Get The App

જીનિયસ બનવા માટે જરૂરી સાત બાબતો કઈ? .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
જીનિયસ બનવા માટે જરૂરી સાત બાબતો કઈ?                  . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- જીનિયસ લોકો કોઇની કૃપાના યાચક નથી હોતા પણ કર્તવ્યની કેડી જાતે કંડારવાના સ્વપ્નસેવી હોય છે

પો તાનું સ્નાતક થયાનું પ્રમાણપત્ર લઇ એક યુવક પોતાની કૉલેજના આચાર્યને મળીને કહે છે : સર, મારું ભણતર પૂરું થયું છે. આનાથી વધુ ભણતરની મારે જરૂર પણ નથી. હું એક અમીર પિતાનો પુત્ર છું.

આચાર્યે આશ્ચર્ય સાથે તેને કહ્યું : 'બહુ સરસ પણ મારું ભણતર તો હજી શરૂ જ નથી થયું.' માણસ એટલે આજીવન વિદ્યાર્થી. પ્રકૃતિની ખુલ્લી કિતાબનાં કેટલાં બધાં પૃષ્ઠો તેણે વાંચવાનાં છે. જ્ઞાનપ્રાપ્તિની દ્રષ્ટિએ તો માણસ અસંતુષ્ટ રહે એ જ બહેતર છે. દીકરા, એટલું જ યાદ રાખજે કે સમય ચાલબાજ છે. એને પોતાની ચાલ બદલતાં વાર નથી લાગતી. એટલે સ્વાવલંબનને જીવનનો આદર્શ બનાવજે. બસ, આનાથી વધુ આ તબક્કે મારે કશું કહેવાનું નથી.

મોટાભાગના યુવાનો કેવળ પદવીને જ પ્રતિભાવિકાસ માટે પ્રયાપ્ત માને છે. ધન અને ઉચ્ચ હોદ્દાને જીવનનો ચરમ અને પરમ ઉદ્દેશ માને છે. પ્રયત્નના પૂર્ણ વિરામને સંતોષનો વિષય માને છે. પણ જેનું લક્ષ્ય જિનિયસ બનવાનું છે એને ચીલે ચાલવું ગમતું નથી. જ્યાંથી બીજા લોકો હારી-થાકીને પાછા ફરે ત્યાંથી નવું પ્રયાણ કરવું એ પ્રતિભાનું લક્ષણ છે. ભોમિયા વગર ભમવું અને નવી ક્ષતિજો સુધી પહોંચવું અને પોતાના દીવાને અજવાળે ચાલવું એ યૌવનની દ્રઢ પ્રતિજ્ઞાનો એક ભાગ છે. હારની જીવનમાં બાદબાકી અને જીત પર અમિટ નજર રાખી ઘોર પરિશ્રમ કરવો એ સપનાના માળી બનવાનો ઉત્તમ કીમિયો છે. જિનિયસ લોકો કોઇની કૃપાના યાચક નથી હોતા, પણ કર્તવ્યની કેડી જાતે કંડારવાના સ્વપ્ન સેવી હોય છે.

બે વૃક્ષો પાસ પાસે ઊભાં હતાં કઠિયારાએ પ્રથમ વૃક્ષ કાપી નાખ્યું ત્યારે તેણે બીજા વૃક્ષને કહ્યું : 'યાર ! હવે નામશેષ થઇ જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.'

બીજા વૃક્ષે કહ્યું : 'નાદાન, જ્યાં સુધી જમીનમાંથી રસ ચૂસી લેવાની તમન્ના હોય ત્યાં સુધી આપણને કોઈ નામશેષ કરી શક્તું નથી. કઠિયારો થડને કાપે છે, મૂળને નહિં.'

