- એક જ દે ચિનગારી-શશિન્
- રાજઘાટ એ સત્ય ખાતર ફના થનાર લોકહૃદયના બેતાજ બાદશાહની સમાધિ છે ત્યાં મેલી મુરાદ લઇ જનારને સ્થાન નથી. આજે રાજઘાટ 'રાજકીય ઘાટ' બની ગયો છે
૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮. લોકોનો, લોકો માટે જીવતો, લોકો વચ્ચે ફરતો સાચુકલો એક માણસ રામનામ સાથે સદા માટે પરલોકના ગામાતરે ગયો ! લોકઘાટના માણસને આપણે સમાધિરૂપે 'રાજઘાટે' સાચવાની કોશિશ કરી. આજે પણ રાજઘાટના રાજકારણી પ્રવાસીઓ સ્વાર્થસિધ્ધિ માટે એમના નામમાત્રનું તિલક કરે છે. ગાંધી એમને મન કામધેનુ છે. ગાંધી એમને મન શત્રુઓનું મોં બંધ કરવાનું સાધન છે, એવા માણસોને આ ગાંધી પોતાની હાજરીમાં પોતાની પાસે પળવાર માટે પણ ઊભા ન રહેવા દે. એવાઓ સ્વાર્થગ્રહ માટે ગાંધીની પીઠ પર પગ મૂકીને ઊંચે ચઢવાની કોશિષ કરે છે. વેંતિયાઓ એમના સુધી પહોંચવા સીડીનો આશરો લે છે. પોતાના મુક્તિદાતાની ક્યારેય ન થઇ હોય એવી ફજેતી ગાંધીની થઈ રહી છે. ગાંધીજી નમકનું મૂલ્ય સમજતા હતા એટલે તેઓ ન તો દેશ પ્રત્યે નમકહરામ બની શક્યા કે ન તો માનવતા પ્રત્યે. આજે દેશમાં મીઠું છે પણ માણસમાંથી મીઠું અદ્રશ્ય થઇ રહ્યું છે. મીઠા વગરના નમકહરામ બની શકે, નમકહલાલ નહીં. વિશ્વમાં દેશોને 'મુક્તિદાતા' ઓ તો મળ્યા છે. પણ 'મહાત્મા' મુક્તિદાતા તો જવલ્લે જ મળ્યા છે. ગાંધીજી મુક્તિદાતા પણ હતા અને મહાત્મા પણ. ભારતનું એથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે ?
ગાંધીજીનું જીવન એટલે નૈતિક મૂલ્યોનો કંટકભર્યો પંથ. એમાં 'પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જોને' ના શૂરવીરને જ તેના સ્વીકારનો પરવાનો મળી શકે. તકવાદને એમાં સ્થાન નથી, કારણ કે એ શુદ્ધ પ્રેમ, સેવા અને માનવતાનો મહાપંથ છે, એવો પંથ જેને અપનાવ્યા વગર વિશ્વે ચાલવાનું નથી. જે સમયોચિત નથી એની ભલે બાદબાકી કરી નાખીએ, પણ ગાંધીજીની ઝોળીમાં એવું ઘણું બધું છે, જે માણસને માણસ બનાવી શકે. ગાંધીજીને કોઈકે પૂછેલું ઃ 'બાપુ, તમારે સ્વરાજ શું કામ જોઇએ છે ?'
ત્યારે એમણે તરત કહેલું ઃ 'ઇશ્વરનાં દર્શન કરવા માટે મારે સ્વરાજ જોઇએ છે.'
ગાંધીજીનો સ્વરાજનો આદર્શ બિલકુલ સ્પષ્ટ હતો. પોતાના સ્વપ્નોના ભારતનું સ્વરૂપ આલેખતાં કહ્યું હતું 'પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આપવાની તસ્દી લેનાર તથા જાતમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિન્દુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલાં, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિન્દુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ...સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય !'
ગાંધી દર્શનમાં વર્ણાવ્યા અનુસાર 'અહિંસક સ્વરાજ'માં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળો ભરે, કોઈ નિરક્ષર ન હોય, ઉત્તરોત્તર જ્ઞાન વધતું જાય. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મદ્યપાન, વ્યાભિચાર ન હોય, વર્ગવિગ્રહ ન હોય. ધનિક ધન વિવેકસર વાપરે, ભોગવિલાસ કે અતિશય એશઆરામમાં વાપરે નહીં. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને લાખો લોક હવા-અજવાળું ન હોય તેવા અંધારિયામાં રહે એમ પણ ન હોય. કોઈના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. ત્યાં તંત્ર વ્યવસ્થિત છે. ત્યાં ગેરવાજબી હક કોઇથી ભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું.
આવું સ્વરાજ આપણે ભારતને આપી શક્યા નથી ! ગાંધીજી સાથે આપણે ભારે છેતરપિંડી કરી છે.
