Get The App

લો બોલો, ક્રિમેટોરિયમ ઓન વ્હીલ્સ! .

Updated: Mar 5th, 2024

GS TEAM

Google News
Google News
લો બોલો, ક્રિમેટોરિયમ ઓન વ્હીલ્સ!                . 1 - image

- ટોપ્સીટર્વી - અજિત પોપટ

- મૃતદેહ વાનમાં મૂકવામાં આવે ત્યારે મરનારના પરિવારને પરંપરાગત જે વિધિ-વિધાન કરવાં હોય એ કરવાની છૂટ મળે છે. 

ક ર્ણાટકના ઉડુપી જિલ્લામાં મુદુર નામનું એક ગામ છે. અહીં ગરીબ ખેડૂતો વસે છે. એકાદ બે વીઘાં જમીનમાં આવડે એવી ખેતી  કરે છે. ગામમાં છસો પરિવાર વસે છે. આ ગામના લોકો રોજ સવારે અચૂક એક પ્રાર્થના કરે છે- હે પરમ કૃપાળુ પરમાત્મા, અહીં કોઇને અચાનક મૃત્યુ ન આવે એ જો જે બાપલા... આપણને આવી પ્રાર્થના સાંભળીને હસવું આવે. માનવ જીવનમાં એકમાત્ર મૃત્યુ નક્કર હકીકત છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુ- જન્મ્યા એટલા જાવાના. ગામના લોકોની વિપદા જાણ્યા પછી તમને સહાનુભૂતિ જાગશે. 

શહેરમાં વસતા મારા તમારા જેવા સુખી  લોકોને આ ગામજનોની  સમસ્યાની કલ્પના પણ નહીં આવે. ખરા અર્થમાં આ લોકોની સમસ્યા વિકટ છે. મુદુર ગામની સૌથી વિકટ અને સૌથી વિચિત્ર સમસ્યા એ છે કે અહીં સ્મશાન નથી. કોઇ વ્યક્તિનું મરણ થાય તો એના અંતિમ સંસ્કાર માટે ઓછામાં ઓછા ચાલીસ કિલોમીટર દૂર આવેલા કુંદપુર નામના સ્થળે જવું પડે. ગામમાં આખા દિવસમાં માંડ એકાદ બે એસટી બસ આવતી હોય એવા સંજોગોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કેવી હાડમારી વેઠવી પડે એની કલ્પના કરી જુઓ. બીજું, કદાચ બસ મળી પણ જાય, એટલા માત્રથી સમસ્યાનો અંત આવતો નથી. ચાલીસ કિલોમીટર દૂર જવાનું અને અંતિમ સંસ્કાર પતાવીને પાછાં ફરવાનું. કામકાજ છોડીને કોણ આવે, ડાઘુઓ કાઢવા ક્યાંથી ?

દેશ આઝાદ થયાને આજે પંચોતેર વર્ષ થવા આવ્યાં. છતાં સંખ્યાબંધ ગામોમાં આ સમસ્યા આજે પણ છે. છેલ્લાં પંચોતેર વર્ષમાં કેટલીય સરકાર આવી અને ગઇ. કોઇએ આ સમસ્યાનું નિરાકરણ કર્યું નહોતું. તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રચાઇ. તરત જે ખરડો વિધાનસભામાં રજૂ થયો એ કંઇક આ પ્રકારનો હતો- રાજ્યનાં મંદિરોમાં વરસે ૫૦૦ કરોડની આવક થાય છે. એમાંથી ત્રણસો કરોડ લઘુમતીઓના ધર્મસ્થાનો માટે વાપરવાં. સદ્ભાગ્યે વિધાન પરિષદમાં કોગ્રેેસની બહુમતી નહીં હોવાથી આ ખરડો ઊડી ગયો. વોટના રાજકારણને લીધે આમ આદમીને પજવતી સમસ્યાનું નિરાકરણ થતું નથી.

સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે સરકારી સંસ્થાઓ આમ આદમીની તકલીફ દૂર કરવામાં રસ લેતી નથી ત્યારે કેટલીક એનજીઓ (બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ ) આમ આદમીની વહારે ચડે છે. એક અખબારમાં મુદુર ગામની સમસ્યા વિશે પ્રગટ થયેલા સમાચાર વાંચીને એક એનજીઓના સભ્યોનો અંતરાત્મા જાગી ઊઠયો. આ સંસ્થાએ તરત પોતાના સભ્યોની એક  તાકીદની બેઠક બોલાવી. એમાં મુદુર ગામની સમસ્યાના નિરાકરણ માટે ચર્ચા થઇ. તરત દરેક સભ્યે યથાશક્તિ સરળ  ફાળો નોંધાવ્યો. માત્ર નોંધાવ્યો નહીં, તરત ફાળો ઊઘરાવાયો. એકાદ બે કલાકમાં સારી એવી રકમ ભેગી થઇ ગઇ. એ રકમ દ્વારા એક મોબાઇલ ક્રિમેટોરિયમ સ્થાપવામાં આવ્યું. એ રાંધણગેસ (એલપીજી) વડે ચાલી શકે એવી ભઠ્ઠી એમાં ફિટ કરવામાં આવી. વ્હોટ્સ એપ જેવી આધુનિક ટેક્નિક દ્વારા થોડાક વિદેશી નિષ્ણાતોની સલાહ લેવામાં આવી. 

ત્યારબાદ સરળ ભાષામાં ચોપાનિયાં છપાવીને દૂર દૂરનાં ગામડાંમાં મોકલાયાં. જ્યાં રેડિયો ટેલિવિઝનની સગવડ હતી ત્યાં આ માધ્યમો દ્વારા જાણ કરવામાં આવી કે હવે હરતું ફરતું સ્મશાન ઉપલબ્ધ છે. તમારી નજીકના પોલીસ સ્ટેશન કે પોસ્ટ ઓફિસ દ્વારા અમને જાણ કરો. બનતી ત્વરાએ અમે આપની સેવામાં હાજર થઇ જશું. આ મોબાઇલ સ્મશાન બે કલાકમાં મૃતદેહના અંતિમ સંસ્કાર પતાવીને સંબંધિત વ્યક્તિના પરિવારને એનાં અસ્થિ આપી દે છે. જે લોકો વાનના ઇંધણ માટે નાણાં આપી શકે એમની પાસેથી ઇંધણના પૈસા લેવામાં આવે છે. જે લોકો પૈસા ન આપી શકે એમને માફી આપવામાં આવે છે.

કર્ણાટકમાં આ પ્રયોગ સફળ થતાં તામિલનાડુમાં પણ આ પ્રકારે મોબાઇલ ક્રિમેટોરિયમ શરૂ કરાયું. જો કે તામિલનાડુમાં આ સેવા મફત નથી. હાલ વ્યક્તિ દીઠ પંદર હજાર રૂપિયા લેવામાં આવે છે. એ માટે સ્થાનિક સહકારી બેંક મામુલી વ્યાજે પૈસા ધીરે છે. આ પ્રકારે દેશમાં કેટલાંક સ્થળોએ હરતાં ફરતાં સ્મશાન શરૂ થયાં છે. મૃતદેહ વાનમાં મૂકવામાં આવે ત્યારે મરનારના પરિવારને પરંપરાગત જે વિધિ-વિધાન કરવાં હોય એ કરવાની છૂટ મળે છે. આમ હવે અંતરિયાળ ગામડાંને મોબાઇલ  ક્રિમેટોરિયમની સગવડ મળતી થઇ છે. આજે પણ આવી સમસ્યાઓ દૂર દૂરનાં ગામડાંમાં છે એ આ દેશની કરૂણતા છે.