Get The App

મેગાસ્ટાર બ્રુસ વીલીસને ડિમેન્શિયા...! .

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
મેગાસ્ટાર બ્રુસ વીલીસને ડિમેન્શિયા...!                                   . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એફેઝિયા એટલે લખેલા શબ્દો બોલવા-સમજવામાં વ્યક્તિને તકલીફ પડે

ક થાનક વાવાઝોડાની વેગે વહેતું હોય અને આંખના પલકારામાં એવીજ વેગવાન એક્શનથી ભરપુર ફિલ્મ હોય ત્યારે દર્શક સ્તબ્ધ થઇ જાય. ૧૯૯૦ના દાયકામાં હોલિવૂડમાં એવી ભયાનક વેગવાન કથાઓ ધરાવતી એક્શન ફિલ્મો આપનાર અભિનેતા બ્રુસ વીલીસના ચાહકોને આંચકો લાગે એવા સમાચાર છે. ગયા સોમવારે પચીસમી સપ્ટેંબરે એક અમેરિકી ટેલિવિઝન પર ઇન્ટરવ્યૂ આપતાં બ્રુસ વીલીસની હાલની પત્ની એમા હેમંગને ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો.

બ્રુસ વીલીસની બીમારી વિશે વાત કરવા અગાઉ એની હાઇયેસ્ટ ગ્રોસિંગ એટલે કે ટિકિટબારી છલકાવી દેનારી થોડીક ફિલ્મોની વાત કરીએ. ખરું પૂછો તો બ્રુસની અભિનય કારકિર્દી ટેલિવિઝન સિરિયલથી શરૂ થયેલી. થોડાક ડિટેક્ટીવ્સ વિશે રોમાન્ટિક કોમેડી સિરિયલોમાં બ્રુસે અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ થયેલી. ત્યારે ભાગ્યે જ કોઇને એવી કલ્પના હતી કે આ યુવાન હોલિવૂડની ફિલ્મોમાં સૌથી  વધુ કમાણી કરનારો એક્શન હીરો બની રહેશે.

તમે હોલિવૂડની એક્શન ફિલ્મોના ચાહક હો તો તમને ડાઇ હાર્ડ સિરિઝની ફિલ્મો જરૂર યાદ હશે. આ ફિલ્મોમાં એણે જ્હોન મેક્લેઇન નામના પાત્રને જીવંત કરેલું. આ સિરિઝની લગભગ દરેક ફિલ્મે રૂપિયાના આંકડામાં જોઇએ તો અબજો રૂપિયાની કમાણી કરેલી. એમ કહો કે ટિકિટબારી ટંકશાળ બની ગયેલી. આ પ્રકારની એની ફક્ત દસ ફિલ્મોની યાદી કરી એ તો પણ ખર્વ-નિખર્વની કમાણી થાય. એ ગણતાં અધધધ થઇ જાય.

કરોડો ચાહકો ધરાવતો આ કલાકાર અત્યારે ફક્ત ૬૮ વર્ષનો છે. એની હાલની પત્ની એમાએ ટેલિવિઝન પર આપેલા ઇન્ટરવ્યૂમાં ગદ્ગદ કંઠે કહ્યું કે બ્રુસને ગંભીર પ્રકારનો ડિમેન્શિયા થયો હોવાનું નિદાન થયું છે. વાસ્તવમાં ૨૦૨૨ના માર્ચમાં એવું નિદાન થયું હતું કે બ્રુસને એફેઝિયા થયો છે. સાવ સરળ ભાષામાં કહીએ તો  એફેઝિયા એટલે લખેલા શબ્દો બોલવા-સમજવામાં વ્યક્તિને તકલીફ પડે. તતપપ થઇ જાય અથવા એની વાચા હણાઇ જતી હોય એવું લાગે. લખેલા શબ્દો સહેલાઇથી સમજાય નહીં. આ એક માનસિક વિકાર ગણાય. ખરું પૂછો તો મગજની સમતુલા જોખમાતી લાગે.

જો કે આ વર્ષના આરંભે ચોક્કસ કહીએ તો ફેબ્રુઆરી ૨૦૨૩માં બ્રુસના પહેલા લગ્નથી થયેલી પુત્રી રૂમર વીલીસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહેલું કે બ્રુસને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયાનું નિદાન થયું છે. ડિમેન્શિયાના વિવિધ પ્રકારોમાં આ સૌથી વધુ ગંભીર બીમારી ગણાય છે. વ્યક્તિનાં વાણી, વર્તન અને વિચારશક્તિ- બધામાં કશો મનમેળ જોવા ન મળે.  

૨૪ સપ્ટેંબરના ટીવી શોમાં એમા સાથે બ્રુસ પણ હાજર હતો. એ સાવ બાઘાની જેમ બેસી રહ્યો હતો અને પૂછાઇ રહેલા સવાલો સાથે પોતાને કશી નિસબત ન હોય એવું એનું વર્તન હતું. એ નિર્જીવ પ્રતિમાની પેઠે કેમેરા સામે બેઠો હતો.  એન્કર હોડા કોત્બ સાથે વાત કરતાં એમની આંખોના ખૂણા ભીના થઇ ગયા. એણે કહ્યું કે ગઇ કાલ સુધી જે માણસ સતત એક્ટિવ રહેતો હતો એની આ સ્થિતિ અમે જોઇ શકતા નથી. જે વ્યક્તિને ડિમેન્શિયા થયો હોય એના કરતાં એના સ્વજનોને વધુ તકલીફ અનુભવવાની આવે છે. 

એમા સાથે પરણ્યા પહેલાં બ્રુક વીલીસ હોલિવુડની ટોચની અભિનેત્રી ડેમી મૂરને પરણ્યો હતો. એ લગ્નથી એને ત્રણ પુત્રી થઇ હતી. એમા સાથેના લગ્નથી બીજી બે પુત્રી થઇ છે.  ૨૦૦૯માં એમાને પરણ્યો ત્યાર બાદ મેબલ (હાલ ૧૧ વર્ષની છે) અને એેવલીન (હાલ નવ વર્ષની છે) એમ બે પુત્રી થઇ.

પહેલા લગ્નથી ત્રણ પુત્રી જન્મી હતી એમાં રુમેર સૌથી મોટી છે. એ પછી સ્કાઉટ અને તલ્લુલાહ એ બીજી બે પુત્રી છે.

આમ અત્યારે તો આ જગવિખ્યાત અભિનેતા જીવતેજીવ વેજિટેબલ જેવો થઇ ગયો છે. એની અભિનય કારકિર્દી હાલકડોલક થઇ ચૂકી છે. કોઇ ચમત્કાર જ એને ફરી તરવરિયો કરી શકે. એના ચાહકો એને માટે પ્રાર્થના કરી રહ્યા છે એવું સોશ્યલ મિડિયા પર જણાવાયું હતુ.

(લ.તા.૨૯-૧૦-૨૦૨૩)

Tags :