ગાંધીજીના વિચારો સત્ય અને અહિંસા પર કેન્દ્રિત હતા. તેમણે કહ્યું હતું ઃ 'અહિંસા એ મારો ધર્મ છે, સત્ય એ મારો ધર્મ છે.' તેમના મતે સત્ય અને અહિંસા એ બે મહત્વપૂર્ણ સિદ્ધાંતો છે જે વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન લાવી શકે છે. સત્ય અને અહિંસા એ માત્ર સિદ્ધાંતો નથી પણ જીવન પદ્ધતિ છે, જીવન શૈલી છે. સાધના, યોગ અને તપનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સત્યનું પણ છે.
ગાંધી એટલે માણસાઈના સ્વપ્નોનો માળી. માણસાઈને એમણે રક્ત-પ્રસ્વેદથી સીંચી છે. રાજકારણના ઓરસીએ બહુ ઘસાયા ગાંધી, ને ખાસ્સા તકસાધુઓએ કરી લીધાં તિલક, હવે તો ગાંધીને આઝાદ રહેવા દઇએ. ગાંધીમાર્ગ એટલે માણસને ચઢેલો શેતાનિયતનો તાવ માપી આપનારું થર્મોમીટર ગાંધીજીની પુણ્યતિથિએ આ થર્મોમીટરને હેમખેમ રાખી 'તાવ'ની દવા શોધવાનો પ્રયત્ન કરીએ એ જ સાચું તર્પણ છે.
વિદ્યાર્થીજીવન ગાંધીજીની નજરે ગાંધીજીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે :
૧. વિનય વિના વિદ્યા પ્રાપ્ત થઇ શકે નહીં. ૨. વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યે ગુરુભાવ કેળવવો જોઇએ. શિક્ષકનું આચરણ ઠીક ન હોય તેની ખાતરી થાય તો વિનય ન છોડતાં, શિક્ષકનો ત્યાગ કરવો જોઇએ. ૩. શિક્ષકને પ્રશ્નો પૂછી વિષય અંગેની ગેરસમજ દૂર કરવી જોઇએ. ૪. શિક્ષક પાસેથી વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. ૫. ઓછું બોલવું અને બધાનું સાંભળવું, પણ સત્ય હોય એ જ કરવું. ૬. ક્ષણેક્ષણનો હિસાબ રાખવો અને જે તે ક્ષણનું કામ જે તે ક્ષણે જ કરવું. કરકસર કરવી. ધનનો ગર્વ ન કરવો.
૭. પાઈએ પાઈના ખર્ચનો હિસાબ રાખવો.
૮. દરરોજ નિયમિત રોજનીશી લખવી. ક્રોધ ન કરવો.
૯. પોતાના દોષોની નોંધ રાખવી.
૧૦. નિયમિત કસરત કરવી અને એકાગ્રતાથી અભ્યાસ કરવો.
ગાંધીજીની અહિંસા વિષેની ખાસ યાદ રાખવા જેવી ચાર બાબતો
૧. મન-વચન-કર્મથી કોઇને દુભવવું એ પણ હિંસા છે.
૨. નિંદા કરવી, ગાળાગાળી કરવી કે અપશબ્દો બોલવા એ પણ હિંસા છે.
૩. બીજાના ધર્મપ્રત્યે અસહિષ્ણુતા દાખવવી એ પણ હિંસા છે.
૪. ક્રોધ પણ એક પ્રકારની હિંસા છે.
રાષ્ટ્રભક્તિ માટે જરૂરી દસ બાબતો
૧. દેશના નાગરિકો સદાચારી બને. શોષણવૃત્તિ અને ભ્રષ્ટાચારથી મુક્ત રહેવું જોઇએ.
૨. દેશના કાયદા-કાનૂનનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું.
૩. મતભેદ ભૂલી રાષ્ટ્રીય એકતા માટે સંપ રાખવો.
૪. રાષ્ટ્રહિતને સર્વોપરી ગણવું.
૫. દેશ માટે કુરબાની આપવા સદાય તત્પર રહેવું.
૬. રાષ્ટ્રીય ચારિત્ર્ય ધરાવતા નાગરિક ને કોઈ વેચી પણ ન શકે અને ખરીદી પણ ન શકે.
૭. અંતઃકરણમાં પવિત્રતા હોય અને સ્વચ્છંદી નહીં પણ સ્વાધીન હોય.
૮. રાજકીય પક્ષોના હાથા ન બનવું.
૯. જે હડતાલો, સરઘસો અને પ્રદર્શનો પાછળ સત્ય ન હોય તેનાથી અલિપ્ત રહેવું.
૧૦. મહાન નેતાઓ અને ક્રાન્તિવીરોનાં જીવન ચરિત્રો વાંચી તેમાંથી ઉચિત પ્રેરણા મેળવવી.


