- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- હાલની લડાઇના પગલે 1929માં આખી દુનિયામાં જેવી મંદી આવી હતી એવી મંદી તોળાઇ રહી છે
જ ગવિખ્યાત કુસ્તીબાજ મુહમ્મદ અલી (મૂળ નામ કેસિયસ ક્લે)એ એક મુલાકાતમાં કહેલું કે મારા કુસ્તીના ઉસ્તાદે મારા દિમાગમાં એક વાત ઠાંસી ઠાંસીને ભરી દીધેલી કે હરીફને ક્યારેય નબળો સમજીને દાવ શરૂ કરવો નહીં. મુહમ્મદ અલી મૂળ અમેરિકાના કેન્ટુકીનો હતો. એ જ અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મુહમ્મદ અલીની બાયોગ્રાફી કદાચ વાંચી નહીં હોય. ઇઝરાયેલની વાતોમાં આવી જવા ઉપરાંત આત્મવિશ્વાસના અતિરેકમાં ટ્રમ્પે ઇરાન પર હુમલો કરી નાખ્યો. એના મનમાં એમ હતું કે આ કીડી-મંકોડા જેવો આ દેશ એકાદ બે લપડાક ખાશે એટલે અમારા પગમાં પડી જશે કે ભૈ'સાબ, માફ કરી દો. એને બદલે ઇરાને તો જડબાતોડ જવાબ આપવા માંડયો.
વાસ્તવમાં ઇરાન એવા વ્યૂહાત્મક વિસ્તારમાં છે કે એને સહેલાઇથી હંફાવી શકાય નહીં. ટ્રમ્પે યૂરોપના દેશોને આ લડાઇમાં સહભાગી થવાની હાકલ કરી ત્યારે બધાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આ લડાઇ તમે શરૂ કરી છે. હવે તમે જાણો ને તમારું કામ જાણે. જો કે ઇરાનને પણ વિશ્વના મુસ્લિમ દેશોએ સહાય કરવાની તૈયારી દાખવી નથી. પણ એ જો કે જુદી વાત છે.
આ લખાતું હતું ત્યારે સમગ્ર વિશ્વનો આર્થિક વ્યવહાર ખોરવાઇ ગયેલો હોય એવી છાપ પડતી હતી. ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરી દઇને માત્ર અમેરિકા નહીં, સમગ્ર વિશ્વનું નાક દબાવ્યું હતું. હોર્મુઝની ખાડી ઇરાનનું હુકમનું પાનું છે. એ પાનું આજ સુધી ક્યારેય ઊતરવાની ઇરાનને જરૂર પડી નહોતી. અમેરિકાએ એ ઊતારવાની ફરજ પાડી. ઇરાન એ વાત સમજી ગયું હતું કે તહેરાનમાં બેઠાં બેઠાં ન્યૂયોર્ક પર હુમલો નહીં કરી શકાય. એટલે ઇરાને આરબ દેશોમાં સ્થપાયેલા અમેરિકી મથકો પર હુમલા કરીને અમેરિકાને ચોંકાવી દીધું.
પરિસ્થિતિ એવી થઇ કે લાંબા સાથે ટૂંકો જાંય, મરે નહીં તો માંદો થાય. યૂરોપના દેશો તો ઠીક, ખુદ અમેરિકામાં ટ્રમ્પનો જોરદાર વિરોધ થવા માંડયો. એના પક્ષના નેતાઓ અને સાંસદો જાહેરમાં કહેતા થયા કે આપણે આ પારકી લડાઇમાં ઝંપલાવવાની શી જરૂર હતી. ટ્રમ્પની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ. ગયા અઠવાડિયે એક રમૂજ સોશ્યલ મિડિયા પર વહેતી થયેલી કે ઇરાનની ટોચની નેતાગીરી ખપી જવાથી સીઝફાયરની વાત કોની સાથે કરવી એની ટ્રમ્પને અવઢવ હતી એટલે ટ્રમ્પે ઇરાન વતી પોતાની જાત સાથેજ વાત કરી અને પોતેજ સીઝફાયરની જાહેરાત કરી દીધી.
