Get The App

વર્ષ બદલાય છે, પણ માણસ બદલાય છે?

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષ બદલાય છે, પણ માણસ બદલાય છે? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- સમયે કરવટ બદલી છે, અને 2026નું નવું વર્ષ શરૂ થવાનું છે વિતેલા વર્ષને અલવિદા કહીએ અને નૂતન વર્ષનાં તેજોમય રશ્મિને આવકારીએ

સ મયે કરવટ બદલી છે અને ૨૦૨૬નું નવું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે વિતેલા વર્ષને અલવિદા કરીએ અને નૂતન વર્ષનાં તેજોમય રશ્મિને આવકારીએ. નવું વર્ષ એટલે સમયનો નવો થવાનો સાદ. પરિવર્તનનો પોકાર અને પડકાર અંદરથી સતત વિકસિત રહેવાનો ઉલ્લાસ. નવું વર્ષ પાવનતાની યાચના અને અમલ માટે છે. જેને મળીએ તેને એ વાતની પ્રતીતિ કરાવીએ કે શું ગઈકાલનો વાસી માણસ નથી.

ભૂતકાળ વાગોળીએ, વર્તમાનને માણીએ, સમયની ચાલ પીછાણીએ, નિર્ણયોને વિવેકની દ્રષ્ટિએ માણીએ અને મધુર સ્વપ્નોની પાંખે સવાર થઈને મંગલમય ભાવિની ઝંખના કરીએ, એ જ જીવનને મંજૂર હોય છે.

 ડિસેમ્બરના છેલ્લાં દિવસો અને જાન્યુઆરીના શરૂઆતના દિવસો એટલે પ્રેમાળ, ક્ષમામૂર્તિ, ત્યાગ અને બલિદાનની સાકાર પ્રતિમા ઈસા મસીહની સ્મૃતિનું મહાપર્વ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં નાતાલ ઉજવાય છે ને એ પછી નવી આશા સાથે નવું વર્ષ શરૂ થાય છે.

આ નવું વર્ષ ખ્રિસ્તી નવું વર્ષ ગણાય છે. પરંતુ હવે તો દુનિયાભરમાં એની ઉજવણી થાય છે. ખ્રિસ્તી ધર્મને ક્રિશ્ચિયન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધર્મના સ્થાપક જીસસ ક્રાઈસ્ટ (ઈસા મસીહ) છે. જીસસે માનવ જાતિને ઈશ્વરપ્રેમ અને માનવપ્રેમ તથા કરૂણા અને ક્ષમાનો સંદેશો આપ્યો કે જે મનુષ્યને પણ હૃદયથી ચાહે છે, ઈશ્વર તેને પ્રેમ કરે છે.

ઈશ્વર એક દયાળુ પિતા સમાન છે. ઈસુએ પોતે ઇશ્વરના પ્રેમાળ સ્વરૂપને અભિવ્યક્ત કરી એમને ત્રાસ ગુજરનારને દંડ કરવાની ઈશ્વરને પ્રાર્થનાને બદલે ક્ષમા આપવા વિનંતી કરી.

ઈસુના ઉપદેશમાં માનવજાતિ માટે એક નવીન સંદેશ અને પ્રેરણા છે. ઈસુની વાણીમાં સરળતા છે અને નિરાડંબરતા છે. એમણે કહ્યું કે 'એક પિતા પ્રભુ આપણો, એક જ સહુ સંતાન' એમની વાણીએ 'લાખો માનવીનાં હૃદય હચમચાવી મૂક્યાં છે. પ્રત્યેક યુગે તેમની વાણીની સ્મૃતિ તાજી રાખી છે. આ વાણી માનવ જાતિની મહામૂલી સંપત્તિ છે. ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ ટૂંકમાં સમજીએ.'

૧. પ્રભુનું રાજ્ય અને પવિત્રતાનો સંદેશ. અહિંસા અને માનવસેવાનો સંદેશ.

