- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
રો સેલિન્ડ માઇલ્સ નામની લેખિકાની થિયરી એવી છે કે આરંભમાં માત્ર નારી જ હતી. સ્ત્રી એ ઇશ્વરનું મૌલિક સર્જન છે. સ્ત્રી પ્રાથમિક જાતિ છે. પુરુષ તો ઈશ્વરને પાછળથી આવેલો વિચાર છે. નારી એ પાયાનો ઍકસ ક્રોમોઝોમ છે. નર બાળક જન્માવવા માટે ભિન્ન એવા વાય ક્રોમોઝોમનું વક્રીભવન થાય છે. નર એ કુદરતની જીવશાસ્ત્રીય ભૂલ છે. ઇસવી સન પૂર્વે ૨૩૦૦માં સુમેરિયાના વડા ધર્મગુરુઅ સર્વશક્તિમાન દિવ્ય તત્ત્વની સ્તુતિમાં એક પ્રાર્થના રચી હતી. તેમાં ઇશ્વર અને આ ધર્મગુરુ બેઉ નારી છે. સુમેરિયા (હાલ ઇરાક)ના લોકો ઈશ્વરને નારીરૂપે ભજતા: તેઓ પ્રાર્થનામાં ઈશ્વરનાં રેશમી ઝુલફાં, તેનો મધ જેવો ખોળો, સ્વર્ગીય હોડી જેવી તેની ભવ્ય કૂખ અને તેના અનુપમ સૌંદર્યની ભક્તિ કરતા હતા. આજે આપણે શક્તિની પૂજા કરીએ છીએ. આપણે અંબા, બહુચરા, કાલિ વગેરે દેવીઓની ભક્તિ કરીએ છીએ. પાંચ હજાર વર્ષ પહેલાં શાળાની છોકરીઓ માત્ર એક જ દેવીને પિછાણતી હતી. ઇશ્વરનું સ્વરૂપ એક દેવીનું હતું. રોમન ધારાશાસ્ત્રી લ્યુસિયસ અપ્યુલિયસે લખ્યું છે : હું પ્રકૃતિ છું, હું સૌની માતા છું, હું તમામ તત્ત્વોની સ્વામિની છું, હું તમામ આધ્યાત્મિક ચીજોની સાર્વભૌમ માલિકી ધરાવું છું. હું અનેક નામોથી ઓળખાઉં છું. પ્રાચીન કાળમાં નારી રાજકીય સત્તા પણ ધરાવતી હતી. બાયઝૅનાઇન સામ્રાજ્ઞાી ફુલચેરિયા (ઇ.સ. ૩૯૯-૪૫૩) સત્તાની સાઠમારીના દાવપેચ સારી રીતે ખેલી જાણતી હતી. સરકસની કળાકાર થિયોડોરા પણ નાનુંશું રાજપાટ ચલાવતી હતી. રોમન સામ્રાજ્ઞાી ડ્રુસિલા લિવિયા રાજમહેલના કાવાદાવા રમી જાણતી હતી. જરૂર પડે ત્યારે તે ઝેરનો પણ ઉપયોગ કરી જાણતી હતી. સ્કિધિયન યોદ્ધાઓની રૂપાળી રાણી ઝનોબિયાએ રોમન સમ્રાટને હરાવીને ઇજિપ્ત તથા એશિયા માઇનોર જીતી લીધાં હતાં. છેવટે અઘરી પરિસ્થિતિમાં આ રાણીએ એક રોમન સેનેટરને લોભાવીને તેની સાથે લગ્ન કર્યું હતું. મહિલા ઇતિહાસકાર નવલ અલ સાદાવીએ નોંધ્યું છે કે આરબ સ્ત્રીઓ એક કરતાં વધુ પતિઓ રાખતી હતી આ વાત ઇસ્લામ પૂર્વેની છે. બેદુઇન નારી જ્યારે પોતાના અનેકમાંના એક પતિને છૂટાછેડા આપવા માગતી ત્યારે તે પોતાના તંબુનું પ્રવેશદ્વાર ઊંધી દિશામાં ફેરવી નાખતી હતી.
ઊંઘની ગોળીની લત છોડવી અઘરી છે
કામ્પોઝ તાણ કે ચિંતા ઓછી કરવા માટેની દવા છે. તે ઊંઘ લાવવા માટેની દવા નથી. કામ્પોઝ કે વેલિયમ લેવાથી મગજ પરની ચિંતા ઓછી થાય છે અને ઊંઘ આવી જાય છે. કામ્પોઝ વધારેમાં વધારે ૨૦-૨૫ દિવસ માટે જ લેવી જોઈએ. તેના પછી કામ્પોઝની અસર થતી જ નથી. એક ગોળીથી ઊંઘ ન આવે એટલે દરદી બે ગોળી લેવા માંડે. ચારચાર ગોળી લેનારા પણ આખી રાત જાગતા રહે છે. ઘણી વાર એવું બને છે કે ચિંતાનું કારણ દૂર થયા પછી વ્યક્તિની ઊંઘ સામાન્ય થઈ જાય છે, પણ તે કામ્પોઝની ટેવ છોડી શકતી નથી. તેને કામ્પોઝનો નશો ચડે છે અને કામ્પોજ ન લે તો ઊંઘ નથી આવતી તેવું જ વિચારે છે.
અનિદ્રાની ફરિયાદ કરતા દરદીઓમાંથી ૧૦ ટકા ખરેખર તો ઊંઘણશી હોય છે. તેઓ રાત્રે ૮ કલાકની ઊંઘ ખેંચી કાઢતા હોય છે, પણ તેમને એવું જ લાગે છે કે તેઓ ફક્ત ત્રણચાર કલાક જ સૂતા છે. તેઓ રોજ રાત્રે કામ્પોઝ લઈને જ સૂતા હોય છે.
