- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- શરૂમાં માત્ર શોખને કારણે અર્ની શિકાર કરવા જતા. પાછળથી એમને શિકારનું વ્યસન થઇ ગયું
બૈ જુ બાવરા, મધર ઇન્ડિયા અને મુઘલ-એ-આઝમ જેવી ફિલ્મોમાં સદાબહાર સંગીત પીરસનારા સંગીતકાર નૌશાદના ઘરે જવાની તક ક્યારેય મળી છે ખરી ? મળી હોય તો તમે જીવનભર એ સ્થળ ભૂલી ન શકો. મુંબઇના ઉપનગર વાંદરાના સી ફેસ વિસ્તારમાં આવેલા આશિયાના નામના બંગલામાં નૌશાદ રહેતા. બંગલાના વિશાળ દિવાનખાનામાં નજર કરતાં છક થઇ જાઓ. લગભગ આઠ દસ ફૂટ લાંબી અને દોઢેક ફૂટ પહોળી કાચની પેટીમાં એક બેંગાલ ટાઇગરના નામે ઓળખાતા વાઘની કાયા મસાલો ભરીને રાખેલી. આજે તો નૌશાદ હયાત નથી. કારકિર્દીના એક તબક્કે એ ઘેરા ડિપ્રેશનનો શિકાર થઇ ગયેલા. એક મનોચિકિત્સક મિત્રની સલાહથી એ ઉત્તર ભારતના જંગલમાં વાઘનો શિકાર કરવા ગયેલા. એમના નસીબે યારી આપી અને એક બેંગાલ ટાઇગરનો શિકાર કર્યો. એ વાઘની કાયા મસાલો ભરીને યાદગીરી રૂપે રાખેલી.
આ તો એક વાઘના દેહની વાત થઇ. અહીં જે વિશ્વવિખ્યાત શિકારીની વાત કરવી છે એના બંગલામાં માત્ર વાઘ કે સિંહ નહીં, આફ્રિકાના જંગલમાં જેટલા પ્રાણીઓ છે એ દરેકની કાયા મસાલો ભરીને રાખી છે. એક વિશાળ ખંડ આવાં વિકરાળ પ્રાણીઓની કાયાથી ભરેલો છે. આ ખંડની દેખરેખ માટે જંગલી જાનવરોના અભ્યાસી નોકર ચાકર રાખેલા છે. છેલ્લાં ચાલીસ પચાસ વરસથી આફ્રિકાનાં જંગલોમાં એક પછી એક શિકાર કરનારા એ જગવિખ્યાત શિકારીના કરુણ મોતના સમાચારો ગયા અઠવાડિયે યૂરોપનાં પ્રતિષ્ઠિત અખબારોમાં પહેલે પાને ચમક્યા હતા. સાથે આ ધનાઢય શિકારીનો એક મરેલા સિંહ સાથે ફોટો પણ પ્રગટ કરાયો હતો.
એ શિકારી વિશે વધુ વાત કરવા પહેલાં એક સ્પષ્ટતા. આ માણસ પોચર નહોતો. પોચર એટલે દુર્લભ ગણાતા પ્રાણીનો ચોરીછૂપીથી ગેરકાયદે શિકાર કરનાર ગુનેગાર. આ શ્રીમંત શિકારી પાસે તો અમેરિકા અને યૂરોપના દેશોએ આપેલા લાયસન્સ હતાં. એ લાયસન્સના જોરે એ આફ્રિકાનાં ઘનઘોર જંગલમાં શિકાર કરવા જતા. ક્યારેક કોઇ વાઘ કે સિંહ માનવભક્ષી થઇ ગયા હોય અને જે તે સરકાર તરફથી એમને સંદેશો મળે એટલે આ શિકારી ખાસ ગન અને પોતાના સાથીદારોને લઇને આફ્રિકા ઉપડી જતા. માનવભક્ષી બની ગયેલા વાઘ યા સિંહનો શિકાર કરીને પછી એના શરીરમાં મસાલો ભરીને પોતાના જેવા કોઇ શાખીનને એ ભેટ આપી દેતા. અર્નીના ટ્રોફી રૂમમાં હાથી, ગેંડો, જંગલી આખલો, તગડા મગર, રીંછ, સિંહ અને ઝેબ્રા જેવા પ્રાણીઓના શરીર જોવા મળે. ભારતમાં રાજાશાહી હતી ત્યારે ઘણા રાજાઓએ આ રીતે પોતે શિકાર કરેલા જાનવરના દેહને કાચની પેટીમાં રાખવાની આદત કેળવેલી. આવાં મૃત શરીર ટ્રોફી તરીકે રખાતાં.
