Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનું આ પાસું પણ જાણવા જેવું

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પનું આ પાસું પણ જાણવા જેવું 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- સમીક્ષકોનો એક વર્ગ એમ માનતો રહ્યો કે ટ્રમ્પને શરાબ અને શબાબમાં વધુ રસ હતો એટલે મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું

ચિ ત્રવિચિત્ર આદેશો દ્વારા દુનિયાભરમાં હાસ્યાસ્પદ ઠરેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક એવો આદેશ આપ્યો જેને કારણે હોલિવૂડના ટોચના ફિલ્મ સર્જકોને આંચકો લાગ્યો. ટ્રમ્પે કહ્યું કે હું જેકી ચાનની ફિલ્મ રશ અવરનો ચાહક છું. એની ત્રણે આવૃત્તિઓ મેં રસપૂર્વક માણી છે. ચોથી આવૃત્તિ કેમ હજુ રિલિઝ થઇ નથી ? એની ચોથી આવૃત્તિ વહેલામાં વહેલી તકે રજૂ થાય એવાં પગલાં લેવાવાં જોઇએ.

આપણે સૌ ટ્રમ્પે રીઢા રાજકારણી, ખંધા બિઝનેસમેન અને ઇશ્કી મિજાજના આદમી તરીકે વધુ ઓળખીએ છીએ એટલે આપણને એના આ આદેશની થોડી નવાઇ લાગે. પરંતુ જે લોકો ટ્રમ્પને નજીકથી ઓળખે છે એ લોકો જાણે છે કે જીવનના એક તબક્કે ટ્રમ્પ મનોરંજન ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. હોલિવૂડની થોડીક ફિલ્મોમાં સાવ નાનકડા રોલ પણ કર્યા હતા. પરંતુ એમને સમયસર સમજાઇ ગયેલું કે ફિલ્મોદ્યોગમાં આપણો ગજ લાંબો સમય વાગવાની શક્યતા ઓછી છે. એટલે આપણે કોઇ બીજું ક્ષેત્ર પસંદ કરી લઇએ.

રશ અવર જેકી ચાન અને ક્રીસ ટકરની સુપરહિટ ફિલ્મ છે. એની પહેલી આવૃત્તિ ૨૦૧૭માં રજૂ થયેલી. એમાં કોમેડી સભર એક્શન હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ સર્જી હતી એમ કહીએ તો ચાલે. માર્શલ આર્ટ્સ તરીકે ઓળખાતી કરાટે, કૂંગ ફૂ, ટેક્વાન્ડો વગેરે કલાઓમાં જેકી નિપુણ છે અને એને આધારે એક્શન ફિલ્મો બનાવતો રહ્યો છે. આવી ફિલ્મો બનાવવાના શોખને કારણે એણે અનેકવાર પોતાનાં હાડકાં ભાંગ્યાં છે, જેકી ચાન મૂળ ચીનનો છે. એનો જન્મ હોંગકોંગમાં થયેલો. એનાં માતાપિતા હોંગકોંગમાં ચીની નિરાશ્રિત તરીકે હોંગકોંગમાં રહેતાં હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પને જેકી ચાન માટે કેમ પ્રેમ ઊભરાયો એ પણ જાણવા જેવું છે. ૨૦૧૬ની ચૂંટણીમાં જેકી ચાને ટ્રમ્પ માટે આડકતરી રીતે પ્રચાર કર્યો હતો. સીધી રીતે એણે ચૂંટણી સભાઓ સંબોધી નહોતી કે ટ્રમ્પ સાથે કોઇ સભામાં હાજરી આપી નહોતી. આમ છતાં એણે એક મુલાકાતમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે એ દૂરંદેશી ધરાવતા વેપારી છે અને અમેરિકાની પ્રગતિ માટે આવા નેતા જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી પ્રજાએ એક તક જરૂર આપવી જોઇએ.

