Get The App

નકલી ચીજ-વસ્તુઓના બજારમાં ચીન છે નંબર વન

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
નકલી ચીજ-વસ્તુઓના બજારમાં ચીન છે નંબર વન 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

દુનિયાના નંબર વન કાઉન્ટરફિટર તરીકે ચીન આપણા દેશ કરતાં વધુ કુખ્યાત છે. એંશીના દાયકાના અંત ભાગમાં સામ્યવાદી રાષ્ટ્ર ચીને વિદેશી મૂડીરોકાણ માટે પોતાના દરવાજા ઉઘાડા મૂક્યા ત્યારે બીજિંગ તરફ દોટ મૂકનારાઓમાં સૌથી આગળ પાઇરેટ્સ (નકલી વસ્તુઓ બનાવનારાઓ) જ હતા. હોંગ કોંગ, તાઇવાન અને દક્ષિણ કોરિયાથી આવેલા આ લોકો પોતાની સાથે બ્રાન્ડ ન્યુ ઓજારો અને ઉપકરણો લઈ આવ્યા હતા. ચીનના મજૂરીના દરો પર સવાર થઈને આ બે નંબરી ઉત્પાદકો મોટા પાયે બોગસ વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. અમના માલનું પેકિંગ અટલું અફલાતૂન હતું કે ગમે તેવો હોંશિયાર ગ્રાહક પણ એને અસ્સલ બ્રાન્ડની વસ્તુ માની બેસે. વાસ્તવમાં, ઍશિયાનો એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં ચાંચિયાગીરી (પાઇરસી) ચાલતી ન હોય. ઍશિયન દેશોમાં વેપાર કરતી મોટી કંપનીઓ તો હવે ચીજવસ્તુઓની ચાંચિયાગીરીથી ખૂબ જ ત્રાસી ગઈ છે. એમને ઉત્પાદનની સાથોસાથ નકલખોરો સામે ઝઝૂમવા સારી એવી રકમનું અલગ બજેટ ફાળવવાની ફરજ પડી છે. મોટા ભાગની નકલી ચીજા ઍશિયામાંથી જ બીજા ખંડોના દેશોમાં ઘુસાડાય છે. આજે બજારમાં એવી કોઈ જ વિખ્યાત બ્રાન્ડ નથી જેની નકલી બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ ન હોય. કોઈ મોટી કંપની ગમે તેટલી ગુપ્તતા જાળવીને તેની પ્રોડક્ટ બહાર પાડે, પણ મહિનાઓ નહીં, ગણતરીના જ દિવસોમાં હૂબહૂ તેના જેવી જ દેખાતી નકલી પ્રોડક્ટ બજારમાં અચૂક આવી જ ગઈ હોય. નવાઈ તો એ વાતની છે કે આ દેશોમાં એવું તે કેવું તંત્ર છે કે સ્થાનિક નાના ઉત્પાદકો પાઇરેટેડ આઇટમોથી બજાર છલકાવી દે છે. એ વાત સાબિત થઈ ગઈ છે કે નકલખોરોને સરકાર તથા સશસ્ત્ર દળોમાંથી જ શક્તિશાળી વ્યક્તિઓનું પીઠબળ પ્રાપ્ત હોય છે. એને કારણે તેઓ સિન્ડિકેટ બનાવીને નિશ્ચિતપણે પાઇરેટેડ ચીજાનો વેપાર કરતા હોય છે. આ ધંધામાં અશિયાના દેશોના નકલખોરો માટે ચીન ગુરુજી જેવું રહ્યાં છે.

ન્યુઝીલેન્ડવાસીઓને પણ ગાયના મૃત્યુનું દુ:ખ!