આપણે જેની વાત કરવાની છે એ શ્રીમંત શિકારીનું નામ અર્ની ડોઝિયો. અમેરિકાના કેલિફાર્નિયા સ્ટેટમાં અર્ની વિશાળ વાઇનયાર્ડ ધરાવતા હતા. એમને ત્યાં ખાસ પદ્ધતિથી તૈયાર કરાયેલો વાઇન (એક પ્રકારનો શરાબ) અમેરિકા અને યૂરોપના દેશોમાં ખૂબ પીવાતો. એને બે દીકરા છે જેમાંનો મોટો દીકરો આ વાઇનયાર્ડ સંભાળતો હતો અને નાનો દીકરો ફળવાડી સંભાળે છે. એની ફળવાડીમાં ઊગાડાતી દ્રાક્ષનો અને અન્ય ફળોનો વાઇન અર્નીના વાઇનયાર્ડમાં બને છે અને દુનિયાભરમાં જાય છે.
શરૂમાં માત્ર શોખને કારણે અર્ની શિકાર કરવા જતા. પાછળથી એમને શિકારનું વ્યસન થઇ ગયું. માણસને ડ્રગ કે સિગારેટની ટેવ પડી જાય એમ અર્નીને શિકારની ટેવ પડી ગયેલી. એણે અમેરિકા, આફ્રિકા અને યૂરોપના થોડાક દેશમાં અરજી કરીને જંગલી જાનવરોના શિકારનું લાયસન્સ મેળવેલું. ઇવન વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ જેવી સંસ્થાએ પણ અર્નીના શિકાર શૉખને માન્યતા આપેલી. ટીકાકારો એમ પણ કહેતા કે અર્નીએ પોતાના પૈસાના જોરે આ લાયસન્સ મેળવેલાં છે.
ખેર, ગયા પખવાડિયે અર્ની અને એના બે સાથીદારો આફ્રિકાના જંગલમાં શિકાર કરવા ગયેલા. હરણને મળતા આવતા એક એન્ટીલોપ નામના પ્રાણીનો શિકાર કરવાનો હતો. અર્ની માટે આ શિકાર ચપટી વગાડવા જેવો આસાન ગણાય. હકીકતમાં એનું મોત એને પોકારી રહ્યું હતું. એને એક શ્રીમંત તરફથી ૩૦ હજાર બ્રિટિશ પાઉન્ડની વરદી મળેલી. આ વરદી ચિકારા કે ડુઇકર તરીકે ઓળખાતા આફ્રિકી હરણના શિકારની હતી. આત્મવિશ્વાસથી ભરપુર અર્ની અને એમના બે સાથી શિકારીઓ ગીચ જંગલમાં ઘૂમી રહ્યા હતા. એક સ્થળે ચાર પાંચ ડુઇકર દેખાયાં. અર્ની અને એનો એક સાથીદાર ઘટાદાર વૃક્ષ પાછળ છૂપાયાં.
એ જ સમયે એમની પાછળથી ઉશ્કેરાયેલા ચાર પાંચ હાથીઓ ત્યાં ધસી આવ્યા. અર્ની કે એના સાથીદારને કંઇ સમજાય એ પહેલાં આ હાથીઓ બંને પર તૂટી પડયા. કદાચ ભૂતકાળમાં આ બંનેએ કોઇ હાથીનો શિકાર કર્યો હશે એ ધસી આવેલા હાથીઓને યાદ હશે. હાથીની યાદશક્તિ ફોટોજેનિક ગણાય છે. એ કદી કોઇ વાત ભૂલતો નથી એમ નિષ્ણાતો કહે છે. ગુસ્સે ભરાયેલા હાથીઓએ આ બંનેને રીતસર છૂંદી નાખ્યાં. એ હાથીઓની રાડારાડ સાંભળીને આસપાસ રહેતા આદિવાસીઓ સમજી ગયા કે હાથીઓે ગુસ્સામાં છે, જરૂર કોઇ જીવજનાવર પર તૂટી પડયા હશે. થોડા કલાકો પછી આદિવાસીઓ એ સ્થળે પહોંચ્યા ત્યારે લોંદા જેવા બની ગયેલાં બે શરીર જોયાં. અર્નીના કાંડા ઘડિયાળ, વસ્ત્રો અને સોનાની વીંટી યા ચેન પરથી અર્નીનો પાર્થિવ દેહ ઓળખાયો.
આદિવાસીઓએ તરત જંગલ ચોકિયાત દળને જાણ કરી. જંગલ ચોકિયાત દળે અર્નીનાં વસ્ત્રો અને અન્ય ચીજો પરથી એમને ઓળખ્યા. તરત સરકારી અધિકારીઓને જાણ કરી, અમેરિકા સંદેશો પહોંચ્યો. અર્નીના પુત્રોએ મિડિયાને જાણ કરી. મિડિયાએ આ ઘટનાને સારું એવું કવરેજ આપ્યું. અર્ની કહેતો કે હું શિકારે ગયો હોઉં ત્યારે મારું મૃત્યુ આવે તો મને ગમશે. જો કે આવા કમોતની કલ્પના એણે સ્વપ્નેય નહીં કરી હોય. મૃત્યુ આવ્યું ત્યારે અર્ની ૭૫ વર્ષના હતા. મિડિયાએ આ શ્રીમંત શિકારીને સરસ શ્રદ્ધાંજલિ આપી.


