- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- વરિષ્ઠ અધિકારીઓના ભેદી મોત થઇ રહ્યા છે. સરકારે કોઇ તપાસ સમિતિ નીમી હોવાના કે તપાસ કરાઇ હોવાના અણસાર સુદ્ધાં મળ્યા નથી
છે લ્લા કેટલાય મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ રશિયન લશ્કરની ત્રણે પાંખો જોડે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના રહસ્યમય મોત થઇ રહ્યા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન કે બીજા કોઇ ટોચના સરકારી અધિકારીઓ આવા ભેદી મોત વિશે એક અક્ષર પણ ઉચ્ચારતા નથી. એ દર્શાવે છે કે પુટિનના શાસનમાં કંઇક રહસ્યમય રંધાઇ રહ્યું છે. આમ તો પુટિનની અંગત રહેણીકરણી વિશે જાતજાતની વાતો વહેતી થાય છે. પુટિન પોતાની પૌત્રી જેવડી તરુણી સાથે ગુટરગું કરી રહ્યા હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા.બીજી બાજુ વરિષ્ઠ અધિકારીઓના ભેદી મોત થઇ રહ્યા છે. આ વિશે સરકારી પ્રચાર માધ્યમો અકળ મૌન સેવી રહ્યા હતા.
૨૦૨૨થી આ વર્ષના જુલાઇ સુધીમાં ઊર્જા અને લશ્કરી વાહનવ્યવહાર વિભાગ સાથે સંકળાયેલા તેરથી વધુ વરિષ્ઠ અધિકારીઓના મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યા હતા. તેમના ભેદી મૃત્યુ અંગે પુટિન સરકારે કોઇ તપાસ સમિતિ નીમી હોવાના કે તપાસ કરાઇ હોવાના અણસાર સુદ્ધાં મળ્યા નથી. છેલ્લામાં છેલ્લા સમાચાર મુજબ રશિયન લશ્કરના મેજર કેમિકલ કોમ્પોસીટ્સ પ્લાન્ટના વરિષ્ઠ અધિકારી એલેક્ઝાન્ડર તાયુનીન એમની કારમાં મરેલા મળી આવ્યા હતા. આ કારમાં મરનારની બાજુમાં એની ફૌજી રાયફલ પડી હતી. એક કહેવાતી ચિઠ્ઠી પણ મળી આવી હતી. એમાં મરનારે એવું લખ્યું હોવાનું કહેવાય છે કે મને છેલ્લાં પાંચ વર્ષથી સતત ડિપ્રેશનના અટેક આવે છે. દવાઓ ખાઇ ખાઇને હું કંટાળી ગયો છું. એટલે મારા જીવનનો અંત આણી રહ્યો છું. આ ચિઠ્ઠી મરનારે પોતાની પત્નીના નામે લખી હતી. સાથે પત્નીનો મોબાઇલ ફોન નંબર લખ્યો હતો, જેથી એને જાણ કરી શકાય.
જો કે તાયુનીનને નિકટથી ઓળખાનારા કહે છે કે આ માણસ આપઘાત કરે એ વાતમાં માલ નથી. ખૂબ હસમુખો અને મિલનસાર આદમી હતો. મોસ્કોના કોકોશ્કીનો વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક મોટરિસ્ટે આ કાર જોઇ હતી. કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખુલ્લો હતો અને એમાંથી મૃતદેહ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો. આ ઘટના જોનારા મોટરિસ્ટે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે એને મોઢું બંધ રાખવાની અને નહીંતર ગંભીર પરિણામો ભોગવવાની તૈયારી રાખવાની ધમકી આપી હોવાનું કહેવાય છે.
૨૦૨૨થી સતત આ રીતે રશિયન લશ્કર સાથે સંકળાયેલા એક યા બીજા વરિષ્ઠ અધિકારીના મૃતદેહ મળી આવ્યા છે. એના પરથી સમજાય છે કે પુટિનના શાસનમાં બધું દેખાય છે એટલું વ્યવસ્થિત નથી. આવા ભેદી મૃત્યુની ઘટનાનો આરંભ ૨૦૨૨ના જાન્યુઆરીમાં થયેલો. સંત પીટર્સબર્ગની ભાગોળે આવેલા શ્રીમંત વિસ્તારમાં સરકારી બંગલામાં રહેતા અને લશ્કરી ટ્રાન્સપોર્ટ વિભાગના વડા લીયોનીદ શૂલ્મન પોતાના બંગલાના બાથ ટબમાં મરેલા મળી આવ્યા હતા. આ ઘટનાના સમાચારની શાહી સુકાય એ પહેલાં ફેબ્રુઆરી ૨૦૨૨માં ગેઝપ્રોમની યુનિફાઇડ સેટલમેન્ટ સેન્ટર ફોર કોર્પોરેટ સિક્યોરિટીના ડેપ્યુટી ડાયરેક્ટર એલેક્ઝાન્ડર તાયુલિયાકોવ પોતાના કોટેજના ગેરેજમાં ફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. આ કોટેજ પણ સંતપીટર્સ બર્ગની ભાગોળે આવેલી છે. ક્રેમલીન મિડિયાએ આ બંને રહસ્યમય મૃત્યુ વિશે કોઇ પ્રતિભાવ વ્યક્ત કર્યા નહોતા.
બરાબર બે મહિના પછી એટલે કે ૨૦૨૨ના એપ્રિલમાં ગેઝપ્રોમ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ વ્લાદિસ્લાવ એવેવને એમના નિવાસસ્થાનમાં જ ઠાર કરવામાં આવ્યા હતા. એમનાં પત્ની અને નાની પુત્રીના મૃતદેહ પણ નજીકમાં પડયા હતા. આ ત્રણેની હત્યા મરનારની મોટી પુત્રીએ કરી હોવાનું સરકારી અહેવાલમાં
જણાવાયું હતું. મોટી પુત્રીએ શા માટે હત્યા કરી, ગન કોની હતી વગેરે વાતોનો જવાબ ક્યારેય મળ્યો નહીં. સરકારી અહેવાલમાં એવો પણ દાવો કરાયો હતો કે પોલીસ જ્યારે તપાસ માટે ઘટનાસ્થળે ગઇ ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડવો પડયો હતો. મોટી પુત્રી એ સમયે ઘરમાં જ હતી અને એની પાસે હત્યા કરાઇ એ ગન પણ હતી.
એજ માસમાં નોવાટેકના ભૂતપૂર્વ મેનેજર સેર્ગે પોતોસેન્યા, તેમના પત્ની અને પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા. આ વખતે રહસ્ય વધુ ઘેરું હતું કારણ કે મરનારા ત્રણે રશિયામાં રહેતા નહોતા. આ ત્રણે સ્પેનમાં હતા. તેમની હત્યા ધારદાર છરી અને કુહાડી વડે કરવામાં આવી હતી. આ તો માત્ર ચાર પાંચ અધિકારી પૂરતી વાત કરી
ખરેખર તો એવું જાણવા મળ્યું હતું કે જે જે અધિકારીએ પુટિનના શાસન સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો કે અવાજ ઊઠાવ્યો હતો એમને સદાને માટે મૂગા કરી દેવામાં આવ્યા હતા. રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોમાં આવું નિયમિત થાય છે. કેટલાક આરબ દેશોમાં પણ આવું થતું રહ્યું છે.


