વરસાદી રાતનો ગુલાબી સંગાથ .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- જિંદગીમાં ભૂલ જ ના કરો તો એ કંઇ જિંદગી કહેવાતી હશે?
ધો ધમાર વરસતી રાત હોય અને સૂમસામ હાઈવે પર કોઇ સુંદર યુવતી, જે પુરેપુરી વરસાદમાં પલળી ચૂકી હોય, તે તમારી કારમાં લિફ્ટ માગતી ઊભી હોય તો ? એમાંય તમે જુવાન હો, એકલા હો અને પોતાની પત્નીથી દૂર હો તો ?
બરોબર એવી જ દશા સુકુમારની હતી. કારની હેડલાઇટના પ્રકાશમાં પહેલાં તો રોડની સાઇડ પર પાર્ક થયેલી કારની ઝબૂક ઝબૂક થતી ટેઇલ લાઇટો દેખાઈ ત્યારે જ સુકુમારે કાર સ્લો કરી નાંખી હતી. એમાંય, જ્યારે તેની કાર નજીક આવી કે તરત જ પેલી ગુલાબી સાડી અને બ્લેક કલરના સ્લીવલેસ બ્લાઉઝમાં પલળી રહેલી સુડોળ કાયા દેખાઈ !
સુકુમારે બ્રેક મારી કે તરત એ યુવતી બારીના કાચ પાસે આવી ગઈ. તેની ઝુકેલી કાયામાંથી યૌવન એની મેળે છલકાઈને બહાર આવવા મથી રહ્યું હતું. સુકુમારે કાચ નીચો કર્યો કે તરત જ એ યુવતીએ સ્માઇલ સાથે રિક્વેસ્ટ કરી :
'જુઓને, મારી કાર બિલકુલ બંધ પડી ગઈ છે ! હવે તમે આ વરસાદમાં કાર રીપેર તો નહીં જ કરી શકોને ? એના કરતાં પ્લીઝ, મને અહીં નજીકમાં ક્યાંક-'
'ઓહ શ્યોર !' સુકુમારે કહ્યું 'પહેલા તમે જલ્દી અંદર આવી જાવ. વધારે પલળશો તો બિમાર પડી જશો.'
એ હવે હસી પડી 'છેલ્લી પંદર મિનિટથી પલળી જ રહી છું ! હજી તો બિમાર નથી પડી ! પણ જો હું એકલી અંદર આવી જઇશ તો મારા સામાનનું શું ? એ બિચારી બેગો મારી કારમાં એકલી એકલી કંટાળી જશે ને ?'
હવે સુકુમાર હસી પડયો : 'એક મિનિટ, હું બહાર આવું છું.'
એ યુવતીની કારની ડેકી ઝટ ખુલી નહોતી રહી. સુકુમારે હાથ વડે જોર કરીને ડેકી ખોલી ત્યાં સુધીમાં એ પણ પલળી ગયો. બેગો ઉતારીને પોતાની કારમાં મુકવા માટે પોતાની બેગોને ડેકીમાં ખસેડવા જતાં બન્ને વારંવાર એકબીજાને અથડાઈ પડયાં !
યુવતી હવે ખુલ્લા દિલે હસી પડી. 'લાગે છે કે આટલો ખુલ્લો રસ્તો હોવા છતાં આપણા બન્ને વચ્ચે ટ્રાફિક જામ થઇ રહ્યો છે !'
સુકુમારને આ ખુશમિજાજ યુવતીનો એટિટયુડ ગમવા લાગ્યો. કારમાં આગલી સીટે બેઠા પછી તેણે પોતાની સાવ પલળી ગયેલી ગુલાબી સાડીનો છેડો કાઢી જ નાંખ્યો ! તેને બંને હાથ વડે નીચોવતાં તે બોલી : 'યુ નો સમથિંગ ? આવે વખતે તમારી કારની મ્યુઝિક સિસ્ટમમાં કયુ ગાયન હોવું જોઇએ ? ચોલી કે પીછે ક્યા હૈ...ચોલી કે પીછે ક્યાં હૈ...'
'આઈ એમ સો સોરી...' સુકુમારે ઝડપથી પેલી યુવતીની છાતી પર મંડાયેલી નજરો પાછી ખેંચી લેતાં કહ્યું, 'મારી ભૂલ થઇ ગઈ.'
'મિસ્ટેેક ?' યુવતી હસી પડી. 'અરે, જિંદગીમાં ભૂલ જ ના કરો તો એ કંઇ જિંદગી કહેવાતી હશે ? જુઓને, હું આમ એકલી એકલી સોલો ટ્રીપ ઉપર નીકળી પડી એ પહેલાં મારે મારી કારને સર્વિસમાં ના મોકલી એ જ ભૂલને કારણે આપણે બન્ને અહીં મળ્યાં ને ?'
