Get The App

સ્લૉ ડેથ: જિંદગીનું અને પ્રેમનું .

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
સ્લૉ ડેથ: જિંદગીનું અને પ્રેમનું                              . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- એક દિવસ કૌશલના મોબાઈલમાં પીડીએફ ફાઈલ આવી. તેમાં એક યુવાનના ફોટા અને બાયો ડેટા હતો.

'ભા ઈ કૌશલ, મારી વાત ધ્યાનથી સાંભળજે... ડૉક્ટરે કૌશલને સાઈડમાં બોલાવીને, શાંતિથી બેસાડીને, પછી ખૂબ જ સાવધાની સાથે કહ્યું :' :

'તારો જે બ્લડ રિપોર્ટ આવ્યો છે એમાં, મને કહેતાં ખરેખર અફસોસ થાય છે, પણ તારો એચઆઈવી રિપોર્ટ પોઝિટીવ છે...'

***

કૌશલને આખી વાત સમજાતાં જ ખાસ્સી વાર લાગી. એચઆઈવી પોઝિટીવ ? એટલે...એઈડ્ઝ ?

એક મિનિટ માટે તો કૌશલને ચક્કર આવી ગયાં. ડૉક્ટરે આપેલો પાણીનો ગ્લાસ પીધા પછી તેને પહેલો વિચાર એ આવ્યો કે 'આ એઈડ્ઝ આવ્યો ક્યાંથી ?'

એકવીસ વરસના કૌશલને ન તો ક્યાંય શરીર સુખ માટે મોં મારવાની આદત હતી. કે ન તો તેને બીજી કોઈ શારીરિક ંસબંધની વિકૃતિ હતી. તો પછી આ ચેપ આવ્યો ક્યાંથી ?

આ પહેલાં કૌશલે એકવાર તેની સ્કૂલમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું. એ પછી એકવાર કોલેજમાં બ્લડ ડોનેટ કરેલું. અને આજે તેની સોસાયટીમાં યોજાયેલા કેમ્પમાં માત્ર ત્રીજી વાર...

પરંતુ કૌશલ રક્તદાન કરે તે પહેલાં જે બ્લડ ટેસ્ટ લેવાયો તેમાં જ -

***

હવે કૌશલનું નામ સરકારના એન્ટી એઈડ્ઝ પ્રોગ્રામમાં નોંધાઈ ચૂક્યું હતું. તેની ઉપર અવારનવાર ફોન આવતા રહેતા હતા. આ બધા ફોનમાં એક વાત કૌશલને દિલમાં અણીદાર તીરની માફક ઉતરી ગઈ હતી કે -

'હવે તમે જો લગ્ન કરવા ઇચ્છતા હો, તો સામેની વ્યક્તિ 'એચઆઈવી પોઝઇટીવ' જ હોવી જોઈશે. નહિતર તમે કોઈ નોર્મલ વ્યક્તિને તમારો ચેપ લગાડીને તેની જિંદગી બરબાદ કરી નાંખશો...

'બસ, આ જ વાત કૌશલને કોરી ખાતી હતી કે 'મને આ ચેપ લાગ્યો છે એ કવિતાને કહેવું શી રીતે ?'

હા, કૌશલ અને કવિતા બાળપણથી એકબીજાના ખાસ દોસ્ત હતાં. સ્કૂલમાં પણ સાથે અને કોલેજમાં પણ સાથે ભણતાં ભણતાં આ દોસ્તી ક્યારની પ્રેમમાં પલટાઈ ચૂકી હતી.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે કૌશલ અને કવિતાએ ક્યારેય એક ક્ષણ માટે પણ એમની શારીરિક મર્યાદા ઓળંગી નહોતી. પરંતુ હવે....

કવિતાને કહેવું શી રીતે ?

***

આખરે કૌશલે નક્કી કર્યું કે કવિતાને કશું જ કહેવાની જરૂર નથી. બસ, ધીમે ધીમે જે રીતે પોતે મૃત્યુની નજીક સરકી રહ્યો છે એ જ રીતે ધીમે ધીમે તે કવિતાથી પણ દૂર સરકી જશે.

આ જ એક ઉપાય હતો. સ્લો ડેથ...પોતાનું અને પોતાના પ્રેમનું...

શરૂશરૂમાં કૌશલે તેના વર્તનમાં કોઈ ફેરફાર કર્યો નહીં. પછી ધીમે ધીમે 'આજે તબિયત ઠીક નથી, આજે તાવ છે, આજે જરા કામ છે, આજે મૂડ નથી...એવાં સામાન્ય બહાનાં કાઢીને તે કવિતાને મળવાનું ટાળતો રહ્યો.'