૨. પશ્ચાતાપ અને ક્ષમાનો સંદેશ

૩. પડોશીધર્મ અને અપરિગ્રહનો સંદેશ

૪. આત્મનિરીક્ષણ, મન:શુદ્ધિ અને પ્રભુમાં અખૂટ વિશ્વાસનો સંદેશ.

૫. નમ્રતા, ગરીબી અને સાદગીનો સંદેશ. ઇશ્વરના પ્રેમાળ પિતૃત્વનો સંદેશ.

૬. ચારિત્ર્ય શુદ્ધિ, આડંબરહીનતા, તથા મન-કર્મના સંબંધ અને સંયમનો સિદ્ધાંત આ સારસંક્ષેપ છે. આ આખરી સંપૂર્ણ યાદી નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે. આપણે પરસ્પર પ્રેમ દાખવવો જોઈએ. કેમ કે પ્રેમ એ પરમાત્માની ભેટ છે. તેથી જ જે કોઈ પ્રેમ કરે છે તે પરમાત્માનો અંશ છે.

ઈસુનો ઉપદેશ ગુમરાહ બનતા માનવજીવન માટે દિવ્ય સંદેશ છે. ઈસા મસીહે પોતાના બાર શિષ્યોને દીક્ષિત બનાવ્યા બાદ એક દિવસ પર્વત ઉપર જે ઉપદેશ આપ્યો તે 'ગિરિપ્રવચન' તરીકે ઓળખાય છે.

વીતેલા વર્ષને અતીતના ખોળે સૂતેલાં વર્ષોની પંક્તિમાં બેસાડીને, આપણે આરંભીએ છીએ, આશા, ઉલ્લાસ અને પ્રસન્નતાનું પાથેય લઈને જીવનની નૂતન યાત્રા.

વીતેલા વર્ષ, મને આપ તારો હિસાબ, માનવ તો જન્મ્યો છે, હસવા માટે એની આંખમાં આંસુનાં તોરણ બાંધવાની ધૃષ્ટતા આચરતા કાળ તને શું કહેવું ? સદીઓ વીતી ગઈ, યુગોય આળસ-મરડીને નામશેષ થઈ ગયા, તો ય આદમજાતને આદમીની જેમ જીવતાં ના આવડયું, એમાં દોષ કોનો?

વર્ષ બદલાય છે પણ માણસ બદલાય છે ખરો ? વાસીપણાના 'રિન્યુઅલ' સિવાય નવા વર્ષને કશુંક નવું આપવા માટેની તૈયારી હોય છે ખરી ? નવા વર્ષને આપણે 'હક'નું વર્ષ બનાવવા માગીએ છીએ કે ફરજનું ? બહાનાબાજીનું કે કર્તવ્યનિષ્ઠાનું ? આપણા હૃદયમાં થોડી વધુ ભીનાશ ઉમેરીને આપણે સંવેદનશીલ માણસ બની શકીએ છીએ ખરા ? આપણા રુઆબરમાં ઘટાડો અને નમ્રતા તથા સહયોગ તત્પરતામાં વધારો કરી શકીએ છીએ ખરા ? દેશ પાસેથી આપણને જે કાંઈ મળ્યું છે એનો બદલો આપણે દેશને આપી શકીએ છીએ ખરા ? ઇન્ક્રિમેન્ટની વાત કરીએ છીએ ત્યારે વર્ષ દરમિયાન આપણી કાર્યદક્ષતા અને કાર્યનિષ્ઠા વધારવાનો આપણે પ્રયત્ન કર્યો છે ખરો ? આપણો અહંકાર ઘટયો છે ખરો ? આપણે લોભ લાલચને નાથી શક્યા છીએ ખરા ?

બદલાતું વર્ષ આત્મદર્શનનો અરીસો છે. જીવવા મળેલા ૨૪ કલાકમાંથી જે કાંઈ શ્રેષ્ઠ તારવી શકીએ, બચાવી શકીએ, તે જ આપણો '૨૫'મો કલાક. જીવનમાં 'રાગ'ની અતિશયતા અને 'ત્યાગ'ની અલ્પતા એનું નામ કળિયુગ.

