Get The App

મારી જિંદગીનો છેલ્લો ફોન છે... .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
મારી જિંદગીનો છેલ્લો ફોન છે...                                  . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- મારી સામે ટેબલ પર આખો ડબ્બો ભરીને સ્લીપિંગ પિલ્સ પડી છે. આ ફોન પતે પછી એ હું પાણી સાથે ગટગટાવી જઈશ... 

ભ રબપોરે અઢી વાગે ફોનની રીંગ વાગી. નંબર કેનેડાનો જોયો કે તરત જ મિતેશને ફાળ પડી ! કેમ કે કેનેડામાં આ સમેય મધરાતે દોઢ વાગ્યો હોય. એમાંય ફોનમાં નામ સૌમિલનું દેખાતું હતું. મિતેશે તરત જ ફોન ઉપાડી લીધો :

'શું વાત છે સૌમિલ ? આટલી મોડી રાત્રે..'

સામેથી થોડી ક્ષણો માટે તો કોઈ અવાજ ના આવ્યો. પછી એક ઝીણું ડૂસકું સંભળાયું.

'મિતેશ... આ મારી જિંદગીનો છેલ્લો ફોન છે... બસ, ્લવિદા કરવા માટે ફોન કરી રહ્યો છું...'

સૌમિલનો અવાજ ધુ્રજી રહ્યો હતો. મિતેશને કદાચ આ ક્ષણનો અણસાર અગાઉથી જ આવી ગયો હતો. તેણે તરત જ પૂછ્યું :

'અંકિતા ભાભી જોડે બધું ઓલરાઇટ છે ને ?'

'નથી ઓલરાઇટ...' સૌમિલનો અવાજ તૂટી રહ્યો હતો. 'મિતેશ, ખુદ અંકિતા જ ઓલરાઇટ નથી. હું તો કેનેડા આવીને ફસાઈ ગયો છું.'

'એક મિનિટ દોસ્ત... ' મિતેશે કહ્યું 'જરા શાંતિથી વાત તો કર ? થયું છે શું ?'

'અરે શું શું નથી થયું એમ પૂછ.' સૌમિલે કડવાશનો ઘૂંટડો ગળતાં કહ્યું 'આ અંકિતાને લગ્ન પહેલાં જ એક પંજાબી છોકરા સાથે સંબંધો હતા. એ તો અંકિતાનાં મા-બાપે ખુબ દબાણ કર્યું હતું એટલે તે ઇન્ડિયા આવીને લગ્ન કરવા તૈયાર થઇ હતી. પરંતુ હું મારી ફાઈલ પાસ કરાવીને કેનેડા પહોંચ્યો ત્યાં સુધીમા તો અંકિતાએ બંડ પોકારીને ઘર છોડી દીધું હતું. અત્યારે એ અને એનો પંજાબી બોયફ્રેન્ડ અમારા ઘરમાં પતિ-પત્નીની જેમ રહે છે. અને વધારે તો શું કહું... મારી નજર સામે જ... રોજ રાતના.'

મિતેશ ધુ્રજી ગયો. સૌમિલનાં લગ્ન જ્યારે એના ભાઈ-ભાભીએ રંગેચંગે કરાવી આપ્યાં હતાં ત્યારે જ મિતેશને કંઇક દાળમાં કાળું લાગી રહ્યું હતું. કેમ કે કેનેડાથી માત્ર કન્યા અને તેનાં મા-બાપ જ આવ્યાં હતાં. આખી લગ્નવિધિ દરમ્યાન અંકિતાના ચહેરા ઉપર સતત છૂપો અણગમો તરવરી રહ્યો હતો.

તે વખતે મિતેશે સૌમિલને કીધું પણ હતું કે 'યાર, અંકિતાભાભી આ મેરેજથી ખુશ હોય એવું લાગતું નથી.'

પરંતુ પોતાને કેનેડા જવા મળશે એ હરખમાં સૌમિલે તેની વાત ઉડાવી દીધી હતી. આજે એ ડર સાચો પડી રહ્યો હતો.

'મિતેશ, એ લોકોએ મારો પાસપોર્ટ પડાવી લીધો છે. મને કોઈ મજૂરની જેમ ટ્રીટ કરે છે. અંકિતાનાં મા-બાપે તો હાથ જ અધ્ધર કરી દીધા છે. યાર... હવે તો એક જ રસ્તો બચ્યો છે, આ જિંદગી જ છોડી દેવી છે એટલે વાત પતે ! બસ, એટલા માટે જ તને છેલ્લો ફોન કરી રહ્યો છું, મારી સામે ટેબલ પર આખો ડબ્બો ભરીને સ્લીપિંગ પિલ્સ પડી છે. આ ફોન પતે પછી એ હું પાણી સાથે ગટગટાવી જઈશ... ચાલ દોસ્ત, અલવિદા...'

