શ્રીકૃષ્ણ ક્યારે જન્મ ધારણ કરશે? .
- એક જ દે ચિનગારી-શશિન્
- ભગવાન શ્રી કૃષ્ણ સાથે નિર્મળ અને નિખાલસ સંબંધ રાખવાના આઠ માર્ગો કયા?
ગો કુળને ઘેલું કરનાર, તારનાર, પાળનાર બાલાવતાર, ગોપ અને ગોપીઓમાં આત્મીયતા અને નિજત્વ પ્રગટાનાર એ રૂપાવતાર, સ્વજનની પેઠે વિરહથી વીંધતો એ વિરહાવતાર, પૃથ્વીમાંથી પાપ અને પાખંડને વિચ્છેદનાર પુણ્યાવતાર, દીનદુ:ખી ઉદ્ધારક દીનાવતાર, રાધાનો બાળસખા અને દ્રોપદીનો ધર્મસખા, ઉદ્ધવના અંતરસખા અને સુદામાના આત્મસખા, અર્જુનના યોગસખા અને રુકમણીના જીવનસખા, વાસુદેવ-દેવકીનો લાલ, અને નંદ-યશોદાનો વહાલસોયો બાળ, કંસ-શિશુપાળ કાળ અને અજોડ કલાકાર, અજબ વિષ્ટિકાર અને ગજબ દ્રષ્ટિકાર પાર્થસારથિ અને ધર્મયોદ્ધા, ભીષ્મ પિતામહ પણ જેને પૂજ્ય માને એવો ચારિત્ર્યશીલ અને નિષ્કામ-નિર્લેપ દેહધારી, અનન્ય સુદર્શન ચક્ર શોધક, ગીતા પ્રબોધક, ગોવાળ અને ગોપાળ, બંસીધન અને અસ્ત્રશસ્ત્ર વિશારદ, ધર્મધારક અને નીતિપાલકને બીજું શું કરી શકાય ? સિવાય કે પુરૂષોત્તમ ? શ્રીકૃષ્ણ પ્રત્યેના આદરભાવથી નખશીખ ભીંજાયેલા લેખક શ્રી ચક્રવાકે શ્રીકૃષ્ણના વૈવિધ્યસભર શાલીન વ્યક્તિત્ત્વને સુપેરે શબ્દાંકિત કર્યું છે.
પણ શ્રી કૃષ્ણના મહિમામંડિત વ્યક્તિત્વને સમજવા માટે એક જ વાક્ય પૂરતું છે, કે એ કર્મયોગી સન્યાસી હતા અને સન્યાસપૂત કર્મયોગી હતા. ફલાસક્તિના પરિત્યાગનું એમણે ગીતામાં પ્રબોધેલું મહાસૂત્ર વૈશ્વિક તત્ત્વજ્ઞાાન પરંપરામાં મૂર્ધન્ય સ્થાને વિરાજે છે. વાત આમ તો વિચિત્ર લાગે. કર્મ કરવું અને ફળની ઇચ્છાનો ત્યાગ ?
વાત તો ઊલટી લાગે છે, પણ છે વિચારવા જેવી. શ્રી કૃષ્ણ આપણને સમજાવવા માગે છે કે, તમે જીવનને વાસના અને આકાંક્ષાઓમાં બાંધવાની કોશિશ કરશો તો જીવન તેટલું જ તમારા હાથની બહાર રહી જશે. જીવનને ખુલ્લું રાખો, કારણ કે જીવન પોતે જ એક આનંદ છે. પલાયનવાદી સન્યાસી બનશો તો પણ ઇચ્છાઓ તો તમારો પીછો છોડવાની નથી, એવા સંન્યાસી રૂપે તમે જંગલમાં નવું મંગલ કરશો, કારણ કે સન્યાસનું સરનામું સંસાર ત્યાગમાં નહીં, પણ મન: સંયમમાં છે, જેના મનમાં ઇચ્છાઓનાં તોફાન ના હોય એ સંસારમાં રહ્યા છતાં સન્યાસી છે. અને એટલે જ આજના કહેવાતા સન્યાસીઓ વેશપલટું ગૃહસ્થો જ છે. ઘરનાં સુખો એમણે ઘર-બહાર વસાવ્યાં એટલું જ !
કૃષ્ણનો આદર્શ ગૃહસ્થ પણ નિર્મળ વ્યક્તિવાળા, ઇચ્છાઓના દોરે નહીં નાચનારા અણીશુદ્ધ સજ્જનો હતો. એવો સજ્જન સન્યાસીથી ઊતરતો ન જ ગણાય. માણસ કર્મ વગર જીવી ન શકે, એટલે કર્મ છોડીને ભાગવું એ તો પ્રસાદ થયો. કૃષ્ણને એવા પ્રમાદી સન્યાસીઓ મંજૂર નથી, કોઈ મોટી ઇચ્છા માટે નાની ઇચ્છાનો ત્યાગ એ કર્મત્યાગ નથી, પરંતુ છોડવા જેવાં ખોટા કર્મોનો ત્યાગ છે અને એ સાચું સન્યસ્ત છે. ઇચ્છાઓનો ત્યાગ એટલે કર્મ પર પૂર્ણવિરામ નહીં, પરંતુ શ્રી કૃષ્ણે કર્મ સમજવામાં થાપ ખાધી નહોતી, તેઓ માને છે કે 'કરવા જોગ' હોય તે જ કર્મ. ઈચ્છાઓનો ત્યાગ કરો એટલે ખોટાં કર્મો સાથેનો નાતો અને ચસકો આપોઆપ ઘટવાનો.
