- રજનીગંધા-વિભાવરી વર્મા
- યાસ્મિન તું તો હીરોઇન બનવાને લાયક છે! બસ એકવાર તું મુંબઇ આવી જા!'
'ક ભી તન્હાઇયોં મેં હમારી યાદ આયેગી...' હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે મશહૂર થઇ ચૂકેલા શૌકત કપૂરના મોબાઈલમાં રીંગટોન વાગી રહ્યો હતો. પછી એક મધૂર અવાજ આવ્યો :
'શૌકત કપૂર ? હું યાસ્મિન છું !'
આ નામ પડતાં જ શૌકતની આખી દુનિયા થંભી ગઈ. બે ક્ષણ માટે તો તે કંઇ બોલી જ ના શક્યો. પછી ગળગળા અવાજે પૂછાઈ ગયું :
'યાસ્મિન તું ? આટલા વરસે ? ક્યાં છે તું ?'
'બસ, ત્યાં જ છું, જ્યાં વરસો પહેલાં હતી... એ જ બરેલી શહેર, એ જ બડા ચૌક અને એ જ આમીન મંઝિલનો ખખડી ગયેલો ઝરુખો છે. 'તું કેમ છે શૌકત ?'
'બસ, મજામાં છું...' 'આગળ શું બોલવું તે શૌકતને સમજાતું નહોતું.'
'તું તો બહુ ફેમસ થઇ ગયો શૌકત! ફિલ્મોનાં પોસ્ટરોમાં તારા ફોટા છપાય છે. ટીવીમાં, ચેનલોમાં તારા ઇન્ટરવ્યુ આવે છે...મુંબઇ ઇન્ડસ્ટ્રીના ટોપ વિલનોમાં તારું નામ બોલાય છે... વટ છે તારો !'
'હું બહુ થાકી ગયો છું યાસ્મિન !' શૌકતનું ગળું ભરાઈ આવ્યું. 'આટલે પહોંચતાં હું ખરેખર થાકી ગયો છું. યાસ્મિન, તને ખબર નથી કે શરૂઆતનાં વરસો મેં શી રીતે કાઢ્યાં છે... લોકોની ગાળો ખાધી છે, હડધૂત થયો છું, કાળી મજદૂરી કરી છે... આવ્યો હતો હીરો બનવા પણ ચાર વરસમાં બેરહમ વક્તની એવી લાઠી ચાલી કે આખરે વિલન બની ગયો.'
'પણ તું હજી બહુ સારો એક્ટર છે.'
'થેન્કસ ! કોઈ કરીબી ઇન્સાન જ્યારે આવું કહે છે ત્યારે બહુ સારું લાગે છે. પણ હલો, હું તને હજુ કરીબી ગણી શકું ને યાસ્મિન ?'
બે ક્ષણ વીતી ગયા પછી યાસ્મિને હા પાડી. શૌકતનું દિલ ધબકારો ચૂકી ગયું. શું હજી મને પ્રેમ કરતી હશે ? હજી મારા માટે એ જ કશિશ હશે ?
'તું સુખી તો છે ને શૌકત ?'
શૌકતની જુબાન હવે ખુલવા લાગી. 'તારી આગળ જુઠ શી રીતે બોલું ? એક ફ્લેટ છે, બે કાર છે, અને -'
'અને ? આગળ બોલ ને કેમ અટકી ગયો ?'
શૌકતનો અવાજ ભારે થઇ ગયો. 'આટલા દૂરથી એક તું જ મને ઓળખી શકે છે યાસ્મિન ! હવે શું કહું ? એક બીબી છે, બે હસીન બાળકો છે... તું... તું કેમ છે ?'
સામા છેડેથી કોઈ જવાબ ન આવ્યો.
'તું ખુશ તો છે ને ?'
'ખુશ ?' યાસ્મિન હસી. 'મને તો દુ:ખમાં પણ ખુશ રહેતાં આવડે છે ને ? ઉપરવાળાએ મારામાં એક જાદૂની પૂડીયા મુકીને આ દુનિયામાં મોકલી છે એટલે ગમે તેવા સંજોગોમાં મારો ચહેરો તો હસતો જ દેખાય છે.'
'એ તો સામેવાળાને, પણ જે દિલથી કરીબ છે એને તો અંદરની વાત ખબર જ હોય ને ?'
'કોઈ કરીબ છે જ ક્યાં ? એક હતો, પણ એ તો વિલન બની ગયો !'
યાસ્મિનનો કટાક્ષ શૌકતના કાન દ્વારા દિલમાં ઉતરી ગયો. તેણે વાત બદલી નાંખી.
'યાસ્મિન મારો શોટ રેડી છે ડિરેકટર બોલાવી રહ્યા છે. તને પછી ફોન કરું છું.'
ફોન કટ કર્યા પછી તે ત્યાં જ બેસી રહ્યો. શું તે ખરેખર 'વિલન' બની ગયો હતો ?
***
છેક રાત્રે નવ વાગે પેલો નંબર શોધીને ફરી ફોન લગાડયો.
'કભી તન્હાઇયોં મેં હમારી યાદ આયેગી...' રીંગટોન વાગી રહી હતી. આખરે 'હલો' સંભળાતાં શૌકતે કહ્યું :
'સોરી યાસ્મિન...'
'હું સમજી શકું છું તું બિઝી હતો.'