જેકી ચાનની રશ અવરની ચોથી આવૃત્તિ અટકી જવા પાછળ આ ફિલ્મના ડાયરેક્ટર બ્રેટ રેટનર જવાબદા હતા. તેમણે અમુક અભિનેત્રીઓ સાથે જાતીય ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ થયેલો. પરિણામે એમની સામે પોલીસ કેસ ચાલતો હતો. બ્રેટે અગાઉની સુપરહિટ નીવડેલી રશ અવર ફિલ્મોનું નિર્દેશન કરેલું એટલે જેકી ચાન અન્ય કોઇ ડાયરેક્ટરને અજમાવવાનું જોખમ લેવા ઇચ્છતો નહોતો. હવે એ વિવાદનો અંત આવી ચૂક્યો છે અને પેરેમાઉન્ટ સ્ટુડિયોએ રશ અવરની ચોથી આવૃત્તિ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

તમે હોલિવૂડની ફિલ્મોના ચાહક હો તો હોમ અલોન અને એની સિક્વલ જરૂર જોઇ હશે. ક્રિસમસની ઊજવણીના ભાગ રૂપે એક પરિવાર ટુર પર જવા નીકળે છે ત્યારે છ સાત વર્ષના નાનકડા એક પુત્રને સાથે લેવાનું ભૂલી જાય છે. છોકરો ઉંમરમાં નાનો છે પણ ચબરાક છે. બે ગઠિયા એના ઘરમાં ચોરી કરવાના પ્રયાસો કરે છે. એને આ બાળક શી રીતે નિષ્ફળ બનાવે છે એની અત્યંત રસપ્રદ રજૂઆત આ કોમેડી ફિલ્મમાં હતી. હવે વાંચો ધ્યાનથી. હોમ અલોન ટુ- લોસ્ટ ઇન ન્યૂયોર્કમાં હાલના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કેમિયો કર્યો હતો. કેમિયો એટલે અત્યંત ટૂંકી ભૂમિકા, સાવ નાનકડો-નજીવો કહી શકાય એવો રોલ. વાંચીને નવાઇ લાગે છે ને ? પરંતુ આ એકજ ફિલ્મ નથી 

જેમાં ટ્રમ્પે કેમિયો કર્યો હોય. ૧૯૯૪માં રજૂ થયેલી ફિલ્મ ધ ફ્રેશ પ્રિન્સ ઓફ બેલ-એર, ૧૯૯૬માં રજૂ થયેલી ફિલ્મ ધ નેની, ૧૯૯૯માં રજૂ થયેલી ફિલ્મ સેક્સ એન્ડ ધ સિટી તથા ૨૦૦૧માં રજૂ થયેલી ફિલ્મ ઝૂલેન્ડરમાં પણ ટ્રમ્પે કેમિયો કરેલો.

આ તો વાત થઇ હોલિવૂડની. ટેલિવિઝન ક્ષેત્રે પણ ટ્રમ્પે નસીબ અજમાવી જોયેલું. અત્યંત લોકપ્રિય નીવડેલા રિયાલિટી શો ધી એપ્રેન્ટીસના હોસ્ટ (યજમાન) તરીકે ટ્રમ્પે પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી હતી. એ જ રીતે ધ સેલેબ્રિટી એપ્રેન્ટીસ રિયાલિટી શોના હોસ્ટ તરીકે પણ ટ્રમ્પે  જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરેલી. પિઝા હટ જેવી કેટલીક બ્રાન્ડની કમર્શિયલ્સમાં પણ ટ્રમ્પ ચમક્યા હતા. આમ મનોરંજન ઉદ્યોગ સાથે ટ્રમ્પે સારો એવો સમય કામ કર્યું. ક્યારેક ધૂમ સફળતા મળી તો ક્યારેક ધારી સફળતા ન પણ મળી. સમીક્ષકોનો એક વર્ગ એમ માનતો રહ્યો કે ટ્રમ્પને શરાબ અને શબાબ (ખૂબસુરત અભિનેત્રીઓ-યુવતીઓમાં) વધુ રસ હતો એટલે મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. જે હો તે, પણ ડોનાલ્ડ ર્ટ્મ્પના વ્યક્તિત્વની આ બાજુ આપણે બહુ જાણતા નહોતા.