- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'શું વાત કરે છે દિકરી ? જે છોકરો રોજ તારા રમકડા તોડી નાખતો હતો એ આજે તને ગમી ગયો છે કે શું ?'
આ મન્યા એરકન્ડીશન્ડ ટેક્સીમાંથી બહાર આવી કે તરત જ નડિયાદની ગલીનો ઘોંઘાટ, તડકો, ધૂળ અને ગરમાગરમ ભજિયાંની લારીથી આવી રહેલી સુગંધનું આખું મિશ્રણ તેને ઘેરી વળ્યું.
'આહા... પૂરા ચાર વરસ પછી! ફરી એ જ મારું નડિયાદ...'
કેલિફોર્નિયાથી આવેલી આમન્યા થોડી ખાટીમીઠી યાદોમાં સરી પડી. ચાર વરસ પહેલાં જ્યારે તે એકલી કેલિફોર્નિયાથી નડિયાદ આવી હતી... ત્યારે ?
'આવી ગઈ કેલિફોર્નિયાની મિસ અમેરિકા ?'
વૈભવે તેને અમદાવાદના એરપોર્ટ પરથી બહાર નીકળતાં જ ગાલ ઉપર ચૂંટિયો ખણીને સ્વાગત કર્યું હતું. આમન્યા તેને જોતી જ રહી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામના ફોટામાં જે વૈભવ દેખાતો હતો તેના કરતા આ કંઈ અલગ જ હતો.
આંખોમાં ગજબની ચમક, હોઠો ઉપર સતત રમતું રહેતું હાસ્ય, જરી અમથી પવનની લહેરખીમાં ઝૂમી ઉઠતા વાળ, કસાયેલી કાયા ઉપર ચપોચપ ટી-શર્ટ અને એની ઉપર બટન બંધ કર્યા વિનાનું ચોકડીવાળું બેફિકર શર્ટ...
'શું જોયા કરે છે ?' વૈભવે પૂછ્યું હતું.
'તું કેટલો બદલાઈ ગયો છે ?'
'પંદર વરસમાં ભલભલું બદલાઈ જાય તો આ નાચીઝ શું ચીજ છે ? બાકી, તું અહીં જે સ્કૂલ-ડ્રેસ પહેરીને બે ચોટલાવાળી ફર્યા કરતી હતી એ આમન્યા પણ ક્યાં રહી છે?'
'પણ આપણી દોસ્તી હજી એવી ને એવી જ છે ! હવે બોલ, શું પ્રોગ્રામ બનાવ્યો છે ? '
'પહેલા નડિયાદ પહોંચીને તારી માસીના હાથની પોચી પોચી ગરમાગરમ ફૂલકા રોટલી ખાઈ લે પછી કહું છું.'
વૈભવે આમન્યા માટે આખો પ્રોગ્રામ ક્યારનો તૈયાર રાખેલો હતો. 'એક એનઆરઆઇ છોકરીને શું જોઈએ ?' વૈભવે તેના દોસ્તને કહેતો હતો ઃ 'એ લોકો ફોરેનમાં રહીને ઇન્ડિયા મિસ કરતા હોય એમાં ય આ મિસ કેલિફોર્નિયા તો બડા ધાર્મિક છે એટલે એને અંબાજી લઈ જઈશ, ડાકોર ફેરવીશ, સોમનાથના દર્શન કરાવીશ અને શ્રીનાથજીની બાધા પણ લેવડાવીશ!'
વૈભવે ખરેખર આમન્યાને ખુશ કરી દીધી હતી. એક ભાઈબંધની ઉધારમાં લીધેલી કાર, બીજા દોસ્તને પટાવીને લીધેલું ક્રેડિટ કાર્ડ અને બાકીના દોસ્તોની મદદથી તેણે આમન્યાને કોઈ ટુરિસ્ટ ગાઇડની માફક ફેરવી તો ખરી જ, ઉપરથી રોજ કોઈના ખેતરમાં, ફાર્મમાં કે ઘરના ધાબા ઉપર દેશી રોટલા, રીંગણનો ઓળો, મસાલેદાર ખિચડી- કઢી વગેરેના સ્વાદ ચખાડયા હતા.
જ્યારે લાગ્યું કે, આ એનઆરઆઇ છોકરી દેશી જલસામાં તરબતર છે ત્યારે તેણે એક સાંજે પોતાના દિલની વાત છેડી હતી.
'યાર.. આ બધું તો ઠીક છે પણ અમેરિકા એટલે અમેરિકા ! અહીં નડિયાદમાં ફ્યુચર જ શું છે ? ભલે હું મામુલી કોમર્સ ગ્રેજ્યુએટ હોઉં, પણ અહીં નોકરીમાં મળી મળીને શું મળે ?'
'પણ તારા ડેડીની દુકાન તો
છે ને?'
'દુકાનમાં ય શું કમાવાનું ? અહીં રૂપિયાના ત્રણ અડધા શોધે એવા ઘરાકો હોય ત્યાં હાથમાં શું આવે ?'