રજનીશજીએ આ સમજાવવા માટે ચોરનો દાખલો આપ્યો છે. અઠંગ ઉઠાવગીર કે રીઢો ગુનેગાર કે ચોર પણ એમ જ કહેતો હોય છે કે પોતે ચોર નથી. પણ પરિસ્થિતિવશ પોતે ચોરી કરવી પડી છે. બાકી આમ તો હું સારો માણસ છું. ઈચ્છાઓનું વર્ચસ્વ જ માણસ પાસે દુષ્કર્મ કરાવી જાય છે. પરિણામે ખોટું પણ તેને ખોટું લાગતું નથી. ખરાબમાં ખરાબ માણસની તર્કશૈલી પણ એવી જ હોય છે કે પોતે જ કાંઈ કરે છે તે બરાબર છે. હું મકાન બનાવવા ઇચ્છતો હોઉં અને તેમાં વિશ્રામ કરવા ઈચ્છું તો તેમાં કશું ખોટું કરું છું ? અને પછી એ મકાન બનાવવાની ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે થોડાંક કાળાબજાર, થોડીક લાંચરૂશ્વત થોડીક ચોરી કરવી પડે તો કરું પણ ખરો. કારણ કે એના વગર મકાન શક્ય ન હોય તો તેમાં વાંધો શો ?
શ્રી કૃષ્ણે એટલે જ એ વાત ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ, તારી ઈચ્છાઓ ઘટશે, એટલે બૂરાં કર્મો આપોઆપ ઘટશે અને તારાં સારાં કામો તારો સંગ છોડશે નહીં.
જીવનમાંથી સ્વાભાવિક રીતે ઉદ્ભવે, જીવનમાંથી સહજ રીતે ઉદ્ભવે તેવા કર્મપ્રવાહમાં જીવન પરિસ્નાન કરતું રહે જ છે. કારણ કે મન જ ઇચ્છાઓની જાળ બિછાવે છે. ઇચ્છાઓ એકબીજાને ધકેલીને પોતપોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરતી હોય છે. એ ઇચ્છાઓનો રખેવાળ, પાલક અને પોષક બનવામાં માણસ અટવાયેલો રહેતો ઈચ્છાઓની ભીંડમાં પોતે ખોવાઈ જાય. જીવવાની એને તક જ ન રહે, જીવન કેવળ ઢસરડો બની જાય. એટલે મનરૂપી બહુરૂપીના ઈશારે ન નાચવામાં જ સલામતી છે.
શ્રી કૃષ્ણ માને છે કે માણસ તો સારો જ છે બસ, ઇચ્છાઓનો નચવ્યો ન નાચે. એ ઇચ્છાઓને છોડી દેશે એટલે એની અંદર શુભત્વનો જન્મ થશે અને એ પછી જે કાંઈ બહાર આવશે તે ઉત્તમ જ હશે, શુદ્ધ હશે, સાત્વિક હશે. જેમ દર્પણ પર ધૂળ ચોંટી હોય તો આપણું પ્રતિબિંબ આપણે નિહાળી શકતાં નથી, તેવું જ માણસનું પણ છે. માણસ દર્પણ જેવો ચોખ્ખો છે, પણ ઈચ્છાઓ દ્વારા એ ધૂળ એકઠી કરી લે છે. એટલે ચોતરફથી એની નિર્દોષતા ઢંકાઈ જાય છે. બાકી માણસની ચેતના તો નિર્દોષ જ છે. દોષો તો બહારની ધૂળ છે. ઈચ્છા વગરની ચેતના જ શુભત્વની ઊર્જા પેદા કરે છે.
કૃષ્ણ જન્મદિન એ પાપનો ભાર વધી ગયો છે, માટે પ્રભુ તમે પધારો, એવા કાલાવાલા કરવાનો ઉત્સવ નથી. પરંતુ કૃષ્ણે દર્શાવેલી પેલા દર્પણની ધૂળ ખંખેરવા માટે સંકલ્પબદ્ધ બનાવાનો દિવસ છે.
શ્રી કૃષ્ણનો જીવન સંદેશ - ઉત્સવ બહાર નહીં પણ અંદર પણ ઊજવો, કારણ કે તમને મળેલી આજ, આજની ઘડી, રળિયામણી છે. વ્હાલો આવ્યાની વધામણી એટલે વ્હાલાને આવકારવા માટેનું પવિત્ર મન.
જન્માષ્ટમી એ જ નહીં પણ કૃષ્ણને હર પળે તમારા મનના મથુરામાં જન્મવા દો. કારણ કે કૃષ્ણ જેની સાથે રાખે છે એની સાથે કાયમી સંબંધ રાખે છે. કૃષ્ણને તિથિ સાથે નહીં, જીવન તીર્થ સાથે લેવાદેવા છે.
શ્રી કૃષ્ણ સાથે નિર્મળ અને નિખાલસ સંબંધ કેવી રીતે રાખશો ?
૧. શ્રીકૃષ્ણમય બની પવિત્ર જીવન ગાળીને,
૨. કથની અને કરણીમાં એકવાક્યતા રાખીને.
૩. જરૂર પડે ક્ષમા શીલતા દાખવીને.
૪. સ્વજનો અને મદદ વાંછકોની આશા પૂર્ણ કરીને.
૫. મૈત્રી ભાવનાને વફાદાર રહીને.
૬. પ્રેમ જીવી બતાવીને.
૭. અતિનમ્રતાથી બચીને.
૮. પુરૂષાર્થમાં શ્રદ્ધા અને કર્મફળ પ્રત્યે આનાસકિત્.