સેક્સમેનિયાક સર્વત્ર સરખા! .
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બાળકે ચીસ પાડી એ સાથે પેલા પોલીસ અધિકારીએ ચિત્તાની ઝડપે છલાંગ મારી
આ ઠ દસ બાળકો ઓરડામાં રમી રહ્યાં હતાં. દરેકના ચહેરા પર અનેરો આનંદ હતો, હાસ્યની કિલકારીથી ઓરડો ગૂંજી રહ્યો હતો. ઓચિંતો એક માણસ ઓરડામાં આવ્યો. એ સાથે ઓરડામાં સ્મશાનવત્ શાંતિ સ્થપાઇ ગઇ. નજર સામે કોઇ બિહામણું પ્રાણી આવી ગયું હોય એમ દરેક બાળકના ચહેરા પર ખોફ છવાઇ ગયો. એ જોઇને ઓરડામાં આવેલા માણસના હોઠ પર કુટિલ સ્મિત પથરાઇ ગયું.
પરંતુ એને ખ્યાલ નહોતો કે એની બરાબર પાછળ પગેરું દબાવીને સાદા વેશમાં એક પોલીસ અધિકારી પણ ઓરડામાં પ્રવેશી ચૂક્યા હતા. જે માણસને જોઇને બાળકો ગભરાઇ ગયા હતા એને ખ્યાલ નહોતો કે એની પાછળ કોણ છે. એણે પોતાની વિકૃત વાસના સંતોષવા એક બાળકને સ્પર્શ કર્યો અને એ બાળકે ચીસ પાડી એ સાથે પેલા પોલીસ અધિકારીએ ચિત્તાની ઝડપે છલાંગ મારી અને વાસના ભૂખ્યા વરુને ઝડપી લીધો.
વાત ઓસ્ટ્રેલિયાની છે. આ ઘટના માત્ર એટલું પુરવાર કરે છે કે દુનિયાભરમાં બાળકો પર જાતીય અત્યાચાર કરનારા સેક્સમેનિયાક વસે છે. આપણે ત્યાં અવારનવાર એવા સમાચાર પ્રગટ થાય છે કે સ્કૂલ બસના ડ્રાઇવરે કે સ્કૂલના પટાવાળા યા સિક્યોરિટી મેને બાળકો સાથે ગેરવર્તન કર્યું. આવું માત્ર ભારતમાં બને છે એવું નથી. ઠેકઠેકાણે અથવા કહો કે દુનિયા આખીમાં લગભગ રોજ આવી ઘટના ક્યાંક ને ક્યાંક બનતી રહે છે. આપણે હાલ ઓસ્ટ્રેલિયાની વાત કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન વિસ્તારમાં વિક્ટોરિયા નામના નગરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ઉગ્ર પ્રત્યાઘાત સર્જ્યા. વાતાવરણ એટલી હદે તંગ થઇ ગયું કે દેશની સરકારે ચાઇલ્ડકેર તરીકે ઓળખાતી સંસ્થાઓ પર કડક નજર રાખવા કાયદામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો.
એક ચાઇલ્ડકેર સંસ્થાના ૨૬ વર્ષની વયના કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી. અગાઉથી મળેલી બાતમીના જોરે આ યુવાનની ધરપકડ કરાઇ હતી. એણે સિત્તેરથી વધુ બાળકોનું જાતીય શોષણ કર્યું હતું. કેટલાંક બાળકો સાથે સૃષ્ટિવિરુદ્ધ સેક્સનો ભોગવટો કર્યો હતો, કેટલાંક બાળકો પર રીતસર બળાત્કાર કર્યો હતો. પોલીસે એની ધરપકડ કરી ત્યારે પહેલાં તો એણે બૂમબરાડા પાડીને પોતાનો બચાવ કર્યો હતો અને ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીને ડારવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે પોલીસ પાસે સચોટ બાતમી હતી અને કેટલેક અંશે નક્કર પુરાવા પણ હતા.
મેલબર્નના પશ્ચિમ તરફના ઉપનગરમાં આવેલા એક ચાઇલ્ડકેર સેન્ટરમાં ફરજ બજાવી રહેલા આ વિકૃત યુવાને પાંચ છ મહિનાના ધાવણા બાળકથી માંડીને બે વર્ષના બાળકો પર અત્યાચાર ગુજાર્યા હતા. પતિપત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે પોતાના સંતાનને આવા ચાઇલ્ડકેર સેન્ટરમાં મૂકી જવાની પરંપરા દુનિયાના દરેક દેશમાં છે. આવા સેન્ટરમાં વ્યાવસાયિક તાલીમ ધરાવતા સ્ત્રીપુરુષો કામ કરતાં હોય. એ બાળકોને દૂધ પીવડાવવાથી માંડીને તેમને રમાડવાનું, ઘોડિયામાં પોઢાડવાનું, જરૂર પડયે મળમૂત્રથી બગડેલાં બાળોતિયાં બદલવાનું વગેરે કામ કરતાં હોય છે. એને બદલે પોલીસે પકડેલો જોશુઆ ડેલ બ્રાઉન નામનો યુવાન બાળકો પર જાતીય અત્યાચાર કરતો હતો.
૨૦૨૪ના મે માસથી શરૂ કરીને પોલીસે પકડયો ત્યાં સુધીમાં આ યુવાને વીસથી વધુ ચાઇલ્ડકેર સેન્ટર્સમાં વારાફરતી ફરજ બજાવી હતી. હવે એ કાયદાના પંજામાં ઝડપાઇ ગયો.