દુ:ખ નોંતરનારાં પરિબળો કયાં ? .
- એક જ દે ચિનગારી-શશિન્
- જિંદગી એ મુખ્યત્વે બારમાસી ઋતુ છે. પ્રત્યેક ઋતુ માણસને કાંક આપે છે અને બદલામાં માણસ પાસે કાંક માગે છે શું માગે છે?
મા ણસ એટલે સુખ ભૂખ્યું પ્રાણી. એને સુખ રળવા કરતાં મફતમાં મળે તેમાં વધુ રસ હોય છે. કેટલી બધી વસ્તુઓ ભગવાને માનવજાતિને નિ:શુલ્ક આપી છે. તેમ છતાં મંદિરે મંદિરે પોત પોતાના ધર્મસ્થાનોમાં એ યાચક બનીને દોડયા કરે છે. દેવાલયમાં દેવો સાથે પણ એ માગણીનો સંબંધ રાખે છે.
જિંદગીમાં હારેલો ફરિયાદ કરે છે. ઇશ્વરે મને પજવવામાં કશું બાકી રાખ્યું નથી.
જિંદગી કેવી છે ? તમે મૂલવો તેવી. ભગવાને માણસનું ઘડતર ધરતીને શ્રેષ્ઠ માણસ મળે એ માટે કર્યું છે પણ માનવને ઘડવાની પરીક્ષામાં ભગવાન નાપાસ થયો છે. એટલે તો સજ્જનો કતાં શેતાનોની સંખ્યા વધારે છે. આઝાદીની પ્રાપ્તિના દિવસોમાં માણસનો જિંદગીે નીચતાની પરાકાષ્ઠા પર જોઇને ગીતકારે ગીત રચ્યું હતું :
'દેખ તેરે સંસાર કી હાલત,
ક્યા હો ગઇ ભગવાન
કિતના બદલ ગયા ઇન્સાન.
સૂરજ ન બદલા,
ચાંદ ન બદલા,
ન બદલા આસમાન,
કિતના બદલ ગયા ઇન્સાન.'
આજે પણ એ જ સ્થિતિ ભયાનક રૂપે મોજૂદ છે. હિંસા, હત્યા, દુરાચાર, બળાત્કાર, વિશ્વાસઘાત, પ્રણયની ક્રૂર હત્યા, લોહીની સગાઈનું વરવું રૂપ, ભ્રષ્ટાચાર અને અમાનવીયતા, ગણ્યાં ગણાય નહીં તેટલાં પાપકર્મોમાં માણસ ડૂબેલો છે.
નિરાશ માણસ ભગવાનને ભાંડશે, જ્યારે અપના હાથ જગન્નાતમાં માનનાર કહેશે. 'મારામાં કષ્ટો સહેવાની તાકાત છે. ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિમાં પણ હું પરાજયના મૂડને મારી નિકટ ફરકવા દેવા માગતો નથી.'
ખરૃં પૂછો તો આપણે જીવનમાં દુ:ખને વધુ પડતું મહત્વ આપીને જીવનની સહજ ગતિનું અપમાન કરી રહ્યા છીએ.
ઘણા માણસોને સુખવીર કરવા કરતાં મારા જેવો બીજો કોઈ દુ:ખવીર નહીં મળે, એવી ડંફાસ મારવામાં આનંદ આવતો હોય છે. આપણે જે કાંઈ ઝંખતા હોઇએ છીએ. પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઇએ છીએ એ મળે જ એવી પ્રબળ અપેક્ષા જ માણસને દુ:ખી બનાવે છે. દુનિયાનો સર્વે કરવામાં આવે તો કોઈ પણ એવો માણસ નહીં મળે જે છાતી ઠોકીને કહી શકે કે મારા જીવનમાં ક્યાંય કશી દુ:ખની પળ નથી. દુ:ખની બાબતમાં જ્ઞાનવાન, અને સામાન્ય માનવી સમાન છે. ખુમારીવંતા સ્વ. કવિ રાજેન્દ્ર શાહના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે -
'ભાઈ રે ! આપણા
દુ:ખનું કેટલું જોર ?'
'આપણે ના કાંઈ રંક,
ભર્યો - ભર્યો માંહ્યાલો
હોશ અપાર
આવવું હોય તેને આવવા દો,
મૂલવશું નિર્ધાર,
ભાઈ રે ! આપણા
દુ:ખનું કેટલું જોર ?'