પછી તેણે બીજું સ્ટેપ અમલમાં મૂક્યું. નોકરી કરવાને બહાને તે દૂરના એક બીજા શહેરમાં રહેવા જતો રહ્યો. ત્યાંથી માત્ર ફોન પર વાત કરતો. એ પણ શરૂઆતમાં સાંજે અથવા રાત્રે...અને પછી તો માત્ર રજાના દિવસે જ...

કવિતાના અવાજમાં તે એ જ પ્રેમભર્યો ઉમળકો છલકાતો રહેતો હતો પરંતુ ધીમે ધીમે કવિતા પણ સવાલ કરવા લાગી કે 'કેમ તું બરાબર વાત નથી કરતો ? શા માટે મને એવું લાગ્યા કરે છે કે તું મને એવોઈડ કરે છે ?'

જોકે કવિતાએ ક્યારેય એમ નહોતું પૂછ્યું કે 'શું તું હવે મને પ્રેમ નથી કરતો ? '

એ તો ઠીક, શું તું કોઈ બીજાને પ્રેમ કરે છે ? એવું તો કવિતા ક્યારેય નહોતી બોલી.

કૌશલ ખરેખર તો એ દિવસની રાહ જોતો હતો કે જ્યારે કવિતા એવું પૂછે ! પરંતુ એ દિવસ આવતો જ નહોતો. સમય લંબાતો જતો હતો. સાથે સાથે કૌશલના મૃત્યુનો પડછાયો પણ વધુ ને વધુ લાંબો થી રહ્યો હતો.

***

એક દિવસ કૌશલના મોબાઈલમાં પીડીએફ ફાઈલ આવી. તેમાં એક યુવાનના ફોટા અને બાયો ડેટા હતો. સાથે કવિતાનો મેસેજ હતો : 'જોને, આ છોકરો કેવો લાગે છે ? મમ્મી-પપ્પા આની સાથે મારા લગ્નની વાત કરી રહ્યાં છે.'

કૌશલને તો આ જ જોઈતું હતું ! તેણે તરત જ કવિતાને ફોન લગાડયો : 'છોકરો ખરેખર સરસ છે ! મારું માનવું છે કે હા પાડી દે !'

મહિનાઓ પછી કૌશલના અવાજમાં જે ઉત્સાહ, ઉમંગ અને 

ખુશીનો રણકો સંભળાયો તેનાથી કવિતાને નવાઈ તો લાગી જ હતી.

***

બીજા દિવસે જ્યારે કૌશલ એચઆઈવી સેન્ટરમાંથી દવાઓ લઈને બહાર આવી રહ્યો હતો ત્યારે સામેથી કવિતાને આવતી જોઈને તે ચોંકી ગયો : 'તું અહીં ?'

કવિતાએ કહ્યું 'હા, મને પણ એઈડઝ છે !'

કૌશલને પહેલાં તો આઘાત લાગી ગયો ! પછી તે બોલ્યો, 'ના કવિતા તું જુઠ્ઠું બોલે છે !'

કવિતાએ કૌશલના બન્ને હાથ પકડી લીધા. 'કૌશલ ક્યાં સુધી તું તારા જ પોતાના દિલને છેતરતો રહીશ ? ક્યાં સુધી તું તારા પોતાના જ પ્રેમથી દૂર ભાગતો રહીશ ?'

'પણ કવિતા મારા લીધે તને પણ..'

'કૌશલ કોણે કહ્યું કે લગ્ન એ માત્ર બે શરીરનું મિલન છે ? અને શું આપણે બાળકને દત્તક નથી લઈ શકતા ? અરે, હવે તો આઈવીએફ ટેકનોલોજી છે. હું કુદરતી રીતે મા પણ બની શકું છું.'

'પરંતુ કવિતા, મારી જિંદગી હવે લાંબી નથી.'

'અચ્છા ? તો કોણે કહ્યું કે જિંદગી મોટી નહીં, લાંબી જ હોવી જોઈએ ? કૌશલ, જેટલી હોય અને જેવી હોય તેવી તારી જિંદગી મને જોઈએ છે !' બોલ, આપે છે ?'

એ દિવસે એચઆઈવી સેન્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓએ પણ જોયું કે પ્રેમ પણ 'નજીવન' આપી શકે છે....