- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'મેં જસ્ટ એના ખભા ઉપર હાથ મુક્યો... અને એ બબૂચકે... મારા હાથ પર બેઠેલું મચ્છર માર્યું !'
'ક રણ મહેતાનાં મેરેજ ગીતા સાથે ધેટ્સ અન - બિલીવેબલ!'
મુંબઈની હાઈ સોસાયટીની જેટલી પણ ખુબ સુરત લલનાઓ હતી એમના માન્યામાં જ નહોતું આવતું! પેલો ન્યુયોર્કમાં રહેતો મલ્ટિમિલીયોનર બાપનો એકનો એક દિકરો કરણ આખરે ગીતા જેવી ઓર્ડીનરી છોકરી સાથે મેરેજ કરશે ? ઈમ્પોસિબલ!
રમ્યા, કનિષ્કા, વિદિશા, ચૌલા, મોનાલી અને મલઈકા જેવી ડઝનબંધ 'કાતિલ' સુંદરીઓ આ કરણ મહેતાને પોતાની જાળમાં ફસાવવાની હોડમાં ઉતરી હતી છતાં પેલી ગીતા બાજી મારી ગઈ ?
'આઈ સ્ટીલ કાન્ટ બિલિવ ઈટ!' પેડર રોડની એક શાનદાર રેસ્ટોરન્ટમાં આ બધી જ સુપર મોડલ જેવી છોકરીઓ ભેગી થઈ હતી. તેમાં સૌથી વધુ અકળાઈ રહી હતી કનિષ્કા. કેમ કે કરણ મહેતા નામનો ૨૧ વરસનો હેન્ડસમ છતાં શરમાળ યુવાન ન્યુયોર્કથી ઈન્ડિયામાં કોઈ ઈન્ડીયન છોકરીને પસંદર કરવા આવવાનો છે એવા ખબર કનિષ્કાને સૌથી પહેલાં મળ્યાં હતાં.
તેણે આ ન્યુઝ 'ટોપ સિક્રેટ'ની જેમ છૂપાવી રાખ્યા હતા. જેવો કરણ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો કે તરત કનિષ્કા ત્યાં પહોંચી ગઈ હતી. કરણ પોતાના સામાનની ટ્રોલી લઈને હજી નીકળ્યો જ હતો ત્યાં કનિષ્કા ત્રાંસમાંથી આવીને તેની જોડે ટકરાઈ પડી હતી !
એટલું જ નહીં, કનિષ્કાએ પોતાનું પર્સ સિફતથી ખુલી જવા દીધું હતું! જેમાંથી છ-સાત ક્રેડિટ કાર્ડઝ, ડેડીના કંપનીનાં વિઝિટીંગ કાર્ડઝ અને પોતાનો દોઢ લાખ રૂપિયાનો મોબાઈલ... આ બધું જ ફર્શ પર ફેલાઈ ગયું હતું.
કરણે તેને હેલ્પ કરી કે તરત જ કનિષ્કાએ સ્માર્ટ રીતે ચાન્સ મારીને ઓળખાણ તો કરી જ લીધી, પણ સાથે ચાલીને બહાર કેબ પાસે જતાં સુધીમાં સાંજે એક રેસ્ટોરેન્ટમાં ડીનરની એપોઈન્ટમેન્ટ પણ ફીક્સ કરી લીધી હતી.
'પણ એ ઈડિયટ એટલો બાઘો હતો કે મારા લો-કટ સેક્સી ડ્રેસ સામે આંખો ઊંચી કરીને જોતાં જાણે એવી રીતે ડરતો હતો કે એ બખોલમાં મેં કોઈ સાપ સંઘરી રાખ્યો હશે !'
કનિષ્કાની સરખામણી સાંભળીને તમામ છોકરીઓ ખડખડાટ હસી પડી. 'પછી તેં શું કર્યું ? તું તો એક્સ્પર્ટ છે, બકરાઓને ફસાવવામાં!'
'હા, પણ એ બકરો કંઈ સમજે તો ને ? છેવટે મેં એક ટ્રીક કરી. વાઈનનો ગ્લાસ એવી સિફતથી મારી તરફ ગબડાવ્યો કે મારું આખું મિનિ-સ્કર્ટ પલળી જાય! પછી હેલ્પ કરવાને બહાને મેં એને લેડીઝ વોશરૂમમાં બોલાવ્યો... ત્યાં જે બીજી લેડીઝ હતી એમને રિક્વેસ્ટ કરીને મેં બહાર મોકલી દીધી. અને કરણને કહ્યું, પ્લીઝ, મારા સ્કર્ટની ચેઈન જામ થઈ ગઈ છે, જરા ખોલી આપ ને ?'
'વાઉ...!!' બધી છોકરીઓ બોલી ઊઠી. 'વોટ એન આઈડીયા! પછી શું થયું ?'