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વૉશિંગ્ટન પોસ્ટે છેક ૨૦૨૧માં પ્રગટ કરેલા એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ હાલતાં ચાલતાં જૂઠ્ઠું બોલ્યા કરે છે. આ અખબારે ૨૦૨૧માં લખેલું કે છેલ્લાં ચાર વર્ષમાં (૨૦૧૮થી ૨૦૨૧ વચ્ચે) ટ્રમ્પ ત્રીસ હજાર પાંચસો તોતેર (૩૦,૫૭૩) વખત જૂઠ્ઠું બોલ્યા છે. ઇરાન સાથે યુદ્ધ શરૂ થયું એ પહેલાં આપણને એનો અનુભવ એક કરતાં વધુ વખત થઇ ગયો છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી મેં નિવારી છે એવું બોલ્યા પછી એમણે થોડા કલાકોમાં યુ ટર્ન માર્યો હતો. અર્થનિષ્ણાતો કહે છે કે હાલની લડાઇના પગલે ૧૯૨૯માં આખી દુનિયામાં જેવી મંદી આવી હતી એવી મંદી તોળાઇ રહી છે. દુનિયાભરના દેશોના અર્થતંત્ર પર બિહામણી મંદી આવી પડશે. આ પાપ ટ્રમ્પના માથે નખાશે એમાં કોઇ શંકા નથી. એક તબક્કે ટ્રમ્પે અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર પીટ હેગસેથ પર દોષનો ટોપલો ઢોળવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો. મેં તો પીટ હેગસેથના કહેવાથી ઇરાન સાથે યુદ્ધ છેડયું. અરે સાહેબ, તમે શું ધાવણા બાળક છો કે કોઇના કહેવાથી એક દેશ સાથે યુદ્ધ શરૂ કરી દો.
અહીં ઔર એક વાત નોંધવા જેવી છે. મુહમ્મદ અલીએ કહેલી વાત તો યાદ રાખવાની જ છે કે હરીફને ક્યારેય નબળો સમજવો નહીં. ગુજરાતીમાં ઔર એક લોકોક્તિ છે. એક મરણિયો સોને ભારે. ઇરાન હવે મરણિયું થયું છે. અભી નહીં તો કભી નહીં સમજીને ઇરાન હવે બમણા જોશથી લડે છે.
મરવું તો મરવું પણ એવી રીતે મરવું કે સામેવાળો ડઘાઇ જાય. ઇઝરાયેલની વાત ઇઝરાયેલ જાણે. અમેરિકા અને ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ડઘાઇ ગયા છે. એમણે આ યુદ્ધ શરૂ કરતી વખતે અમેરિકાના પોતાના ગઇ કાલના ઇતિહાસ પર પણ નજર નાખી નહીં. વિયેતનામ, ક્યુબા, ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ માર ખાધેલો એ તો ગઇ કાલનો ઇતિહાસ છે. આમ છતાં ટ્રમ્પે મિથ્યાભિમાનમાં છકી જઇને ઇરાન-ઇઝરાયેલના સંઘર્ષમાં ઝંપલાવ્યું. હવે આ કળણમાંથી બહાર શી રીતે નીકળવું એ ટ્રમ્પને સમજાતું નથી. ગમે ત્યારે ફરી જવાની ટ્રમ્પની આદતના પગલે હવે કોઇ દેશ કે નેતા આ લડાઇ અટકાવવા મધ્યસ્થી કરવા તૈયાર નથી. ખુવારી બંને પક્ષે થઇ છે અને થવાની છે. પરંતુ ટ્રમ્પ દુનિયાભરમાં બાલિશ નેતા પુરવાર થયા છે.