પ્રાણી પ્રેમીઓનો અનોખો વિરોધ
સ્પેનના પેમ્પલોના શહેરમાં પ્રાણીપ્રેમી સંસ્થા પેટાએ ચોથી વાર્ષિક 'હ્યુમન રેસ'નું આયોજન કર્યું હતું. અહીં દર વર્ષે 'બુલ ફાઇટ' યોજાય છે. બુલ ફાઇટ વખતે મેટાડોર (આખલા સાથે લડનાર યોદ્ધા) લાલરંગનું લૂગડું બતાવીને આખલાને ભડકાવે છે અને એને દોડાવી દોડાવીને થકવી નાખ્યા પછી ભાલા મારી મારીને એનો બહુ ક્રૂર રીતે વધ કરે છે. સ્પેનની આ સૌથી લોકપ્રિય રમત બહુ જ ક્રૂર અને હિંસક છે. સભ્ય સમાજ આવી માનવીય બર્બરતા શી રીતે ચલાવી લે છે? બુલ ફાઇટ બંધ થવી જ જોઈએ એ નેમ સાથે પેટાના સમર્થનમાં ૬૦૦ લોકો જાડાયા હતા. બૂલ ફાઇટના બે દિવસ પહેલાં શરીરે માત્ર કાદવ ચોપડીને વિશાળ નગ્ન સમૂહે પેમ્પલોનાની શેરીઓમાં પશુહિંસા અટકાવવાના સૂત્રોચ્ચાર સાથે સરઘસ કાઢયું હતું.
ઘોંઘાટ અને બાળતાડન પ્રત્યે બ્રિટનનાં કડક કાયદા
લંડનના હર્ટફોર્ડશાયર વિસ્તારમાં એક ૧૧ વર્ષના બાળકે તેના પડોશીને જઇને ફરિયાદ કરી કે મારાં મમ્મી-પપ્પા મને બહુ જ મારે છે. પડોશીએ તુરંત પોલીસને ફોન કર્યો એટલે પોલીસે આવીને પેલા બાળકનાં મમ્મી-પપ્પાને પકડીને ચાર દિવસ કસ્ટડીમાં રાખ્યાં. બ્રિટનના બાળકાનૂન પ્રમાણે બાળકને માબાપ મારી શકતાં નથી. બીજા ઘોંઘાટનો કાનૂન પણ કઠોર છે. નોરફોલ્ક કાઉન્સિલનો કાનૂન છે કે પડોશીને ઘોંઘાટથી તકલીફ ન પહોંચાડી શકાય. ૬૦ વર્ષના વિલિયમ ગ્રીચમ અને તેની ૫૬ વર્ષની પત્ની એક અખબાર વાચતાં વાંચતાં ઝઘડી પડયાં. એટલા જોરથી ઝઘડો કરવા માંડયાં કે ઘાંટા પાડીને અકબીજાંને ગાળો દેવા લાગ્યાં. પડોશીએ કાઉન્સિલમાં ફરિયાદ કરી અને બન્નેને ૧૪ દિવસની જેલ થઈ!
એક જમાનામાં વજીરની જાનમાં સો હાથીઓનો વરઘોડો નીકળતો
આબુના નેમીનાથ મંદિરના પ્રવેશમાર્ગમાં બે હાથીની કૃતિઓ રખાઈ છે. ૧૮મી સદીમાં બનેલી પથ્થરની કોતરણીમાં હાથીનું ટોળું બતાવ્યું છે. જ્યારે ગંગા નદીમાં ખૂબ પૂર આવ્યા ત્યારે તેને રોકવા માટે હાથી ઊભા રહ્યા હતા તેવી માન્યતા હતી. પૂરવાળી નદીને ઓળંગવા માટે હાથી વપરાતા હતા. શણગારેલા હાથી પર બેસીને અકબર બાદશાહ બે કાંઠાથી છલકાતી જમુના નદીને ઓળંગતા. 'અકબરનામા'માં કેટલીક આરસપહાણની કૃતિઓમાંનાં હાથીનું વર્ણન અને ચિત્રો દર્શાવ્યા છે અને એ હાથીઓને હિન્દુ દેવતા પર અભિષેક કરતા દેખાડયા છે. મૈસૂરના રાજા દશેરા વખતે હાથીદાંતથી મઢેલી અંબાડીમાં બેસીને હાથી પર સવારી કરતા હતા. રજપૂતાનાના રજપૂત રાજાઓ અંગ્રેજોની ખુશામત કરવા રેસિડન્ટ અંગ્રેજ ઓફિસરને હાથી પર બેસાડીને દરબારમાં લાવતા. સુરતના ફોટોગ્રાફર એ. એલ. સૈયદે ૧૯૪૫માં બુંદીના રાજાએ અંગ્રેજ રેસિડન્ટને હાથી ઉપર બેસાડેલા તેની તસવીર પાડી છે. બિકાનેરના મહારાજા ૧૯૪૪માં પરણ્યા ત્યારે ચાર હાથી લઇને ડુંગરપુર પરણવા ગયા હતા એક હાથીને ચાંદીથી શણગારીને તેના પર વરરાજા બેઠા હતા. શાહનામા નામના મોગલ ગ્રંથમાં લખ્યું છે કે, '૧૭૯૫માં એક વજીર પરણ્યો ત્યારે તેની જાનમાં એકસો હાથીનો વરઘોડો કાઢયો હતો!'