પ્રતિભા એટલે નવી નવી કૂપળો ફૂટવાની શ્રદ્ધા, નવીન કલ્પનાઓનો વિકાસ અને ઉલ્લાસ, વણખેડયાં ખેતરો ખેડવાનાં અરમાન અને બુદ્ધિને સતત ધારદાર રાખવાનો ઉત્સાહ અને મનોબળ. જ્યાં સુધી માણસ પોતાના પ્રત્યે ઇમાનદાર નથી હોતો ત્યાં સુધી પ્રતિભાના દરવાજા ખુલતા નથી. પ્રતિરોધ આવતાં કામ અટકી પડશે એવી નિરાશા એ વિકાસ માટે ખતરનાક વસ્તુ છે. પ્રતિભાસંપન્ન ઑલવુલે કહ્યું હતું કે જો હું એક દિવસ કામ કરીશ તો તેનું પરિણામ માત્ર હું જ જોઈ શકીશ જો હું બે દિવસ કામ કરીશ તો મારા મિત્રો પણ તે કામ જોઈ શકશે. પણ જો હું ત્રણ દિવસ કામ કરીશ તો મારા કામનું પરિણામ આખી દુનિયા જોઈ શકશે. જીનિયસની આ જ માન્યતા અનેક વર્ષો સુધી સતત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે ઝઝૂમતા રહેવાનું અને અંતે વિજયનો ધ્વજ ફરકાવવાનું નિમિત્ત બને છે.

એડિસને પોતાના ફોનોગ્રાફથી પૂર્ણ ઉચ્ચાર કાઢવા માટે જે જહેમત ઉઠાવી હતી તેનું વર્ણન કરતાં તેણે કહ્યું છે : 'છેલ્લા સાત મહિનાથી હું દરરોજ અઢારથી વીસ કલાક સુધી આ 'સ્પેશિયા'' શબ્દ પર કામ કરું છું પરંતુ ફોનોગ્રાફ 'પેશિયા' શબ્દ બોલતું હતું. આવી નિરાશામાં કોઈ પણ માણસ પોતાનું કામ છોડી દે, પણ હું દ્રઢ રહ્યો અને વિજયી બન્યો. પ્રતિભાશાળી માણસ સદભાગ્ય કે દુર્ભાગ્યના વિચારનો ઓશિયાળો હોતો નથી. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય પુરુષાર્થ હોય છે. સાધનોનાં અભાવનાં રોદણાં રહે તે પ્રતિભાહીન ટાચાં સાધનોને પણ પોતાના વિકાસનું અમોઘ શસ્ત્ર બનાવે તે જીનિયસ. ગીત સંગીત સ્પર્ધામાં કોઇએ ગાએલા ગીતને ફરી ગાઈ બતાવે એમાં ટેલેન્ટ નથી પણ એ ગીતને પોતાની રીત ગાઈ પોતાની આગવી શક્તિની પ્રતીતિ કરાવે તે સાચો કલાકાર. પ્રતિભા સંપન્ન વ્યક્તિએ પોતાની સફળતા માટે દેવી દેવતાનાં ચરણમાં આળોટી વરદાન માગવાની જરૂર નથી પણ વધુ પરિશ્રમ શ્રદ્ધાવાદી અને સત્યનિષ્ઠ થવાની જરૂર છે. સાચો જિનિયસ લાચાર હોતો નથી કારણ કે દરેક સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં તે પાછી પાની કરતો નથી. એક શેર મુજબ

'ઉસે યહ ફિક્ર હૈ હરદમ,

નઈ તર્જે-જફા ક્યા હૈ,

હમેં યહ શક હૈ દેખેં,

સિતમ કી 'ઇન્તેહા(સીમા)

ક્યા હૈ ''

જીનિયસ બનવા માટે સાત જરૂરી બાબતો કઈ ?

૧. આત્મબળ, ધૈર્ય અને તાજુ મન તથા પ્રેરક વાચન.

૨. નિરંતર પરિશ્રમ, નિષ્ફળતાથી પરાજિત થવાના ડરનો અભાવ.

૩. ચીલે ચાલવાને બદલે પોતાનો પંથ જાતે નિર્મિત કરવાની ભાવના, અનુકરણનો અભાવ.

૪. જોખમ ઉઠાવવાની સાહસિકતા સ્વાવલંબન અને સતત ચિંતન.

૫. પોતાના ધ્યેય પ્રત્યેની પ્રામાણિકતા અને નિષ્ઠા.

૬. ભાગ્યવાદી નહીં પણ પુરુષાર્થવાદી.

૭. વ્યક્તિ કે દેવી-દેવતા સમક્ષ મદદ માટે કરગરવાની વૃત્તિને જાકારો.