'ના યાસ્મિન જરાય બિઝી નહોતો. દરઅસલ તને ફોન કરવાની હિંમત જુટાવી શક્તો નહોતો... યાસ્મિન હું તારો ગુનેગાર છું.'
'વાહ, મેં ફોન કર્યો ત્યારે જ બધા ગુનાહ યાદ આવ્યા ?'
'ના. તારા ફોન પછી જ મારા ગુનાહોની માફી માગવાની હિંમત આવી છે. આપણી વચ્ચે જે કાચની દિવાલ હતી એમાં આજે એક નાનકડી તીરાડ પડી છે.'
'કાચની દિવાલ ? શૌકત, તું તો મારી આજુબાજુ લોખંડની દિવાલ ઊભી કરીને જતો રહ્યો હતો.'
'યાસ્મિન, શું કરું ? હું તારા પ્યારમાં પાગલ હતો. એટલે તારા નિકાહની વાત જેની સાથે ચાલતી હતી તેને હું તારા લવ મેસેજો બતાડી આવતો હતો. તારી સાથેના ફોટા એને મોકલતો હતો. અરે, તને હવે શું કહું ? તારા વિશે આખા શહેરમાં ગંદામાં ગંદી વાતો પણ મેં જ ફેલાવી હતી.'
'અને એ ગંદી વાતોને તું કાચની દિવાલ કહે છે ?'
'યાસ્મિન, મને માફ કરી દે, પ્લીઝ' 'મેં તારી પાસે માફી મંગાવવા ફોન નહોતો કર્યો.
બલ્કે મને તારી એક મદદની જરૂર છે.'
'બોલ ને ?' 'અરે, હુક્મ કર યાસ્મિન !'
'તને જરા અજુગતું લાગશે પણ...' યાસ્મિનનો અવાજ હવે કોમળ થઇ ગયો. 'મને એમ થાય છે કે શું ફિલ્મોમાં મને નાનું મોટું કામ મળી શકે ?'
'નાનું મોટું ? યાસ્મિન તું તો હીરોઇન બનવાને લાયક છે ! બસ એકવાર તું મુંબઇ આવી જા !'
'શ્યોર ? ચોક્કસ ? તારી બીવીને કોઈ વાંધો નહીં હોય ને ?'
'એ બધું તું મારા ઉપર છોડી. બસ તું મુંબઇની ટ્રેન પકડ ! હું ટિકીટ મોકલાવું ?'
'ના, જરૂર નથી. કેમ કે મારે એનાથી મોટી મહેરબાનીઓ જોઇએ છે !'
***
શૌકત આજે હવામાં હતો.
યાસ્મિન માટે તેણે એક શાનદાર હોટલમાં રૂમ બુક કરાવી રાખી હતી. થોડી થોડી વારે યાસ્મિનના મેસેજો આવી રહ્યા હતા :'ટ્રેન ઉપડી ચૂકી છે...' 'તને મળવા માટે દિલ બેકરાર છે...' 'શૌકત આ બેસબ્રી મારી જાન લઇ રહી છે.'
આ બાજુ શૌકત પણ પાગલ થઇ રહ્યો હતો. એવામાં એક નવો મેસેજ આવ્યો. 'શૌકત સાચું કહું ? મને જરા શરાબ પીવાની આદત પડી છે. તું મારા માટે એક જામ બનાવીને તૈયાર રાખીશ ?'
હવે તો શૌકતના તન-બદનમાં આગ ભડકીને બેઠી થઇ ગઈ ! યાસ્મિનના ઇન્તેજારમાં તે એટલો બધો બેકરાર થઇ ગયો કે જામ ઉપર જામ પી રહ્યો હતો. મનમાં એક જ ખ્યાલ હયો કે 'યાસ્મિનને આવતાંની સાથે જ બાંહોમાં જકડીને ચુંબનોથી નવડાવી દઈશ !'
અને આખરે ડોરબેલ રણકી ! દરવાજો ખોલતાં જ શૌકત યાસ્મિનના કાતિલ રૂપને જોઈને પાગલ થઇ ગયો ! તે યાસ્મિનને ચોંટી જ પડયો !
યાસ્મિને થોડા પ્રતિકાર કર્યો પણ શૌકતે તેને ચિત્તાની જેમ તરાપ મારીને ફરીથી ઝડપી લીધી અને બિસ્તર પર ગબડાવીને તેની ઉપર પોતાનું શરીર તેના બદન સાથે ચાંપી દીધું. પણ અચાનક -
યાસ્મિને એક ચીસ પાડી ! અને એ જ ક્ષણે રૂમમાં ધડાધડ કરતાં ચાર જણા ધસી આવ્યા ! 'મિસ્ટર શૌકત કપૂર ! તમારું અસલી સ્વરૂપ કેમેરામાં ઝડપાઈ ચૂક્યું છે !'
શૌકત ડઘાઈ ગયો ! ગુસ્સામાં આવીને તે ગાળાગાળી કરવા લાગ્યો ! પેલી યુવતીને લાફા ઠોકી દીધો.
... અને આ આખો તમાશો પેલા ટીવી કેમેરાની પાછળ ઊભા રહીને 'અસલી યાસ્મિન' જોઈ રહી હતી ! આખરે એનો બદલો હવે પુરો થઇ ગયો હતો...