હિંદુ શાસ્ત્રો કહે છે કે ગાયના શરીરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગાયને એટલે જ આપણે અત્યંત પવિત્ર ગણીએ છીઅ. ગાયનું મૃત્યુ આપણા માટે ખરા દુ:ખ અને પીડાનું કારણ બની શકે છે. પરંતુ અહીં વાત એક એવી ગાયની છે જેનું મોત ન્યુઝીલેન્ડવાસીઓ માટે અફસોસનું કારણ બની ગઈ. ન્યુઝીલેન્ડમાં ગાયને માતા તરીકે પૂજવાનો કોઈ રિવાજ ન હોવા છતાંય. એનું કારણ છે. આ ગાય દુનિયાની સૌથી મહાકાય ગાય હતી. એને પહેલી વાર જોનાર માણસ તો રીતસર હબકી જ જતો : આ તે ગાય છે કે હાથણી? પૂરા ૨૦૦૦ કિલો વજન ધરાવતી આ ગાયની પીઠ સુધીની ઉંચાઈ ૬ ફૂટ કરતાંય વધારે હતી! ગાયની માલિકણ જેનેટ કેમ્પબેલ કહે છે, 'મેં મારી ગાયનું નામ 'બિગ રેડ' પાડયું હતું. આટલું વજનદાર શરીર હોવાને કારણે બાપડીના પગ અને સાથળ દુખ્યાં કરતાં. કેટલીય વાર મારે પ્રાણીઓના ડૉક્ટરને બોલાવવા પડતા અને બિગ રેડની સારવાર કરાવવી પડતી.' ન્યૂઝીલેન્ડમાં બિગ રેડનાં માનપાન એક સેલિબ્રિટી કરતાં કમ ન હતાં. તેને ખાસ જોવા જેનેટના ફાર્મ પર કેટલાંય લોકો આવતા. બિગ રેડને એક ભાઈ પણ છે, જોકે તે એના જેટલો ઊંચોપહોળો નથી. જેનેટે સ્વર્ગસ્થ બિગ રેડના માથાનાં અસ્થિ સાચવી રાખ્યાં છે. 'આ હાડકાં પરથી આસાનીથી અંદાજ મળી શકે કે આખેઆખી ગાય કેટલી તોતિંગ હશે.'

પતિ-પત્ની, પત્ની-પતિ બની ગયા

સમાજમાં એવા ઘણાં પુરુષો હોય છે, જેમના નરદેહની અંદર માદાનું વ્યક્તિત્વ વધુ પ્રબળ હોય છે. એ જ રીતે કેટલીક સ્ત્રીઓ પણ અંદરખાને પુરુષ જેવી હોવાને કારણે ભાયડાછાપ તરીકે સમાજમાં બદનામ હોય છે. કલ્પના કરો કે પોતપોતાની જાતિ (સેક્સ) બાબતે બેચેન હોય તેવાં સ્ત્રી-પુરુષ પરણે ત્યારે શું થાય? હંગેરીના એક શહેરમાં આવું એક દંપતી છે. સઝેકેસફેહેરવાર જેવું અતિવિચિત્ર નામ ધરાવતા આ શહેરમાં વસતા એક દંપતીને સતત એવું લાગ્યા કરતું હતું કે તેમણે પોતપોતાની સેક્સ વિશે કશુંક કરવું જોઇએ. 

પતિને પત્ની બનવાની ઇચ્છા હતી અને પત્નીને પતિનો રોલ ભજવવો હતો. થોડા સમય સુધી પોતાની સેક્સ બાબતે પીડાયા બાદ છેવટે બંનેએ જાતિપરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવવાનો નિર્ણય લીધો. બંનેએ એકસાથે સેક્સચેન્જનાં ઓપરેશનો કરાવ્યાં. સાથે સાથે સેક્સચેન્જનાં ઓપરેશનો કરાવનાર વિશ્વના પ્રથમ દંપતી તરીકે આ પતિ-પત્નીનાં (જે હવે પત્ની-પતિ બની ગયાં છે તેમનાં) નામ ઇતિહાસમાં નોંધાઈ ગયાં છે. જો કે સાચું પૂછો તો તેમનાં નામ ક્યાંય નોંધાયાં નથી, કારણ કે શરમને કારણે તેમણે પોતાનાં નામ જાહેર જ નથી કર્યાં. તેમની તસવીર પણ ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ. હંગેરીના કોસુથ રેડિયોએ આ દંપતી વિશેના ન્યૂઝ દુનિયા સમક્ષ જાહેર કર્યાં હતાં.

શું ડિપ્રેશન થવાનું કારણ મગજનાં રાસાયણિક ફેરફાર છે?