'પછી વળી શું ? એ ઈડિયટ મારી નજીક તો આવ્યો, મારા સ્કર્ટ સુધી એનો ધુ્રજી રહેલો હાથ પણ લંબાવ્યો. પણ છેલ્લી ઘડીએ એ ફસકી ગયો! એ ગધેડો વોશરૂમની સ્ટોપર ખોલીને બહાર ભાગી ગયો ! બબૂચક! એક નંબરનો ઈડિયટ!'
'માત્ર ઈડીયટ નહીં સ્ટુપિડ!' કનિષ્કાની વાતમાં મલઈકાયે ટાપશી પુરી. હું તો એને વાતોમાં લલચાવીને છેક મારા બેડરૂમમાં લઈ આવેલી ! તો એ ડફોળ મને શું કહે છે, ખબર છે ? કે તમારા બેડરૂમની કલર સ્કીમ બહુ સારી નથી!
હવે રમ્યાએ પોતાનો રાઝ ખોલ્યો. 'હું તો સમજી ગઈ હતી કે એ શરમાળ છે. એટલે ત્રણ દિવસ સુધી તો મેં અને હાથ વડે ટચ પણ નહોતો કર્યો! પણ એક દિવસ કોણ જાણે મને શું થયું... યાર, એ એટલો ક્યૂટ લાગી રહ્યો હતો કે મેં એનો ફેસ પકડીને એને કીસ કરી લીધી.'
'પછી!' બધી છોકરીઓ બોલી ઊઠી.
'પછી શું ? એ બહોશ થઈ ગયો !!' આખા રેસ્ટોરન્ટમાં છોકરીઓના ખડખડાટ હાસ્યની છોળો ઊડી. છતાં હજી કૂતૂહલ શમતું નહોતું. મલઈકાએ ચૌલાને પૂછ્યું : 'યાર ચૌલા, તું તો આર્કીટેક્ચરનું ભણી છે. તને તો ઈન્ટેલેક્ચ્યુઅલ વાતો કરતાં પણ આવડે છે. છતાં એ તારા ઝાંસામાં ના આવ્યો !'
'હું એને એલિફન્ટાની ગુફાઓમાં લઈ ગઈ હતી. ત્યાં હું ખજુરાહોનાં શિલ્પોમાં રહેલા ઈરોટિઝમની વાતો કરી રહી હતી... બરાબર એક જગ્યાએ જ્યાં અંધારું હતું. ત્યાં મેં જસ્ટ એના ખભા ઉપર હાથ મુક્યો... અને એ બબૂચકે... મારા હાથ પર બેઠેલું મચ્છર માર્યું !'
'ઓહ નો!' છોકરીઓએ એકસામટા હતાશાના ઉદ્ગારો કાઢવા.
મોનાલી અને દિવ્યાશાના અનુભવો પણ લગભગ સરખા જ હતા. સૌની વાતો હરીફરીને એક જ પોઈન્ટ પર અટકી જતી હતી કે પેલી ગીતા તો સાવ મિડલ ક્લાસ છે. એ શી રીતે બાજી મારી ગઈ ?
બધી છોકરીઓ હવે કંટાળીને ઊભી થવા જતી હતી ત્યાં જ રેસ્ટોરન્ટના દરવાજામાંથી ગીતા આવતી દેખાઈ !
ગીતાએ સરસ મજાની કચ્છી ડિઝાઈનની કોટન સાડી પહેરી હતી. સાથે છેક કોણી સુધીની ટ્રેડિશનલ બાંયવાળું બ્લાઉઝ હતું. હાથમાં અડધો અડધો ડઝન, બંગડીઓ હતી, વાળમાં મઘમઘતી વેણી અને સેંથીમાં સિંદૂર પુરેલું હતું.
તેના હાથમાં લગ્નનાં ઈન્વીટેશન કાર્ડ્ઝ હતાં તેણે કાર્ડની થપ્પી આગળ ધરતાં કહ્યું 'હાય ગર્લ્સ? તમે અમારા મેરેજમાં તો આવશો ને ? કે હજી જેલસીની આગ બુઝાઈ નથી ?'
મોડર્ન છોકરીઓને મોઢે તાળાં લાગી ગયાં હતાં. છતાં કનિષ્કાએ કાર્ડની થપ્પીઓ હાથમાં લેતાં પૂછયું 'યાર માનવું પડે ! પણ કમ સે કમ હવે તો અમને કહે કે તેં કરણ મહેતાની પટાવ્યો કેવી રીતે ?'
ગીતાના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું 'તમે બધા એક વાત ભૂલી ગયા કે કરણ અહીં એક ઈન્ડીયન છોકરી શોધવા માટે આવ્યો હતો ! તમારા જેવી તો એને અમેરિકામાં એક કહેતાં દસ મળી શકે તેમ હતી !'
સૌનાં મોઢાં સિવાઈ ગયાં હતાં. ગીતાએ જતાં જતાં છેલ્લી વાત કહી દીધી. ગર્લ્સ, તમને ઈન્ડિયામાં રહેવા છતાં હજી ઈન્ડિયન બનતાં આવડયું નથી ! સો સોરી.....


