- કોઈ પણ દેશ, સમાજ કે સમાજનો કોઈ વર્ગ, વાસ્તવમાં પોતાની ચડતી કે પડતી માટે પોતે જ જવાબદાર હોય છે.
આ પણે ૨૬ જાન્યુ.એ આપણો ૭૭મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો. પરંતુ બહુ થોડાને ખબર હશે કે એક સમયે (૧૬૪૯ થી ૧૬૫૫ દરમિયાન) ઇંગ્લેન્ડ પણ સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યું હતું. તેના હેડ ઓફ ધ સ્ટેટ ઓલિવર ક્રોમ્વેલ પોતાને માત્ર દેશ-રક્ષક જ કહેવડાવતો હતો.
કોઈ પણ દેશ, સમાજ કે સમાજનો કોઈ વર્ગ, વાસ્તવમાં પોતાની ચડતી કે પડતી માટે પોતે જ જવાબદાર હોય છે. આ શબ્દો ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલા (૧૬૦૩-૧૬૨૫) ને સંપૂર્ણત: બંધ બેસે છે. તે સ્કોટલેન્ડની રાણી ક્વીન મેરીનો પુત્ર હતો. તે વિદ્વાન, બુદ્ધિશાળી તથા રમૂજી પણ હતો. પરંતુ ઘણો જ અહંકારી હતો. રાજાના ઇશ્વરીય હક્કો ને માનતો હતો. તે ગાદીએ આવ્યો ત્યારે દેશમાં ૩ પક્ષો હતા. (૧) પ્રોટેસ્ટન્ટસ - એપિ સ્કોપલ્સ (૨) કેથોલિક્સ (૩) પ્યુરીટન્સ.
રાજા અને રાણી બંને કેથલિકસ તરફ ઢળેલા હતા. પ્યુરીટન્સના સખત વિરોધી હતા. તેથી તો તેમના ઉપર જુલ્મો થતા. આખરે મેની ૫મીએ (૧૬૨૦માં) મે ફલાવર નામક વહાણમાં બેસી તેઓ મેનહટ્ટન ટાપુ પાસે પહોંચ્યા ત્યાં યોર્ક ઉપરથી ન્યૂયોર્ક શહેર સ્થાપ્યું.
જેમ્સ પહેલો રાજાના ઈશ્વરી હક્કમાં માનતો હતો. ન્યાયાધિશોને પણ પોતે કહે તે પ્રમાણે ન્યાય આપવા કહેતો પરંતુ એક ન્યાયાધિશે તે આજ્ઞા સ્વીકારી નહીં. તેમણે કહી દીધું, ન્યાય, ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે જ અપાશે. પૈસાની જરૂર પડતાં તેને પાર્લામેન્ટ બોલાવવી પડે તેમજ હતી. પાર્લાવમેન્ટે પહેલા અપાયેલા પૈસાનો હિસાબ માગ્યો. જેમ્સ ચીડાયો. તેણે પાર્લામેન્ટ બરખાસ્ત કરી. ૧૬૧૧-૨૧ પાર્લામેન્ટ વિના જ રાજ કર્યું. કર લેવાનું ચાલુ કર્યું.
૧૬૨૫માં જેમ્સ ૧લાનો પુત્ર ચાર્લ્સ -૧લો ગાદીએ આવ્યો. તેનામાં તેના પિતાના તમામ ગુણો હતા, તમામ દોષો પણ હતા. તે ઉડાઉ પણ હતો. પૈસાની જરૂર પડતાં તથા નવા કર શોધી કાઢયા. નિકાસ થતા અને આયાત થતા માલ ઉપર ટનેજ અને પા ઉન્ડેજ કહેવાતી કસ્ટમ્સ ડયુટી લાદી. આ મુખ્ય કરવેરા ઉપરાંત અન્ય બહુવિધ કરોથી પ્રજા ત્રાસી ગઈ હતી. તેના વેચાણ વેરાનો, વ્યાપારીઓએ વિરોધ કર્યો. તેવામાં સ્પેન સાથે યુદ્ધ (નૌકાયુદ્ધ) થયું. પરંતુ તેમાં ફાવ્યો નહીં. સૈનિકો પાસે ન હતાં પૂરતાં કપડાં કે મળતું તેમને પુરું ખાવાનું. પાર્લામેન્ટે પૈસા મંજૂર ન કર્યા. ઝવેરાત પણ ગીરો મુકયું. છતાં પૈસા ખૂટયા. રાજાનો માનીતો લોર્ડ બકીંગ હામ કર લાદતો ગયો. જકાત વધારતો ગયો. તે ભ્રષ્ટાચારી પણ હતો. જનતાએ તેની ઉપર કામ ચલાવવા કહ્યું. જે ન થયું કારણ કે તે રાજાનો માનીતો હતો. તેણે માર્શલ લો જ જાહેર કર્યો. જનતાએ તેટલે જ તેનો વિરોધ કર્યો. ૧૬૨૮માં ૩જી પાર્લામેન્ટ મળી તેમાં ઇલિઅટ અને પીમ અગ્રણી હતા. પીમ અને તેના ૪ સાથીઓ રાજાની દાઢમાં હતા. રાજા ૫૦૦ સૈનિકો લઈ પીમ અને તેના સાથીઓને પકડવા ગયો. પરંતુ તેઓ નાસી ગયા હતા. રાજા સ્પીકરની સીટ પર બેઠો. હજી સુધી કોઈ રાજાએ આ કૃત્ય કર્યું ન હતું. પીમ અને તેના સાથીઓને ન જોતા. રાજાએ કહ્યું, મારા પંખીડા ઊડી ગયાં છે. રાજા ગયો. સંસદે કહ્યું રાજાએ કાનુન અને સંવિધાન પ્રમાણે ચાલવું જોઈએ. મન ફાવે તેમ મન ફાવે તેવી રીતે કોઈને જેલમાં ન ધકેલાય. ચાર્લ્સના સમયની આ રોજીંદી ઘટના સામે વિરોધ વ્યાપક બન્યો. સંસદે કહ્યું નૌકાદળ અને ભમિદળ, ઉપર સંસદનો કાબુ રહે. તેના સેનાપતિઓ સંસદ નિશ્ચિત કરે. રાજાએ ના કહી. હવે વિરોધ યુદ્ધમાં જ પરિણામે તેમ હતો. રાજાનું સૈન્ય કસાયેલું હતું. જયારે ખેડૂતો, વેપારીઓ અન્ય શહેરીજનો અને ગ્રામ વાસીઓનું સૈન્ય આવડત વિનાનું હતું. તેવે સમયે ઓલિવર ક્રોમ્વેલે તેમને તાલીમબદ્ધ કર્યા. રાજા અને પ્રજાનાં દળો વચ્ચે મુખ્ય ૩ સ્થળે યુદ્ધો થયા. લોકો કામ ધંધો છોડી ક્રોમ્વેલ સાથે જોડાયા. તેમને ક્રોમ્વેલે એવા તૈયાર કર્યા કે તેઓ દુધર્ષ બની રહ્યા. ક્રોમ્વેલે તેમને આયર્ન-સાઇડઝ (વજ્ર-બાહુ) તેવું ઉપનામ આપ્યું. બીજા ત્રણેક યુદ્ધો પછી આખરી યુદ્ધ ૧૬૪૫માં નેસ્બી પાસે થયું. તેમાં ક્રોમ્વેલની પોતાની અજોડ શકિત અને અસામાન્ય વ્યૂહરચના તથા તેના વિશ્વાસુ સાથીઓના પરાક્રમથી નેસ્બીના યુદ્ધમાં રાજાનું સૈન્ય પરાજિત થયું. રાજા નાઠો પરંતુ પકડાઈ ગયો. રાજાનાં સૈન્યનાં શસ્ત્રો, અને સરંજામ તો પ્રજા પક્ષના હાથમાં આવ્યાં જ તેમાં એક પેટી પણ હાથ આવી. જેમાં રાજાએ વિદેશોની મદદ માટે મોકલેલા પત્રોનો વિદેશોમાંથી આવેલા જવાબો હતા.
યુદ્ધમાં હાર મળતા નાસીને તે સ્કોટલેન્ડ ગયો, વેલ્સે તો તેને આવવા જ દીધો ન હતો. દરમિયાન તે પત્રો છપાવી પ્રજામાં વહેંચાઈ ગયા હતા. સ્કોટલેન્ડે ૪ લાખ પૌંડ લઈ રાજાને સોંપી દીધો. ૧૯ જાન્યુ. ૧૬૪૯ના દિને તેની ઉપર કેસ ચાલ્યો. દેહાંત દંડની સજા કરાઈ. ૨૦ જાન્યુ.એ તેને મહેલની બારી પાસે લઈ જવાયો. તેણે કુટુંબ સાથે છેલ્લી વાત કરી. ૨૦મીએ ગિલોટિન ઉપર તેનું માથું મુકાયું. ઇંગ્લેન્ડ પ્રજાસત્તાક બન્યું. ઓલીવર ક્રોમ્વેલે દેશરક્ષક તરીકે ૨૦ જાન્યુ. ૧૬૪૯ થી દેશનું સુકાન સંભાળ્યું. પરુંત અત્યંત પરિશ્રમને લીધે ૩ સપ્ટે. ૧૬૫૮માં તેનું મૃત્યુ થયું. પછી તેનો પુત્ર દેશ રક્ષક બન્યો પરંતુ તેનામાં તેના પિતા જેવી શકિત કે બુદ્ધિ કે આવડત ન હતા.
નેસ્બીના યુદ્ધ પછી ચાર્લ્સ ૧લાનો પુત્ર હોલેન્ડ નાસી ગયો હતો. આ તરફ દેશ રક્ષકો (ક્રોમ્પવેલના પુત્રો) રાજ સંભાળી શકે તેમ ન હતા. ચાર્લ્સ બીજાને લોકોએ બોલાવ્યો. ૧૬૫૫માં તેને લોકોએ માર્ગ ઉપર ફૂલો પાથરી આવકાર્યો. આમ ૧૬૪૯ થી ૧૬૫૫ સુધીમાં ગણતંત્રનો ઇંગ્લેન્ડમાં અસ્ત થયો.
- દિનેશ દેસાઈ


