાં આવી. અમેરિકાએ હૉક્સ તરીકે જાણીતી એની કમાન્ડો ટાઇપની ફોજને તૈયાર કરી. આ બાજુ અપહરણકર્તાઓએ ક્વામેક્ષાકીના સ્થાનિક વહીવટી તંત્રને સંદેશો મોકલ્યો- આ વિદેશી જીવતો પાછો જોઇતો હોય તો અમને આટલા લાખ અમેરિકી ડોલર્સ મોકલો. મુદત આપી છે. જરા પણ ચાલાકી કરવા જશો તો આ માણસની લાશ મળશે.
સામાન્ય રીતે તમે કોઇ પણ ટ્રાવેલ એજન્સી દ્વારા આફ્રિકન દેશોનો પ્રવાસ નક્કી કરો ત્યારે કડક શબ્દોમાં ટ્રાવેલ એજન્ટ સૂચના આપી દેતાં હોય છે કે આફ્રિકી દેશોમાં વસતા બિનગોરા લોકો ખૂબ આક્રમક અને ગુસ્સાવાળા હોય છે એટલું જ નહીં, એ લોકો ગમે ત્યારે પાંચ પંદર રૂપિયા માટે પણ તમને મરણતોલ મારપીટ કરી શકે છે. માટે જ્યાં જાઓ ત્યાં તમારા ગ્રુપની સાથે રહેજો. ગાઇડના સૂચનનું પાલન કરવાનું ચૂકતાં નહીં. તમારા જાનમાલની સલામતી માટે આ પગલાં જરૂરી છે. અમદાવાદના એક અધ્યાપક કસરતી કાયા ધરાવે એટલે નાઇરોબી અને યુગાન્ડાના પ્રવાસે ગયેલા ત્યારે એકલા ફરવા નીકળ્યા. એમને અગાઉથી ચેતવવામાં આવેલા કે આવું અવિચારી સાહસ કરતા નહીં. આ અધ્યાપકને પોતાની કસરતી કાયા પર બહુ ભરોસો. સામેથી એક છ ફૂટ બે ઇંચનો બિનગોરો યુવાન આવતો હતો. નાના બાળકને લપડાક મારતો હોય એમ આરામથી આ અધ્યાપકના હાથમાંનું પાકિટ લઇ લીધું. અધ્યાપક મોં વકાસીને જોઇ રહ્યા.
સદ્ભાગ્યે પાદરી જોશ સુલીવાનને એવી કોઇ મારપીટ થઇ નહીં. અમેરિકી હૉક્સના કમાન્ડો જોહાનિસબર્ગથી ખાસ વાહનમાં ક્વામેક્ષાકી પહોંચી ગયા. દરમિયાન સ્થાનિક પોલીસની ગુપ્તચર ખાતાએ પોતાની રીતે બૂરખાધારી ટોળીની કરમકુંડળી મેળવી લીધી હતી. આ ટોળી કયા વિસ્તારમાં હોઇ શકે એનો પણ ક્યાસ કાઢી લીધો. એટલે હૉક્સના કમાન્ડો આવ્યા એની સાથે સ્થાનિક પોલીસના શૂટર્સ પણ જોડાયા. ભૂલ એટલી જ થઇ કે આ લોકો ચૂપચાપ પેલા વિસ્તારમાં જવાને બદલે પોલીસવાનની સાઇરન વગાડતા વગાડતા ગયા એટલે અપહરણ કરનારી ટોળી ચેતી ગઇ. એ લોકોએ પોતાના કાયમી મકાનમાં વ્યૂહાત્મક સ્થળોએ પોઝિશન લઇ લીધી.
હજુ તો પોલીસ વાન આ વિસ્તારમાં પ્રવેશે ત્યાં સામેથી ગોળીબાર શરૂ થઇ ગયા. ધાણી ફૂટતી હોય એમ ગોળીઓ વછૂટતી હતી. સમયસૂચકતા વાપરીને પોલીસે માઇકમાં સ્થાનિક નાગરિકોને પોતપોતાના ઘરમાં ચૂપચાપ બેસી રહેવાની તાકીદ કરી. બીજી બાજુ હૉક્સના કમાન્ડોએ પોતાની રીતે આખા વિસ્તારનો ક્યાસ કાઢી લઇને જુદી તરકીબ અજમાવી. એકધારા ગોળીબારથી ગભરાઇને કે અન્ય કારણે પોલીસ
પાછી જતી રહેતી હોય એમ પોલીસનાં વાહનોને પાછાં જવાનો સંકેત કર્યો. પછી અપરાધીઓની જેમ પોતાના ચહેરા પર માસ્ક લગાડીને આસપાસનાં મકાનોનાં ધાબા પર ચડી ગયા. વાંદરા જે સહેલાઇથી એક પછી એક ઝાડની ડાળીઓ ઠેકતા જાય એવો વ્યૂહ કમાન્ડોએ અજમાવ્યો. બબ્બેની જોડીમાં હૉક્સના કમાન્ડો એક પછી એક ધાબા કૂદતા કૂદતા ગુંડા ટોળકીના મકાનના ધાબા સુધી પહોંચી ગયા.
પછી તો કસાયેલી કાયા ધરાવતા કમાન્ડો અને પડછંદ કાયા ધરાવતા નીગ્રો ગુંડાએ વચ્ચે કરાટે અને કૂંગ ફૂના દાવ પણ રમાયા. પોતે ફાવી શકે એમ નથી એવું લાગતાં ગુંડાઓએ મકાનના બીજા ત્રીજા મજલેથી ઠેકડા માર્યા અને નાસવા લાગ્યા. પણ એમ કંઇ કમાન્ડો એ લોકોને નાસવા દે ? નાસી રહેલા ચાર ઠાર થયા અને બેને જીવતાં પકડી લેવામાં આવ્યા. એ લોકોએ કબૂલ કર્યું કે નાણાં મેળવવા આ અપહરણ કર્યું હતું. જોશ સુલીવાનને ઊગારી લેવામાં આવ્યા. એ પોતાનાં પત્ની બાળકોને મળ્યા અને ટૂંકી રજા લઇને અમેરિકા પાછાં ફર્યા. તમે ફરી સાઉથ આફ્રિકા જશો કે એવા સવાલના જવાબમાં જોશે કહ્યું હું પરમેશ્વરનું કામ કરું છું. કશાથી ડરતો નથી. જરૂર જઇશ. ઇસા મસીહ મારી સાથે છે.