ડિપ્રેશન (હતાશા) આધુનિક સમયનો એક ખૂબ જ સામાન્ય માનસિક રોગ છે. એક અંદાજ મુજબ ૩૦થી ૩૫ ટકા લોકોને જીવનકાળ દરમિયાન કયારેક ને કયારેક ડિપ્રેશનના હુમલાઓ આવ્યા હોય છે. નવાઈની વાત એ છે કે આમાંથી મોટા ભાગનાને ખબર પણ નથી પડતી કે એમને ડિપ્રેશનની તકલીફ થઈ છે. મનોચિકિત્સકો માને છે કે પ્રમાણની દ્રષ્ટિએ મેલેરિયા, શરદી, ફ્લૂ, ગેસ્ટ્રો જેવાં સામાન્ય દર્દો પછી ડિપ્રેશનના રોગનો નંબર આવે છે. સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉંમર પછી ડિપ્રેશનના હુમલા આવવાની શક્યતા વધુ છે. આપણા મગજમાં આવેલાં સિરોટોનિન અને નોરઅપિનેફ્રિન નામનાં રસાયણમાં ઘટાડો થવાથી ડિપ્રેશનનો હુમલો આવતો હોવાનું મનોચિકિત્સકો માને છે. જીવનના પાછળના તબક્કામાં શારીરિક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને બાળકો સાથે અનુકૂલન સાધતાં તકલીફ પડે ત્યારે, નિવૃત્તિ પછી કે કુટુંબમાં પોતાની અગત્યતા ઓછી થઈ ગઈ હોવાનું લાગે ત્યારે અને છૂટાછેડા, સાસરિયાંનો ત્રાસ, આર્થિક નુકસાન જેવાં બાહ્ય કારણસર થતા ડિપ્રેશનને રીઍક્ટિવ ડિપ્રેશન કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ (રજાનિવૃત્તિ) પછી શરીરમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનની સમતુલામાં ફેરફાર થવાથી પણ ઘણી સ્ત્રીઓને ડિપ્રેશનનો હુમલો આવે છે. આ પ્રકારના ડિપ્રેશનને ઍન્ટોજીનસ ડિપ્રેશન કહેવાય છે. ડિપ્રેશનનાં લક્ષણો વ્યક્તિએ વ્યક્તિઅ બદલાતાં રહે છે.

આસામી પ્રજાની હાલાકીનો ઇતિહાસ જૂનો છે

અંગ્રેજો પહેલવહેલા ૧૮૨૬માં આસામ પ્રદેશમાં આવેલા. ત્યારે તેમણે અસામિયા લોકોનું ઝનૂન અને તેમની ક્રૂર બની શકવાની તાકાત જોઈ લીધી હતી. લુચ્ચા અંગ્રેજોઅ આસામ પ્રદેશમાં અફીણનો વપરાશ વધાર્યો. સુખી પ્રજા આળસુ બની. ચાના બગીચાના વહીવટ માટે અંગ્રેજો બંગાળીબાબુઓને આસામમાં લઈ આવ્યા. બિહાર-બંગાળ-ઓરિસ્સાની સરહદો મળે છે તે પ્રદેશ સાંથાલ નામે ઓળખાય છે. સાંથાલ અને ઝારખંડમાંથી અંગ્રેજા બગીચામાં કામ કરવા ખેતમજૂરોને લઈ આવ્યા. આજે આસામમાં ચાના બગીચાના મજૂરો ૪૦ લાખની સંખ્યામાં છે જેઓ મૂળ આસામના નથી. અહીંની મૂળ પ્રજા છે કચાર, બોરો (બોડો), ચોટિયા, ઝિંગા બિલ, કડા બિલ, ચકરદો, ગોરુબહાસા, જેતિયા, મિશિંગ, કારબી જેવા સશક્ત લડાયક આદિવાસી. બોરોને હરાવીને બર્મા-થાઇલૅન્ડના પ્રદેશમાંથી તાઇ-અહોમ પ્રજા આવી. આ પ્રજાઅ બ્રહ્મપુત્રાની ખીણમાં ૬૦૦ વર્ષ (૧૨૨૮-૧૮૨૬) રાજ કર્યું. આ અહોમ શાસક વંશે આસામની ભાષા અપનાવી લીધી. આ અહોમ કુળ આસામ ઉપર આજે પણ છવાયેલું છે. આસામની આજની તમામ તકલીફો, ત્રાસવાદ, ખૂનામરકી, હુલ્લડોના પાયાની વાત એ છે કે અહોમ પ્રજાએ સતત સત્તા ભોગવવી છે. આ શાસક વંશે હંમેશાં સમૃદ્ધિ જ ભોગવી છે.