- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- ચીનની ઢીંગલી લાબુબુ તરીકે ઓળખાવાઇ છે. નકલખોરે લાફુફુ નામે ઢીંગલી રજૂ કરી.
સા વધાન, આ રમકડું તમારા બાળક માટે જીવલેણ બની શકે છે.... ! અમેરિકા, ઇંગ્લેંડ અને યૂરોપના દેશોમાં આજકાલ આ ચેતવણી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયામાં સતત આપવામાં આવી રહી છે. ચીનની એક પ્રતિષ્ઠિત રમકડાં કંપની એ બનાવેલી અને પોપ માર્ટ નામની આંતરરાષ્ટ્રીય વિતરણ કંપની દ્વારા આ રમકડાનું દુનિયાભરમાં વિતરણ થઇ રહ્યું છે. ચીની રમકડાને લાબુબુ નામ અપાયું છે. યૂરોપ તથા અમેરિકાના રિટેલર્સ દ્વારા વેચાતા આ રમકડાએ એક કરતાં વધુ દેશોમાં ખળભળાટ સર્જ્યો છે. આમ તો આ સાવ નાનકડી એક ઢીંગલી છે. એક સમયે બાર્બી ડોલ્સની બોલબાલા હતી એ તમને યાદ હશે. જો કે હજુય બાર્બીનું આકર્ષણ સાવ નામશેષ થયું નથી. તોય બાર્બી હવે ઓવર એક્સપ્લોઇટેડ થઇ ગઇ. કોઇ પણ ચીજનો અતિરેક થાય એટલે એનો મહિમા ઘટી જતો હોય છે.
જે રમકડાએ હાલ ખળભળાટ સર્જ્યો છે એ એક ઢીંગલી છે. અત્યંત આકર્ષક રંગોમાં સજાવેલી આ ઢીંગલી બાળકની સાથે દ્રષ્ટિ મિલાવે છે અને મીઠ્ઠું મલકે છે. અમેરિકી અને બ્રિટિશ સરકારના વ્યાપાર-ઉદ્યોગ વિભાગ તરફથી જાહેર જનતાને આ રમકડાની રાતોરાત વેચાતી થયેલી નકલ સામે ચેતવણી આપવામાં આવી છે. યુએસ કન્ઝયુમર પ્રોડ્કટ સેફ્ટી કમિશન (હવે પછી કમિશન તરીકે ઉલ્લેખિત) તથા બ્રિટનની ચાર્ટર્ડ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ ચેતવણીનો સાર એટલો જ કે બાળકો જે રમકડા તરફ આકર્ષાઇને પોતાના મોંમાં નાખે એ બાળકનો જીવ લઇ શકે છે. આ રમકડું બાળકના ગળામાં કે શ્વાસનળીમાં અટકી જઇને બાળકના શ્વાસને રૂંધી શકે છે. આ પ્લશ રમકડું તમારા કાળજાના કટકા જેવા બાળક માટે ખરીદતાં પહેલાં ખાસ ચકાસણી કરજો.
બન્યું છે એવું કે ચીનના એક ટોચના ટોય મેકરે બનાવેલી આ ઢીંગલી ખૂબ ઓછા સમયમાં વધુ પડતી લોકપ્રિય નીવડતાં ટોય મેકરના કોઇ હરીફે નકલી ઢીંગલી બનાવીને રાતોરાત લાખો નકલ બજારમાં મૂકી દીધી. વધુ રસપ્રદ વાત એ છે કે નકલી ઢીંગલીના રંગ વધુ આકર્ષક અને બાળકને તરત પોતાની તરફ ખેંચી લે એવા છે. પ્લશ ટોય એટલે સહેજ દળદાર અને અંદર પોચું રૂ જેવું ફાઇબર કે પ્લાસ્ટિક ભરેલું હોય એવું રમકડું. નકલી ઢીંગલી બનાવનારે ઢીંગલી જેવી જ આકર્ષક કલરફૂલ કી ચેન પણ બજારમાં મૂકી. ચીનની ઢીંગલી લાબુબુ તરીકે ઓળખાવાઇ છે. નકલખોરે લાફુફુ નામે ઢીંગલી રજૂ કરી. આપણે ત્યાં ગ્લૂકો અને ગ્લૂકોઝ નામે તેમ જ ગ્લૂકોના જુદા જુદા અંગ્રેજી સ્પેલિંગ દ્વારા અસલી નકલી બિસ્કીટ વેચાય છે એવો જ આ એક અખતરો છે.