હકીકતમાં ઇશ્વરે સર્જેલું છે સુખ મન મનનું માની લે છે દુ:ખ ક્યારેક અભિશાપ જેવી લાગતી પળો સમયાંતરે વરદાન બનીને સામે આવે ત્યારે આપણે આશ્ચર્યચકિત બની જઇએ છીએ. જિંદગીનાં રહસ્યોને રહસ્યમય રહેવા દઈએ, એમાં જ સુખના સૂરજનાં આશામય કિરણો છૂપાએલાં હોય છે. આપણે મનુષ્યને ઇશ્વરનો વરેણ્ય પુત્ર માનતા હોઇએ તો એ પણ માનવું જોઇએ કે કયો બાપ પોતાના પુત્રને દુ:ખી બનાવવા ઇચ્છે. ભવભવનાં કર્મબંધનોનું પોટલું માણસે પોતે જ તૈયાર કરેલું છે. નિયતિના નિર્માણ આગળ 'લાચાર' નહીં, પણ 'બળવાન' બનીને ઝઝૂમવામાં જ માણસની ખરી તાકાત રહેલી છે.
જિંદગી એ બારમાસી ઋતુ છે. મુખ્યત્વે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પ્રત્યેક ઋતુ માણસને કશું આપે છે અને એના બદલામાં કશુંક માગે છે. કુદરતની માણસ પાસેની માગણી ખૂબ જ નાની છે. એ માગણી છે 'ઇન્સાન બનો.'
દુ:ખ તો નબળા અને સબળા બન્નેને આવવાનું. સંત કવિ કબીરે સાચું જ કહ્યું છે :
'દેહ ધરે કા રોગ હૈ,
સબ કાહુકો હોય
જ્ઞાની ભુગતે જ્ઞાનસે,
મૂરખ ભુગતે રોય'
મતલબ કે દેહધારણ કર્યો એટલે દુ:ખ તો આવવાનું જ છે. જ્ઞાની માણસ જીવનમાં આવનાર દુ:ખોના રોદણાં રડીને નહીં પણ જીવનની વાસ્તવિક્તા માનીને ભોગવશે જ્યારે અજ્ઞાની એટલે કે મૂર્ખ માણસ રડીને રડીને એ દુ:ખો ભોગવશે.
વર્ષાઋતુમાં બે તાવને ધરતીના બે પ્રકારનાં માણસોની મન:સ્થિતિનો અભ્યાસ કરવાનું મનન થયું. એક તાવ અમીરના શરીરમાં પ્રવેશ્યો અને બીજો તાવ ખેડૂતના શરીરમાં પ્રવેશ્યો. અમીરના શરીરમાં પ્રવશેલા તાવનું ખાસ્સું આતિથ્ય થયું. ડૉક્ટર, હકીમ, આયુર્વેદ ઉપચારો, ફળફળાદિ અને સૂકો મવો વગેરે દ્વારા તાવે એક દિવસ તે અમીરના શરીરમાં રહેવું હતું તેને બદલે અઠવાડિયું ખેંચી કાઢ્યું.
બીજો તાવ ખેડૂતના શરીરમાં પ્રવેશ્યો એટલે વિચાર્યું આરામ કરીશ તો તાવ મારી પર ચઢી બસશે. એટલે આજે આખો દિવસ ભૂખ્યો તરસ્યો ખેતર ખેડીશ. એણે તેમ કર્યું અને તાવ સાંજ સુધીમાં તો ભાગી ગયો ! એ બન્ને તાવ એક બીજાને મળ્યા હશે ત્યારના તેમના સંવાદોની કલ્પના જ કરવી રહી.
પ્રશ્ન થાય માણસની જિંદગીમાં દુ:ખનાં પ્રવેશ દ્વારો કયાં ? દુ:ખનાં પ્રવેશદ્વારો એક નહીં દસ છે.
તદનુસાર :
૧. જીવનમાં આવતા પડકારો સામે પ્રસન્નતાપૂર્વક ઝઝૂમવાની વૃત્તિનો અભાવ.
૨. જીવનની કોઈ પણ પરિસ્થિતિ એ અભિશાપ છે એવું વિચારવાની મનોવૃત્તિ.
૩. અહંકાર અને અભિમાનપૂર્વક એમ માનવું કે હું કોઇને વશ નહીં થાઉં પણ આખી દુનિયા મને વશ થાય.
૪. માન-સન્માન માટેની આંધળી દોટ.
૫. બીજાનાં સુખો સાથે પોતાની જિંદગીની સ્થિતિને સરખાવવાની ભાવના.
૬. વાણી-વર્તન અને વ્યવહારમાં નમ્રતાનો અભાવ.
૭. પરિવારજનો, પડોશીઓ અને અન્ય નાગરિકો સાથે અક્કડાઈભર્યું વર્તન.
૮. જિંદગીમાં પોતાનું ધાર્યું થવું જ જોઇએ એવો દુરાગ્રહ.
૯. જીવનમાં સંતોષ અને ધીરજનો અભાવ. સહનશીલતાની ધરાર ઉપેક્ષા.
૧૦. મન પર કાબૂ ન હોવો, વૃત્તિઓ પર નિયંત્રણ ન હોવું અને દુશ્મન સાથે પણ વેરવૃત્તિ અને બદલો લેવાની મનોકામના.