'એક મિનિટ ! મિતેશે અચાનક કહ્યું 'તો પછી મારે મિતાલીને શું જવાબ આપવાનો?''

'કોણ મિતાલી ?'

'ભૂલી ગયો? આપણી ઓફિસમાં જે એકાઉન્ટ વિભાગમાં કામ કરે છે તે... એ તો તને ક્યારની મનોમન પ્રેમ કરતી હતી!'

'શું વાત કરે છે ?'

'હાસ્તો ? એટલે જ તો એ તારા મેરેજમાં નહોતી આવી. તારા ગયા પછી લગભગ દર અઠવાડિયે મને પૂછવા આવે છે કે સૌમિલ ખુશ છે ને ? સુખી તો છે ને ?'

'એ મિતાલી મને પ્રેમ કરતી હતી ?'

'હાસ્તો વળી ? બાકી બધા સ્ટાફને એમનો પગાર ખાતામાં જમા થતો હતો અને તારો જ પગાર શા માટે તને હાથોહાથ કેશમાં આપવા માટે તારા ટેબલ પર આવતી હતી ? કેમકે એને તારા ચહેરા પર 'થેન્ક્યુ' કહેતી વખતે જે સ્માઇલ આવતું હતું એ જોવું હતું !'

'યાર, માન્યામાં નથી આવતું ! મિતાલી ? એ શરમાળ ભોળી સરખી છોકરી?'

'યસ ! મિતેશે હવે ગળું ખોંખાર્યું. 'સાલા, તને કોઇના પ્રેમની સ્હેજ પણ પરવા હોય તો આ મરવાના વિચારો છોડી દે ! અને ઇન્ડિયા પાછો આવતો રહે...'

એ જ ક્ષણથી સૌરભની આખી લાઇફ બદલાઈ ગઈ, જો કે એમ કંઇ ઇન્ડિયા પાછા આવવું સહેલું નહોતું. લગ્ન ભલે ભારતમાં થયાં હોય પણ ડિવોર્સ કેનેડામાં લેવાના હતા. એ બધું પાર પાડતાં ત્રણેક વરસ તો નીકળી જ જાય.

એ દરમ્યાન મિતેશ મિતાલી વતી ફોન પર સંદેશાની આપ-લે કરતો રહ્યો. મિતેશે ખાસ કહી રાખ્યું હતું કે 'મિતાલી તેનાં મા-બાપને કોઈ જ શંકા પડવા દેવા માગતી નથી. એટલે તે ડાયરેક્ટલી તારી સાથે ફોન પર સંપર્ક નહીં કરે... બસ, એ તારી રાહ જોઈ રહી છે...'

આખરે જ્યારે સાડા ત્રણ વરસ પછી સૌમિલ ભારતમાં પાછો ફર્યો ત્યારે તે પોતાના ઘરે સામાન મુકીને સીધો મિતેશ પાસે પહોંચ્યો :

'લે મિતેશ ! હું આવી ગયો છું ! હવે બોલ, મિતાલી ક્યાં છે ? હું એને મળવા માટે તરસી રહ્યો છું.'

'જરા શાંતિ રાખ. બેસ...' મિતેશે એને બેસાડીને કહ્યું 'હવે હું જે કહું છું તે જરા ધ્યાનથી સાંભળજે... વાત એમ છે કે મિતાલી નામની કોઈ છોકરી છે જ નહીં !'

'હૈં ?' સૌમિલ ચોંકી ગયો.

'હા, એ રાત્રે તને આપઘાત કરતો રોકવા જતાં અચાનક જ મારા મનમાં આ તુક્કો સુઝ્યો હતો. અને એ તુક્કો કામ કરી ગયો ! સૌમિલ, પેલું કહે છે ને, કે અણી ચૂક્યો સો વરસ જીવે ! તું એ નબળી ક્ષણ પાર કરી ગયો છે. હવે અહીં તારા માટે સેંકડો મિતાલીઓ મળી રહેશે કેમ કે તારામાં હવે જીવવાની હામ છે અને કોઈપણ વ્યક્તિના પ્રેમની કદર કરવાની સમજ પણ આવી ગઈ છે.'