નવા વર્ષે તમારા જીવનમાંથી કળિયુગની બાદબાકી કેટલા પ્રમાણમાં કરી શકો છો, એ જ તમારો '૨૫'મો કલાક. આ '૨૫' કલાકમાં તમે માનવતાના બાદશાહ બનો, ખુશીનો મહાસાગર બનો, અંત:કરણના અંધારાને ઉેલચનારા પુરુષાર્થી બનો. જીવનમાં સાર્થક અભિગમ અપનાવી સુખી થાઓ અને બીજાને સુખી કરો.

નવું વર્ષ વાસી વર્તનને વિદાય આપવાનું અને અંદરથી નવાનકોર બનવાનો પેગામ લઈને આવે છું. નવું વર્ષ આપણા માટે ઘણું બધું નવું લઈને આવે છે.  પણ આપણે નવા વર્ષને શું આપીએ છીએ ?

૧. નવા વર્ષે પાત:કાળે પ્રસન્ન મનથી પ્રાર્થના કરો.

૨. મનની બારી ખુલ્લી રાખી તાજા અને વિધાયક વિચારોને પ્રવેશવાની અનુકૂળતા કરી આપો.

૩. દિવસ-વર્ષ દરમિયાન કરવાનાં સઘળાં કામો શ્રદ્ધાપૂર્વક ઉમંગભેર કરો.

૪. પરિવાર, પડોશી, મિત્રો અને સ્વજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવો.

૫. શુભેચ્છા પાઠવવી એટલે ઇશ્વરના કર્તવ્યમાં શ્રદ્ધા રાખવી. તમે માણસને ખરા અંત:કરણથી શુભેચ્છા પાઠવો, બાકી બધું ઇશ્વર પર છોડી દો.

૬. જીવન પ્રત્યેના સકારાત્મક દ્રષ્ટિકોણને કદી ન છોડશો.

૭. જીવનની પાઠશાળાના વિદ્યાર્થી બ ની દરેક અનુભવમાંથી કશુંક શીખવાનો પ્રયત્ન કરો.

૮. મન અને હૃદયને વિશાળ બનાવી પ્રેમની ગંગાને અબાધ ગતિએ વહેવાનો મોકો આપો.

૯. તમારા વાણી, વર્તન અને આચરણ વગેરેમાં ઇશ્વરનો પહેરો રાખો.

૧૦. પ્રત્યેક કાર્ય ઇશ્વરે તમને સોંપેલી જવાબદારી છે, એમ સમજી કામને પતાવવા નહીં પણ દીપાવવાનો સંકલ્પ કરો.

નૂતન વર્ષ શક્તિ અને સામર્થ્યનું વર્ષ બને, સ્નેહની શરતહીન લહાણીનું વર્ષ બને, આત્મવિશ્લેષણ અને આત્મજાગૃતિનું વર્ષ બને, અને જીવનની પ્રત્યેક ક્ષણને નવીનતાના અનુભવથી છલકાતું મલકાતું બનાવે, એથી રૂડી કામના શી હોઈ શકે ?

અત્યારના ભૌતિક યુગમાં માણસોને લક્ષ્મીમાં વધુ રસ હોય છે. નવા વર્ષે માણસને ઈશ્વર પાસે કેવા પ્રકારની લક્ષ્મી માટે પ્રાર્થના કરવી જોઈએ ?

૧. પ્રભુ, મને સન્માર્ગે વાપરી શકાય એવી શુદ્ધલક્ષ્મી આપજો.

૨. ઇર્ષ્યા-દ્વેષ અને આક્ષેપોથી મુક્ત રહી શકાય તેવી સહિષ્ણુતા લક્ષ્મી આપજો.

૩. વેરવૃત્તિથી બચાવે તેવી 'ક્ષમાલક્ષ્મી' આપજો.

૪. ધન પાછળ ઘેલા ન થવા દે તેવી વિવેકલક્ષ્મી આપજો.

૫. વર્તમાનને પારણે ઝૂલતા વર્ષ તને નમસ્કાર ભાવિની આંખે ભાળતા વર્ષ તને નમસ્કાર !