'એમ તો અમેરિકામાં પણ હાર્ડશીપ તો છે જ ને ?'
'હા, પણ હાર્ડશીપનું ફળ પણ મળે છે ને ? આમન્યા જો તું મને હેલ્પ કરે તો મારે અમેરિકા આવવું છે. જરૂર પડે તો તારા ડેડીની મોટલમાં પોતા મારવા પણ તૈયાર છું.'
આમન્યા હસી પડી હતી 'એની જરૂર નહીં પડે. હું ડેડીને જરૂર તારી વાત કરીશ.'
'માત્ર વાત નહીં તારા ડેડી મને સ્પોન્સર કરે, તો કંઈક વાત બને.'
આમન્યાએ એ જ રાત્રે કેલિફોર્નિયા કૉલ કરીને બધી વાત કરી હતી. ડેડી તો 'હા કંઈક કરું છું' એટલું જ બોલ્યા હતા પણ મમ્મી આમન્યાની દિલની વાત પામી ગઈ હતી.
'શું વાત કરે છે દિકરી ? જે છોકરો રોજ તારા રમકડા તોડી નાખતો હતો એ આજે તને ગમી ગયો છે કે શું ?'
'તમે ય શું મમ્મી !' કહેતા આમન્યાના ગાલે શરમના શેરડા પડયા હતા.
એ પછી આમન્યાએ વૈભવને તમામ મદદ કરી. વિઝા માટે ફોર્મ શી રીતે ભરવું, ઇન્ટરવ્યૂમાં શું બોલવું, અહીં નડિયાદમાં કેટલી પ્રોપર્ટી બતાવવી... બધું જ.
છતાં એક ઢળતી સાંજે નડિયાદની પાસેના એક ખેતરની પાળે બેઠેલા વૈભવે હતાશાના સૂરમાં કહ્યું હતું ઃ 'આમન્યા... આ બધું ક્યારે પાર પડશે ? અને ક્યારે આપણે બંને કેલિફોર્નિયામાં સાથે હોઈશું.'
ત્યારે આમન્યાએ તેના વાળમાં આંગળી ફેરવતા કહ્યું હતું, 'ચિંતા ના કરીશ વૈભવ ! હું હંમેશાંથી તારી સાથે જ છું અને સાથે જ હોઈશ.'
વૈભવે ધીમે રહીને તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો હતો. આમન્યાના હોઠો વૈભવના હોઠ પાસે પહોંચી ગયા હતા.
***
એ સાંજ... અને એ રાતની યાદો લઈને આમન્યા પાછી કેલિફોર્નિયા જતી રહી હતી. એ પછી બન્ને સતત મોબાઇલ વડે એકબીજાના સંસર્ગમાં હતા... અમેરિકામાં દિવસ હોય ત્યારે વૈભવ અહીં નડિયાદમાં રાત્રે ત્રણ- ત્રણ વાગ્યા સુધી જાગીને વિડીયો કોલ પર ગાંડી ઘેલી વાતો કરતો.
પરંતુ બે વરસ પહેલાં થોડું બદલાયું...
વૈભવના ફોન ઘટતા ગયા. પહેલા કહ્યું કે, બાપાની દુકાનમાં બેસવાનું ચાલુ કર્યું છે. પછી 'બિઝનેસ વધાર્યો છે પણ વિઝાની જ રાહ જોઉ છું.' અને પછી અચાનક વૈભવના દોસ્તના મોબાઇલથી મેસેજ આવ્યો કે, 'મારો મોબાઇલ બગડી ગયો છે. નવું સિમ-કાર્ડ લઈને પછી તને મેસેજ કરું છું.'
બસ એ પછી વૈભવનો કોઈ સંપર્ક નહોતો. આજે આખી વાતને ચાર વરસ વીતી ગયા હતા.
'આવ દિકરી, કંઈ બહુ થાકેલી લાગે છે ? તબિયત તો ઠીક છે ને ?'
'તબિયત નહીં, માસી...' આમન્યાએ કહ્યું, 'મનને ચેન નથી.'
'શું વાત છે ?' માસીએ પૂછ્યું.
આમન્યાએ હવે પૂછી જ નાખ્યું, 'પેલો વૈભવ ક્યાં છે આજકાલ ?'
'એ તો કેનેડા જતો રહ્યો ને ?' માસી બોલી ઉઠયા, 'પેલા ઉમરેઠવાળા કરસનભાઈની છોકરી ખરીને, જરા આંખો ત્રાંસી હતી એ ? એ કેનેડાથી મેેેરેજ માટે અહીં આવેલી... વૈભવ તો એને પરણીને જતો રહ્યો, કેનેડા !'
આમન્યાને છેક હવે સમજાયું કે, વૈભવ તેના નહીં પણ 'ફોરેન'ના પ્રેમમાં પડયો હતો.