વિદેશોમાં આપણી તુલનાએ કેટલાંક ધારાધોરણ ખૂબ કડક છે. કમ સે કમ અમેરિકા અને બ્રિટિશ સરકારના સંબંધિત વિભાગોએ તરત આ ઢીંગલીની ચકાસણી કરાવી. નિષ્ણાત અધિકારીઓને તરત અસલી અને નકલી ઢીંગલીનો ખ્યાલ આવી ગયો. નકલી ઢીંગલીની બનાવટમાં જે સામગ્રી વાપરવામાં આવી છે એ બાળકો માટે ખૂબ જોખમી છે એવો ખ્યાલ આવતાં આ અધિકારીઓએ તરત જાહેર ચેતવણી મિડિયા દ્વારા વહેતી કરી. કદાચ કોઇ નાગરિક એવો સવાલ કરે કે અમને શી રીતે ખબર પડે કે કઇ ઢીંગલી અસલી છે ? બધી ઢીંગલીનાં રંગરૂપ, નાકનકશો અને બજારભાવ સરખા છે. વેપારીઓ કંઇ ગ્રાહકને કહેતા નથી કે આ અસલી છે અને આ નકલી છે. તો અમે શી રીતે પારખી શકીએ કે કઇ ઢીંગલી અસલી છે ?
આવો સવાલ મિડિયા કરે એ પહેલાં કમિશન (અમેરિકા) અને ઇન્સ્ટીટયુટ (બ્રિટન) દ્વારા ખાસ માહિતી પણ પ્રગટ કરવામાં આવી.
એમાં ચાર મુદ્દા જણાવવામાં આવ્યા હતા. એક, અસલી કરતાં નકલી ઢીંગલીના રંગ વધુ ચળકાટભર્યા અને વધુ ઘેરા છે. બાળક એને મોંમાં નાખે તો થોડીવારમાં એના રંગ બાળકની જીભ પર ચોંટેલા જોઇ શકાય છે. બે, લાબુબુ ઢીંગલી પર એના વિતરક પોપ માર્ટ દ્વારા ખાસ હોલોગ્રાફિક સ્ટીકર લગાડેલા છે. એને સ્કેન કરીને કે ક્યૂ આર કોડ દ્વારા પોપ માર્ટ કંપનીની બેબસાઇટ પર જઇને અસલી માલની ખાતરી કરી શખાય છે. વળી ઢીંગલી પર બનાવનારી કંપનીનો ખાસ પ્રકારનો લોગો છે. ત્રણ, નકલી ઉત્પાદકે ઢીંગલી સાથે ડિસ્કાઉન્ટ કે ભેટની જાહેરાત કરેલી છે. અને ચાર, રમકડા સાથે અપાતી સેફ્ટી વોર્નિંગ ચેક કરો. એમાં મૂળ સ્પેલિંગમાં છેડછાડ કરેલી હોઇ શકે છે.
વસ્ત્રો હોય કે પગરખાં, રોજબરોજના વપરાશની ટૂથ પેસ્ટ, બ્રશ જેવી ચીજ હોય કે રમકડાં, બાળકો માટેની ચીજોની આંતરરાષ્ટ્રીય બજાર અબજો-ખર્વો ડોલરની છે. કેટલીક માતબર કંપનીઓની આવી ચીજોમાં મોનોપોલી પણ છે. હાલ બાળકોની ચીજવસ્તુના બજારમાં અક્ષરસ: ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે. યૂરોપના દેશોમાં તો આવી સ્પર્ધા લોહિયાળ પણ બની જાય છે. એકબીજાના ડિલર્સ કે સેલ્સમેનને પતાવી દેવામાં આવે છે. એવા સમયે આ લાબુબુ ડોલ્સે સનસનાટી સર્જી છે.