'હા એ પણ ખરું.' સુકુમાર હવે રિલેક્સ થયો. 'બાય દ વે, મારું નામ સુકુમાર છે.'
'અને હું સુકુમારી છું !' યુવતીએ એનો ભીનો હાથ મિલાવ્યો ત્યારે સુકુમારના શરીરમાંથી એક ઝીણી વીજળી પસાર થઇ ગઇ, તેણે કહ્યું :
'વો, કેવો પ્રાસ મળી રહ્યો છે ! સુકુમાર અને સુકુમારી !'
ત્યાં તો એ ખડખડાટ હસી પડી. 'આઈ એમ જસ્ટ જોકીંગ યાર ! શું તમને હું સાવ સુકુમારી લાગું છું ? આઈ એમ નો મોર અ વર્જિન !'
સુકુમારની નજર હવે એ યુવતીના શરીર પરથી નવેસરથી સરકતી હતી. યુવતીએ એ જ ભીના હાથ વડે સુકુમારને ખભે ધબ્બો મારતાં કહ્યું 'મોનિકા છે મારું નામ, મોનિકા.'
'અચ્છા ? તો આ સિચ્યુએશન પર મારી મ્યુઝિક સિસ્ટમમાં કયું ગાયન હોવું જોઇએ.' 'મોનિકા આઆ... ઓ માય ડાર્લિંગ !'
બન્ને નેણ નચાવતાં ગાવા લાગ્યા.
સુકુમારની શરૂઆતની નરવસનેસ હવે દૂર થઇ ગઇ હતી. તે વિચારી રહ્યો હતો કે યાર છોકરી તો બહુ ફાસ્ટ લાગે છે. શું કરવું જોઇએ ? વાત વાતમાં એકાદ હિન્ટ ડ્રોપ કરી જોઉં...પછી એ શું રિસ્પોન્સ આપે છે.'
હજી સુકુમાર કઇ હિન્ટ આપે એ પહેલાં જ મોનિકા બોલી 'યાર, આ ભીના કપડાં તો ક્યાંક બદલવાં જ પડશે. એક કામ કરોને, રસ્તામાં ક્યાંક સારી હોટલ દેખાય તો -'
સુકુમારને થયું કે વાહ, આ તો ગોલ્ડન ચાન્સ સામે ચાલીને જ આવી રહ્યો છે ! તેણે મ્યુઝિક ચાલુ કરીને કારની સ્પીડ ઘટાડી દીધી. બે ચાર હોટલો જવા દીધા પછી મોનિકા આંખ મિચકારતાં જ બોલી :
'આ હોટલ કેસિનોમાં જ ઊભી રાખોને ! કોને ખબર નસીબનો દાવ કેવો નીકળે છે !'
હોટલના કાઉન્ટર પર બેઠેલા માણસે કહ્યું 'એમ અડધો કલાક માટે રૂમ ના મળે. ચોવીસ કલાકનું ભાડું તો આપવું જ પડશે.'
મોનિકાએ સુકુમારનો ખભો પકડીને કહ્યું 'શું ફેર પડે છે ? આપણું કામ પતે પછી થોડો રેસ્ટ લેવા મળશે ! યુ શુડ ઓલ્સો ચેન્જ યોર ક્લોધ્સ..જુઓને કેટલું પલળી ગયું છે. શર્ટ ?'
સુકુમારને પણ આજ જોઇતું હતું ! બન્ને રૂમમાં ગયા. મોનિકા પલળેલી સાડી સાથે બાથરૂમમાં જતી રહી. તેણે અંદરથી કહ્યું 'કમ ઓન, તમે પણ આવી જાવ ને ?'
'એક જ મિનિટ, હું મારી વાઇફને મેસેજ કરી દઉં.' એમ કહેતાં સુકુમાર સોફામાં બેઠો. શુઝ ઉતરતાં તેણે રૂમનું ટીવી ચાલુ કર્યું.
એ જ વખતે ન્યુઝ ચાલી રહ્યા હતા : 'હની ટ્રેપનો વધુ એક કિસ્સો...શહેરના વેપારીનું ૫૦ લાખમાં બ્લેકમેઇલ..'
એ ન્યુઝમાં જે યુવતીનો ફોટો દેખાયો એ જ ક્ષણે સુકુમારના મગજમાં એક ઝાટકો લાગ્યો ! તેનો હાથ રિમોટ પર જ ચોંટી ગયો ! તેની નજર સામે છેલ્લા એક કલાકની ઘટનાનાં દ્રષ્યો ફટાફટ પસાર થઇ ગયાં !
સુકુમારને પસીનો વળી ગયો ! 'હવે કરવું શું ?' અચાનક તે ઊભો થયો અને ધીમેથી બાથરૂમની સ્ટોપર બહારથી બંધ કરી દીધી ! બસ, હવે પોલીસને ફોન કરવાનો હતો....